રાસ એટલે ખુશી વ્યકત કરવાનું એક માધ્યમ. યુદ્ધ જીતવાની ખુશીને રાસના માધ્યમથી વ્યક્ત કરવા પારંપરિક રીતે મણિયારો રાસ રમાય છે. આ રાસ મેર સમાજના લોકો દ્વારા વિવિધ લોકોત્સવોમાં પરંપરાગત વસ્ત્રોમાં રમવામાં આવે છે. પુરુષો ચોયણી, કેડિયું, ખમીસ, પાઘડી, લાલ પટ્ટો (વરફિંટિયો) જેવા વસ્ત્રો પહેરી રમે છે. આ રાસ દાંડિયા સાથે કે દાંડિયા વગર પણ રમાય છે.
મણિયારો રાસની ખાસ વિશેષતા એ છે કે આ રાસમાં ખેલૈયાના પગ જમીનને વધુ સમય અડકતાં નથી અને જાણે હવામાં ઉછળતા કૂદતા હોય તેવા જોશથી મણિયારો રાસ રમાય છે. આ રાસમાં તમામ ખેલૈયાઓ એકસાથે કુદકો લાગાવે છે, તે જોવાલાયક હોય છે. પોરબંદર, દ્વારકાના મેર સમાજ આવી રીતે મણિયારો રમીને પોતાની ખુશી વ્યકત કરે છે. મણિયારા રાસની પરંપરા આજે પણ યથાવત છે. રાજકોટના પ્રખ્યાત લોકમેળામાં રજૂ થનારો મણિયારો રાસ કલા મહાકુંભ તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ વિજેતા થયો છે.
- Advertisement -
રાજશક્તિ રાસ મંડળ દ્વારા સાંસ્કૃતિક મંત્રાલયના સૌજન્યથી આ રાસ અગાઉ સાઉથ કોરિયા, સિંગાપોર, આફ્રિકા, યુ.એ.ઈ. વગેરેમાં પણ રાસ રજુ થઇ ચુકયો છે. આવો જ આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત અને સંસ્કૃતિ માટે ગર્વ અનુભવ કરાવતો રાસ રાજકોટવાસીઓ સમક્ષ ૫ સપ્ટેમ્બરનાં રોજ યોજાનારા લોકમેળાના ઉદઘાટન સમારોહમાં પ્રદર્શિત કરવામાં આવશે. સંચાલકશ્રી વનરાજસિંહ ગોહેલ અને ૧૨ થી ૧૬ યુવકો લગભગ 10 મિનિટની રાસ પ્રસ્તુતિ કરશે.