પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
એ સ્વતંત્રતા શું કામની જે માણસોને ભૂલ કરવાની આઝાદી ન આપી શકે?
– ગાંધીજી
એક સર્વે મુજબ રોજની આશરે 50000 કલાકો આપણે કેપ્ચા કોડ એન્ટર કરવામાં વેડફીએ છીએ જે આપણે રોબોટ નથી એ સાબિત કરવા માટે લેવામાં આવે છે. હવે વાત એ છે કે એ ટેસ્ટ લેવાનું તાત્પર્ય શું? નિષ્ણાતોનું કહેવું છે કે આપણે તે કેપ્ચા ટેસ્ટમાં જે આંકડા કે અક્ષરો આપવામાં આવેલ હોય છે તે એવી રીતે લખાયેલા હોય છે કે બોટ તરીકે ઓળખાતા ઓનલાઇન સોફ્ટવેર તેને ઓળખી ન શકે. તેના સિવાય પણ એક બીજા પ્રકારની ટેસ્ટ લેવાય છે કે જેમાં આપણે અમુક તસ્વીરોને સિલેક્ટ કરવાની આવે છે. તે ટેસ્ટની ઉપયોગીતા વિષે જણાવતા એક નિષ્ણાત જ્હોન લોયડે એવું કહ્યું કે તે ટેસ્ટમાં વેબ બ્રાઉઝર એ વાતને નોટિસ કરે છે કે ક્લિક કેટલું રેન્ડમલી થાય છે. સામાન્યરીતે રોબોટ દ્વારા થતા ક્લિકો પરફેકટ હોય છે જયારે માણસો ક્લિક કરવામાં એકંદરે અનિશ્ચિત હોય છે. હવે ઉપર ટાંકેલું ક્વોટ વાંચો. ગાંધીજી તેમાં શું કહે છે? મશીનો ભૂલ નથી કરતી અને માણસો ભૂલ કરે છે. આપણને ભૂલ કરવાની જે આઝાદી મળી છે તેના લીધે જ આપણે બીજી કોઈપણ પ્રજાતિ કરતા વધારે વિકાસ આ પૃથ્વી પર સાધ્યો છે. પણ પણ પણ … અત્યાર સુધીય આપણો મુકાબલો પ્રકૃતિના બીજા સજીવો સાથે હતો. હવે માનવજાતે એ ભોરિંગને નાથવાનો છે કે જેને ઇંડામાંથી બહાર કાઢનાર પણ તે પોતે જ છે. માણસ અને યંત્રોનો ઇતિહાસ બહુ જૂનો છે. આદિમાનવે કરેલ પૈડાંના આવિષ્કારથી લઈને લેટેસ્ટ મેડિકલ ઓપરેશન કરનારા માઈક્રો રોબોટ્સ સુધી આ યાત્રા જારી છે. યંત્રોએ પોતાનો વારસો રોબોટના સ્વરૂપે આગળ વધાર્યો અને હવે હવે એ રોબોટ જાણે કે પોતાના શરીરમાંથી આત્મા સ્વરૂપે બહાર આવ્યો હોય એમ તેમાંથી અઈં એટલે કે કૃત્રિમ બુદ્ધિમતા ઉદભવી છે. અને એ જ મશીનોની આ ઉત્ક્રાંતિમાં એક મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો છે. અત્યાર સુધી મશીનો વિચારી ન શકતી પણ હવે માણસે તેને વિચારવાની ક્ષમતા આપી એટલે યંત્રની વિભાવના ભૌતિક સ્વરૂપ સુધી મર્યાદિત ન રહેતા માનસ સ્વરૂપ સુધી વિસ્તરી છે. વસ્તુ કરતા વિચારનો ફેલાવો વધુ ઝડપથી થાય છે એ ન્યાયે અઈંના આગમનના થોડા જ સમયમાં તે વિશ્વવ્યાપી બની ગઈ છે. હવે આ ભસ્માસુર આપણને રોજબરોજ કેટલી હદ સુધી નુકસાન પહોંચાડે છે તે જોઈએ.
- Advertisement -
વિરામ:
એક દિવસ અઈં પાછું વાળીને આપણી સામે એ રીતે જોવાની છે જે રીતે આપણે આફ્રિકામાં માણસોના હાડપિંજર અને અવશેષોને જોઈએ છીએ
-ફિલ્મ ’એક્સ મશીના’ નો એક સંવાદ
પાછા ગાંધીજીને યાદ કરીએ. તેમને સીવણ મશીનનો વિરોધ એટલા માટે કરેલો કે તેના કારણે કેટલા બધા હાથે સીવણકામ કરતા દરજીઓ બેરોજગાર બની જવાના હતા. સાંપ્રત સમયમાં માણસ અને યંત્ર તથા તેના માનસરૂપ એટલે કે અઈં વચ્ચેની સ્પર્ધા કેવી ચાલે છે? ઓટોમેટિક ચેટબોટે કેટલાય કોલ સેન્ટરને બંધ કરાવી દીધા છે એટીએમના આગમન સાથે કેશિયરોની સંખ્યા ઘટી તેવીરીતે. ખાનગી બાબત જેવું હવે ઓછું થતું જાય છે કારણ કે આપણે ક્યારેય સાવ એકલા હોતા નથી. અઈં નામનો જાસૂસ આપણું સતત મોનીટરીંગ કરતો રહે છે; આપણે શું શું વાંચીએ, બોલીએ, સાંભળીએ, જોઈએ છીએ. અને આ આપણા સેવકને સુપેરે ખબર છે કે માણસો એકંદરે આળસુ પ્રાણીઓ છે એટલે તે સતત આપણી મદદ કરતો રહે છે ને તે રીતે આપણી પસંદગી, નાપસંદગી વિષે માહિતી ભેગી કરતો રહે છે કે જેથી તે માહિતી તે વેચી શકે. હજી સુધી તો આ ભોરિંગ ટેક એક્સ્પર્ટો નામના મદારીના કાબુમાં છે પણ જયારે તે એટલો શક્તિશાળી બની જશે કે કોઈનામાં ત્રેવડ ન હોય તેને કાબૂ કરવાની ત્યારે શું? આગળ કહ્યું તેમ મનુષ્યો ભૂલ કરે છે એટલે તેઓએ ખુબ જ પ્રગતિ કરી છે તો અઈં એ બાબતને તેઓને અતિક્રમી શકશે? કલાના ક્ષેત્રોમાં હજુ સુધી અઈંનો વારો આવ્યો નથી. કૈક નક્કર, સર્જનાત્મક કરવામાં માણસો તેને પાછળ રાખી દે તે શકયતા નકારવા જેવી નથી હો એલેક્સા!
પૂર્ણાહુતિ:
અલાદીનનો જીન્ન જેની પાસે તે જાદુઈ ચિરાગ હોય તેનો ગુલામ બની જતો આ કૃત્રિમ બુદ્ધિમતાનું પણ આવું જ છે, ફરક એટલો જ કે આ અઈં રૂપી જીન્ન કદાચ ક્યારેક માનવજાતનો ચિરાગ પોતાની પાસે રાખી લે એવું બને.
– સિદ્ધાર્થ રાઠોડ