શાળા-હોસ્પિટલોના સીલ ખોલવા સોગંદનામાનો ઢગલો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
- Advertisement -
આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે ત્યારે મનપામાં સતત રજૂઆત અને રાજય સરકાર સુધી માંગણી કરવામાં આવ્યા બાદ મહાપાલિકાએ ફાયર એનઓસી અને બિલ્ડીંગ યુઝ પરમીશન સંદર્ભે સીલ કરેલ સ્કુલ અને હોસ્પિટલોના સીલ સોગંદનામાના આધારે ખોલવા મંજૂરી આપી દીધી છે. જેના પગલે આજે બપોર સુધીમાં 116 સ્કુલ, હોસ્પિટલ સહિતના સીલ ખોલી દેવામાં આવ્યા છે.
એનઓસીવાળી શાળાઓને 15 દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવા જણાવાયું છે. હોસ્પિટલોને પણ બીયુ અને અનઅધિકૃત બાંધકામ રેગ્યુલર કરી આપવાનું પ્રમાણપત્ર રજૂ કરવા શરત રાખવામાં આવી છે. પરંતુ ફાયર એનઓસીની 15 દિવસની અને બીયુની 60 દિવસની મુદ્દતમાં જો નિયમ પાલન કરવામાં ન આવે તો ફરી મિલ્કતો સીલ કરી દેવાશે તેવું જણાવાયું છે. 15 મીટરથી ઓછી ઉંચાઇ અને 500 મીટરથી ઓછું બાંધકામ હોય તેમને પ્રથમ લાભ મળવાપાત્ર છે.
ટી.આર.પી. ગેઈમ ઝોનના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન ન હોય તેવા એસેમ્બલી પ્રકારના એકમો કે જેમાં શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલ બિલ્ડીંગ, સમાજની વાડી વગેરેને ફાયર એન.ઓ.સી., બી.યુ. પરમિશન નહીં હોવાથી સીલ કરી એન.ઓ.સી. મેળવવા યોગ્ય કાર્યવાહી કરવા સીલ ખોલી આપવાની કાર્યવાહી ચાલુ હતી. તે દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિ મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, હોસ્પિટલ એકમોના પ્રતિનિધિ મંડળો તરફથી ફાયર એન.ઓ.સી. હોય તેવા એકમોનો વપરાશ કરવા કાયમી સીલ ખોલી આપવા અવારનવાર રજૂઆત થતી હતી. આજથી નવું શિક્ષણ સત્ર શરૂ થતા શાળાઓ અને હોસ્પિટલો માટે મહાપાલિકાએ નવી એસઓપી સહિતના હળવા નિયમો જાહેર કર્યા છે. શૈક્ષણિક એકમો જેવા કે સ્કૂલ, કોલેજ, પ્રી-સ્કુલ, કોચિંગ ક્લાસ જેમની પાસે માન્ય ફાયર એનઓસી ઉપલબ્ધ છે તેઓ (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે. જે અંતર્ગત આજથી તમામ વોર્ડ ઓફિસમાં સોગંદનામાના આધારે શાળા અને હોસ્પિટલોના સીલ ખોલવા મંજૂરી આપવામાં આવી છે. હોસ્પિટલ, ક્લિનિક, સમાજવાડી જેવા એકમો પાસે માન્ય ફાયર એનઓસી ઉપલબ્ધ છે તેઓને (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.