ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
માંગરોળ શહેરમાં ચા બજાર વિસ્તારમાં જર્જરિત ઈમારતની દીવાલ ધરાશાયી થવાના બનાવ બાદ, ચીફ ઓફિસર આર. આર. ધોળકીયાની આગેવાની હેઠળ માંગરોળ નગરપાલિકાએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક અસરથી જર્જરિત ઈમારતો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
નગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં કુલ 37 જર્જરિત ઈમારતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ચા બજાર, ચીકલી ચોક, ધોબીવાળા વિસ્તાર, કાજીવાળા અને એમ.જી. રોડ સહિતના મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. એમ.જી. રોડ પર આવેલી 8 જેટલી જર્જરિત ઈમારતો તોડી પાડવા માટે પોલીસની મદદ લેવાઈ હતી, અને સુરક્ષાના હેતુસર આ માર્ગને 4 દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જર્જરિત હાલતમાં ચાલતી ગુલીસ્તાન પ્રાથમિક શાળાને પણ નોટિસ આપી ખાલી કરાવવામાં આવી છે. જયારે નગરપાલિકાએ કુલ 48 મિલકતોને નોટિસો ઇસ્યુ કરી છે. ટૂંક સમયમાં નગરપાલિકા હસ્તકના 2 પાણીના સંપ અને 2 પાણીની ટાંકી પણ ઉતારી લેવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવનાર છે. નગરપાલિકાએ જાહેર જનતાને અપીલ કરી છે કે, શહેરમાં જો કોઈ જર્જરિત ઈમારત હોય તો તેની જાણ તાત્કાલિક નગરપાલિકાને કરવી, જેથી માનવીય જાનહાનિ જેવી પરિસ્થિતિઓ અટકાવી શકાય.