પેટ્રોલ-ડિઝલ જેવો ઘટનાક્રમ ખાદ્યતેલોમાં…
કેન્દ્ર સરકારે ગુરુવારે ખાદ્યતેલ કંપનીઓને વૈશ્વિક ભાવમાં ઘટાડાને પગલે સ્થાનિક બજારમાં પણ તેલ સસ્તું કરવા જણાવ્યું છે. ભારતે 2021-22ના માર્કેટીંગ વર્ષ (નવેમ્બર-ઓકટોબર)માં રૂા.1.57 લાખ કરોડના ખાદ્યતેલની આયાત કરી હતી. છેલ્લા કેટલાક મહિનામાં તેલના ભાવ ઘણા ઉંચા રહ્યા હોવાથી સરકારે હવે ઘટેલા ભાવનો લાભ ગ્રાહકોને આપવા જણાવ્યું છે.
- Advertisement -
ભારત મલેશિયા અને ઈન્ડોનેશિયા પાસેથી પામ ઓઈલ ખરીદે છે. જયારે આર્જેન્ટીના અને બ્રાઝીલથી સોયાબીન તેલની આયાત કરવામાં આવે છે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ ખાદ્ય તેલ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, ‘ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડાનો લાભ શકય એટલી ઝડપથી ગ્રાહકોને આપવો જોઈએ.’ સોલ્વન્ટ એકસ્ટ્રેશન એસોસીએશન ઓફ ઈન્ડીયા (એસઈએ) અને ઈન્ડીયન વેજીટેબલ ઓઈલ પ્રોડયુસર્સ એસોસીએશન (આઈવીપીએ) ના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર હતા. વૈશ્વિક સ્તરે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાનો લાભ ઘરઆંગણે મળી રહે એ માટે તમામ પક્ષકારોએ ચર્ચા કરી હતી.
‘ધારા’ ખાદ્યતેલનું વેચાણ કરતી મધર ડેરીએ ગુરુવારે ભાવમાં પ્રતિ લિટર રૂા.15-20 ઘટાડવાની જાહેરાત કરી હતી. નવો સ્ટોક આગામી સપ્તાહે બજારમાં આવશે. સરકારી ડેટા મુજબ ગુરુવારે પેકેજડ સીંગતેલનો રિટેલ ભાવ પ્રતિ કિગ્રા રૂા.189.13, વનસ્પતિ ઘીનો ભાવ પ્રતિ કિગ્રા રૂા.132.62, સોયાબીન ઓઈલનો ભાવ રૂા.138.20, સનફલાવર તેલનો ભાવ પ્રતિ કિગ્રા રૂા.145.18 અને પામ ઓઈલનો ભાવ રૂા.110.05 હતો.
ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય તેલના ભાવ ઘટાડા તરફી છે, જે ભારતના ખાદ્ય તેલ ક્ષેત્ર માટે સાનુકુળ સમાચાર છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર ‘ઉદ્યોગ જગતે જણાવ્યું હતું કે, વિવિધ ખાદ્ય તેલના વૈશ્વિક ભાવમાં બે મહિનાથી પ્રતિ ટન 200-250 ડોલરનો ઘટાડો નોંધાયો છે. જો કે, સ્થાનિક બજારમાં તેની અસર થતા થોડો સમય લાગશે. ટુંક સમયમાં ખાદ્યતેલના રિટેલ ભાવ ઘટવાનો અંદાજ છે.’