અનેક સરકારી બાબુઓના તપેલાં ચડે તેવી સ્થિતિ
પોરબંદરમાં બોકસાઈટ કૌભાંડને લઈ ખાસ-ખબર દ્વારા 31 ઓક્ટોબરના રોજ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો
- Advertisement -
સરકારી અધિકારીઓ/કર્મચારીઓની સંડોવણી મામલે ABCની ખાસ ટીમ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતાઓ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.11
પોરબંદર જિલ્લાના પાલખડા ગામે બોકસાઈટ કૌભાંડને લઈને ગાંધીનગરના ખાણ ખનીજ વિભાગના કમિશનરની ટીમે ગઈકાલે વહેલી સવારથી દરોડા પાડ્યા. કમિશનર અને અધિકારીઓની આગેવાનીમાં આવેલા આ દરોડા દરમ્યાન વિવિધ સ્થળોએથી બોકસાઈટના સેમ્પલો એકત્રિત કરાયા હતા, જેમાં કૌભાંડના અનેક મહત્વપૂર્ણ પાસાઓ ખુલ્લા પડે તેવી ધારણા છે. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, આ બોકસાઈટ ખનન અને તેની હેરાફેરીમાં ખાણ ખનીજ વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી સામે આવી છે.
આ મામલે સુત્રોના જણાવ્યા પ્રમાણે, આવનારા દિવસોમાં વિભાગ દ્વારા સંબંધિત કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, કૌભાંડમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણીના આરોપો ઉઠ્યા હોવાથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ABCની વિશેષ ટીમ પણ આ કેસમાં તપાસમાં જોડાવા માટે જલદી જ પ્રવેશ કરશે. ખાસ કરીને પોરબંદર જિલ્લામાં ચાલી રહેલા આ કૌભાંડને કારણે સ્થાનિક ખેડૂતો અને ગામના લોકોમાં ભય અને નિરાશા ફેલાઈ છે. લોકોમાં એ આશંકા છે કે આ પ્રકારની ખનન ચોરીને કારણે પર્યાવરણ અને જમીનની કુદરતી સંસાધનોને નુકસાન પહોંચે છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે બોકસાઈટ અને ખનિજ સંપત્તિની હેરાફેરીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. જલદી જ આ કૌભાંડ અંગે વધુ ચોંકાવનારા ખુલાસા બહાર આવશે તેવી ધારણા છે.