રાવણ વર્ષમાં એકવાર બળે છે, પણ મારા સહિત લગભગ દરેક માણસ કદાચ રોજ બળતો રહે છે, ક્રોધથી, ઈર્ષાથી, અહંકારથી, બદલાની ભાવનામાં…
સળગતો રાવણ એ સંદેશ આપે છે કે ભલે તમારી પાસે શિવતાંડવ જેવું અદભૂત સર્જન કરવાની શક્તિ હોય, સાક્ષાત શિવ પ્રગટ થાય તેવી ભક્તિ હોય કે કુબેરનો ખજાનો હોય, પણ જો તમે તમારી અંદરના દુર્ગુણો પર જીત ન મેળવી શકો તો બધું જ માયા સો મિટ્ટી ને પટ્ટણ સો દટ્ટણ જ છે.
રામ સંપૂર્ણ નહોતા, નહોતો રાવણ સંપૂર્ણ… જે ક્ષણે માનવી પેલું આંતરયુદ્ધ જીતી જશે, અંત:ચક્ષુ ખુલી જશે ત્યારે એ જોઈ શકશે કે રામ પણ એ જ હતો ને રાવણ પણ એ પોતે જ હતો. એ જોઈ શકશે બન્નેને એક–મેકમાં વિલિન થઈ જતા. ત્યારે કશું જ નહીં બચે. ન સન્માન કા મોહ, ન અપમાન કા ભય. ન ઈર્ષા, ન અહંકાર, ન કામ, ન ક્રોધ… કશું જ નહીં. બધું જ બળી જશે. સઘળું ભળી જશે. એક–બીજામાં…
- Advertisement -
- તુષાર દવે
રાવણ માણસ હતો. એને દાનવ બનાવ્યો એની વૃત્તિએ. આપણે સૌ માણસો છીએ, દેવત્ત્વ અને દાનવત્ત્વ એક સંભાવના છે. એક સ્ટેજ છે. રાવણ એક વિચાર છે. એક સ્વભાવ છે. તે અહંકાર છે. તે ક્રોધ છે. તે ઈર્ષા છે. તે બદલો લેવાની ભાવના છે. તે અણહકનું, બીજાનું પડાવી લેવાની વૃત્તિ છે. એને દર વર્ષે બાળવો પડે છે કારણ કે તેનો સંપૂર્ણ નાશ કદી થતો જ નથી. દરેક માણસની અંદર રાવણનો એક અંશ વસતો હોય છે. તે પ્રસરે છે કેન્સરની જેમ. તે વધતો રહે છે.
વર્ષમાં એક વાર રાવણનું દહન થવું એ તો માત્ર પ્રતિકાત્મક છે. દરેક વ્યક્તિની અંદર એક રાવણ વસે છે અને દરેક વ્યક્તિની અંદર એક રામ પણ લડે છે. અંદરના રાવણ સાથેનું યુદ્ધ તો કાયમ ચાલતુ રહે છે. સતત એને અંકુશમાં રાખવો પડે છે. રોજ એનું દહન કરતા રહેવું પડે છે. એ રોજ કોઈ અલગ માથું ઉચકે અને રોજ એનું માથું વાઢતા રહેવું પડે છે. વ્યક્તિની અંદરની એ લડાઈ જ તપ છે. સળગતો રાવણ એ સંદેશ આપે છે કે ભલે તમારી પાસે શિવતાંડવ જેવું અદભૂત સર્જન કરવાની શક્તિ હોય, સાક્ષાત શિવ પ્રગટ થાય તેવી ભક્તિ હોય કે કુબેરનો ખજાનો હોય, પણ જો તમે તમારી અંદરના દુર્ગુણો પર જીત ન મેળવી શકો તો બધું જ માયા સો મિટ્ટી ને પટ્ટણ સો દટ્ટણ જ છે.
રાવણ વર્ષમાં એકવાર બળે છે, પણ મારા સહિત લગભગ દરેક માણસ કદાચ રોજ બળતો રહે છે. ક્રોધથી, ઈર્ષાથી, અહંકારથી, બદલાની ભાવનામાં…
- Advertisement -
પ્રત્યેક શ્વાસે એ તમામ ખરાબ વૃત્તિઓને થોડી થોડી બાળતા રહેવાથી જે દિવસે એ તમામ બૂરાઈ અને વૃત્તિઓને તેની હયાતીમાં જ જીતી લેવાની ઘટના બને ત્યારે હદયમાં રામ રાજ્યની સ્થાપના થાય છે. એ જ મોક્ષ છે. એ જ નિર્વાણ છે. એ જ બુદ્ધત્વ છે. એ જ વિપશ્યના છે. એ જ ગીતાકથિત સ્થિતપ્રજ્ઞતા છે. આ લખવું આસાન છે, જીવવું મુશ્કેલ છે. રામ સંપૂર્ણ નહોતા, નહોતો રાવણ સંપૂર્ણ… જે ક્ષણે માનવી પેલું આંતરયુદ્ધ જીતી જશે, અંત:ચક્ષુ ખુલી જશે ત્યારે એ જોઈ શકશે કે રામ પણ એ જ હતો ને રાવણ પણ એ પોતે જ હતો. એ જોઈ શકશે બન્નેને એક-મેકમાં વિલિન થઈ જતા. ત્યારે કશું જ નહીં બચે. ન સન્માન કા મોહ, ન અપમાન કા ભય. ન ઈર્ષા, ન અહંકાર, ન કામ, ન ક્રોધ… કશું જ નહીં. બધું જ બળી જશે. સઘળું ભળી જશે. એક-બીજામાં…
…એ દિવસ દૂર કોઈ ક્ષિતિજ પર નહીં, પણ માનવીની અંદર ઉગશે અને એ જ દશેરા હશે અને એ જ દિવાળી હશે. એની અંદરની ખરાબ વૃત્તિઓ સળગી રહી હશે અને રોમેરોમ દીવાઓ પ્રગટી રહ્યાં હશે.
ફ્રી હિટ :
बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय,
जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय।
– कबीर