દરેક માતા-પિતાએ પોતાની દીકરીને નાનપણથી જ માસુમ નહીં, પણ મજબૂત બનાવવા પ્રયાસ કરવો જોઈએ
આજકાલ ટેલિવિઝન પર, ન્યૂઝ પેપરોમાં જે સમાચારો આવી રહ્યાં છે, તે જોઈને દરેક માતા-પિતાની ઊંઘ હરામ થઈ ગઈ છે. સુરતમાં ધોળાં દહાડે એક પ્રેમીએ, પ્રેમીકાનુ ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી, એક પ્રેમી તેની પ્રેમીકાને ઘરમાં ઘુસી તેને જખ્મી કરી. હાલમાં મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને જાહેરમાં ફેરવી તેની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો. આ બધું ક્યાં જઈ અટકશે !
એક સમય હતો કે સ્ત્રીને દેવી માનતાં હતાં, તો શું થયું? આ દેવી, લક્ષ્મી સાથે આવો વ્યવહાર?
આ બધી ઘટનાઓ અને બનાવો પછી દરેક વાલીઓ ફફડી રહ્યાં છે. તો શું કરી શકાય ? મારી તો એક જ સલાહ છે કે દરેક માતા-પિતા પોતાની દીકરીને નાનપણથી જ માસુમ નહીં, પણ મજબૂત બનાવો….. અચાનક આવી પડતી મુસીબતને કેવી રીતે હેન્ડલ કરવી તેનાં માટે સજ્જ કરો. અભ્યાસની સાથે સાથે કરાટે કલાસિસ પણ કરાવો… તેનાં પર્સમાં મેક-અપનો સામાન ન હોય તો ચાલશે પણ ચાકુ, મરચાની ભૂકી હંમેશા રાખવાનું કહો. ગીરની ચારણ ક્ધયાની જેમ ડલમથા સાવજનો સામનો કરતી, આજનાં હેવાન, રાક્ષસોનો સામનો કરતાં દરેક માતા-પિતાએ શીખવવું જ પડશે.
સમય બદલી ગયો છે. તો બદલતાં સમય સાથે તમારી દીકરીઓને પણ અપડેટ કરો….આની શરૂઆત તમારે ઘરથી જ કરવી પડશે. નાનપણથી જ દીકરીઓને સ્ટ્રોંગ બનાવો. તેની સાથે મિત્રતા ભર્યું વાતાવરણ રાખો કે તેનાં જીવનમાં કંઈપણ બને તો પહેલાં તમને વાત કરે… અન્યાય કયારેય સહન ન કરવો, અને કોઈપણ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો. ખાસ કરીને દરેક માતાઓને એટલી વિનંતી છે કે દીકરીની સાથે, દીકરાને પણ સારાં સંસ્કાર આપો. દરેક સ્ત્રીને માન આપે, તો જ આ બધું અટકશે.
તો મારાં બધાં જ વાલીઓને અરજ છે કે સોનાનાં ઘરેણાં, દહેજ ન આપો તો ચાલશે પણ અભ્યાસની સાથે સાથે તમારી દીકરીને જમાના સાથે અપડેટ કરો જેથી ભવિષ્યમા આવી ઘટનાઓ ઓછી થાય અને આવી હેવાનિયત, આમ છડેચોક ન થાય !!
હાલમાં જ એક પૈસાદાર નબીરાએ રાતનાં દોઢ વાગ્યે ફૂલ સ્પીડથી કાર ચલાવી નવ લોકોનાં જીવ લીધાં, અરેરાટી થઈ જાય એવી ઘટનાં બની, કેટલીય મા એ પોતાનાં પુત્રો ગુમાવ્યાં, શું હાલત હશે એ મા ની વિચારો?
તમારાં બાળકો ક્યાં જાય છે, કયારે આવે છે, એ હિસાબ લો તેની પાસેથી… આ થયેલા અકસ્માતમાં ત્રણ છોકરીઓ પણ હતી. તો શું તેનાં વાલીઓ છોકરીઓને આટલી મોડી રાત્રે , એ પણ છોકરાઓ સાથે ફરવાની પરમિશન આપી હશે? આમાં જેટલો વાંક નાદાન છોકરા, છોકરીનો છે, એટલો જ વાંક માતા પિતાનો પણ છે! જો બાળકો બહાર હોસ્ટેલમાં ભણતાં હોય તો પણ તેની સાથે રોજ વાત કરી, માહિતી મેળવતાં રહો.
આપણે સમાજ, દેશ અને દુનિયાને તો સુધારી શકીએ નહીં, પણ શરૂઆત આપણે આપણાં પરિવારથી કરીએ તો એ એટલું મુશ્કેલ નથી. ઊઠો, જાગો…. હજુ પણ સમય છે, તમારાં બાળકોને સંભાળી લો….!