CIDની ટીમે સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખરની ધરપકડ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
માળિયા(મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડી ક્રાઈમની ટીમે મહત્વની કાર્યવાહી કરતા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી ભરતભાઈ દેવજીભાઈ ખોખર (ઉં.વ. 37)ની ધરપકડ કરી છે. આરોપીને માળિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે તેના 31 જુલાઈના બપોરે 12:00 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલા આરોપી સાગર ફુલતરીયાનું પણ સંડોવણી સામે આવી છે. સૂત્રો અનુસાર, આગામી દિવસોમાં તેની પણ ધરપકડ થવાની શક્યતા છે, જેનાથી આ કૌભાંડના તાર વધુ ઊંડા હોવાનું સ્પષ્ટ થાય છે. પકડાયેલા આરોપી ભરતભાઈ ખોખર અગાઉ સરવડ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે જ આ બોગસ વારસાઈ આંબો બનાવી આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. મદદનીશ સરકારી વકીલ, તપાસનીસ અધિકારી અને આરોપીના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.
- Advertisement -
શું છે સમગ્ર મામલો?
કેસની વિગતો અનુસાર, માળિયા (મી)ના મહેશ પ્રભાશંકર રાવલનું થોડા સમય પહેલા બિમારીથી અવસાન થયું હતું. તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત એક મહિલાને, જે તેમની દીકરી નહોતી, તેને બોગસ સોગંદનામા દ્વારા વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી. આ રીતે તે મહિલાને ખેતીની જમીનમાં વારસદાર બનાવી દેવામાં આવી હતી, જે ગેરકાયદેસર છે. આ મામલે ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલમાં રાજકોટ ગ્રામ્યના પીઆઇ કે.કે. જાડેજા અને તેમની ટીમ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.