મંત્રીમંડળ વિસ્તરણની ફાઈલ લઈ મુખ્યમંત્રી દિલ્હી જશે
રાઘવજી પટેલ, કુબેર ડિંડોર, બચુ ખાબડ, કનુ દેસાઈનું મંત્રીપદ જોખમમાં: જયેશ રાદડિયા, સંગીતા પાટીલ, સંદીપ દેસાઈ, મોઢવાડીયાનો સમાવેશ નિશ્ર્ચિત હોવાની ચર્ચા
- Advertisement -
ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
છેલ્લાં એકાદ અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને જોતાં રાજકીય માહોલ ગરમાયો છે. એટલુ જ નહીં, ફરી એકવાર અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસીય મુલાકાતે આવ્યાં છે. આ સૂચક પ્રવાસને જોતાં આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કઇંક નવાજૂની થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે તેનુ કારણ એ છે કે, સુરત ઉપરાંત રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સાંસદો-ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો કરી હતી. મંગળવારે પણ અમદાવાદમાં અમિત શાહ ભાજપના નેતાઓને મળી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે.
- Advertisement -
સુરતમાં કોસમાડામાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના નિવાસસ્થાને ભોજન લીધુ હતુ. પહેલીવાર એવું થયું કે, અમિત શાહ સાથે મુલાકાત લેનારાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય, સાંસદો ઉપરાંત નેતાઓને ચોક્કસ કલરના પાસ અપાયાં હતાં. શાહે બધાયની સાથે વન ટુ વન બેઠક કરી હતી. સરકીટ હાઉસમાં મોડી રાત સુધી બંધબારણે બેઠકનો દોર ચાલ્યો હતો. જોકે, સુરતના કેટલાંક ઉદ્યોગપતિઓએ પણ શાહ સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન, બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીનો જંગ છેડાયો છે. ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જામ્યો છે. આ રસપ્રદ ચૂંટણીની વ્યસતતા વચ્ચે વહેલી સવારે વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત સરકીટ હાઉસ પહોચ્યાં હતાં જ્યાં બને વચ્ચે અડધો કલાક સુધી બેઠક થઇ હતી.
સુરતના પ્રવાસ પછી અમિત શાહ રાજકોટ પહોંચ્યા હતાં જ્યાં સહકાર સંમેલનમાં ભાગ લીધો હતો. છેલ્લાં કેટલાંય વખતથી રાજકોટમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અસંતોષનો ચરુ ઉકળ્યો છે ત્યારે રાજકોટ સરકીટ હાઉસમાં પણ અમિત શાહે ધારાસભ્ય- સ્થાનિક નેતાઓ સાથે બંધબારણે બેઠક યોજી હતી.
ત્યારે ભાનુબેન, રાઘવજી પટેલ, કુબેર ડિંડોર, બચુ ખાબડ, કનુ દેસાઈનું મંત્રીપદ જોખમમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે જયેશ રાદડિયા, સંગીતા પાટીલ, સંદીપ દેસાઈ, મોઢવાડીયાનો સમાવેશ નિશ્ર્ચિત હોવાનું પણ રાજકીય પંડીતો જણાવી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે, ત્યારે જે રીતે અમિત શાહે બેઠકોનો દોર શરૂ કર્યો છે તે જોતાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક નજીકના દિવસો થાય તેવા અણસાર છે. આ કારણોસર ફરી એકવાર નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની અફવાને વેગ મળ્યુ હતું. ટૂંકમાં, નવરાત્રિથી દિવાળી સુધીમાં ગુજરાતમાં કંઇક નવાજૂની થશે તે નક્કી છે.



