ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
2 મહિના પહેલા લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી જયારે ગુજરાત આવ્યા અને ગુજરાત કોંગ્રેસ સંગઠનનાં કાર્યકર્તાઓને રૂબરૂ મળ્યા ત્યારે કાર્યકર્તાઓ તરફથી ફરિયાદ થયેલ કે શહેર કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી થાય કે ટિકિટ વિતરણ થાય ત્યારે સ્થાનિક આગેવાનો કે કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. કોઈ પણ જિલ્લામાં જિલ્લા કે શહેર પ્રમુખની નિમણૂંક થાય ત્યારે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને વિશ્વાસ માં લેવામાં આવે. રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓની આ વાત ગ્રાહ્ય રાખી આખાયે ગુજરાતના સંગઠન શ્રુજન અભિયાન અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી 44 વરિષ્ઠ નેતાઓની ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરી.
સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં એક જિલ્લામાં 4 વરિષ્ઠ નેતાઓની નિમણુંક કરી કુલ 5 પ્રભારીઓ દ્વારા 5 દિવસ જૂનાગઢ રોકાઈ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ તથા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને સંસદ લડેલા ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્યો, જૂનાગઢ શહેરનાં સામાજિક, ધાર્મિક, વ્યવસાયિક સંગઠનોનાં પ્રતિનિધિઓનો અભિપ્રાય લઇ સર્વાનુમતે જૂનાગઢ શહેરના કોંગ્રેસ પક્ષનાં પ્રમુખ તરીકે મનોજ જોષીની નિમણૂંક કરવામાં આવી છે. મનોજ જોષી અગાઉ 2010 થી 2015 સુધી મેંદરડા તાલુકા પંચાયતનાં સભ્ય અને વિરોધ પક્ષના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2011 થી 2017 સુધી પ્રદેશ કોંગ્રેસ આઈ.ટી. સેલના ઉપ – પ્રમુખ તરીકે કામગીરી કરેલ છે.