ડેપ્યુટી CM અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે: નવાબ મલિકનું નામ નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે NCP (અજિત પવાર જૂથ) એ બુધવારે પ્રથમ યાદી જાહેર કરી હતી. તેમાં 38 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે. જ્યારે છગન ભુજબળ યેવલા બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીના નેતા દિલીપ વાલસે પાટીલ અંબેગાંવ બેઠક પરથી ચૂંટણી લડશે. અજિત પવારની એનસીપીએ કાગલ સીટ પરથી હસન મુશ્રીફને ટિકિટ આપી છે જ્યારે ધનંજય મુંડે પરલી સીટ પરથી ચૂંટણી લડશે. આ યાદીમાં મોટા નેતાઓમાં સામેલ નવાબ મલિક અને સના મલિકના નામ નથી.
બારામતી લોકસભા બેઠક શરદ પવારની પરંપરાગત બેઠક રહી છે. આ વખતે તેમની પુત્રી સુપ્રિયા સુલે અહીંથી જીત્યા હતા. સુપ્રિયાએ લોકસભા ચૂંટણીમાં અજિત પવારની પત્ની સુનેત્રા પવારને હરાવ્યા હતા.
અગાઉ મંગળવારે મોડી રાત્રે શિવસેના (શિંદે જૂથ)એ 45 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે કોપરી પચપાખાડીથી ચૂંટણી લડશે. જ્યારે મંત્રી ઉદય સામંતને રત્નાગીરીથી ટિકિટ આપવામાં આવી છે. મહાયુતિએ અત્યાર સુધીમાં 182 નામોની જાહેરાત કરી છે. જેમાં ભાજપના 99, શિવસેના (શિંદે જૂથ)ના 45 અને અજીત જૂથના 38 ઉમેદવારોના નામ સામેલ છે.
મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024 ના રોજ પુરો થાય છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે શિવસેના (શિંદે જૂથ), ભાજપ અને એનસીપી અજિત પવાર જૂથની સરકાર છે.
- Advertisement -
ડિંડોરીથી નરહરિ ઝિરવાલ, અહેરીથી ધરમવાર બાબા આત્રામ, શ્રીવર્ધનથી અદિતિ તટકરે, અંમલનેરથી અનિલ ભાઈદાસ પાટીલ, ઉદગીરથી સંજય બનસોડે ચૂંટણી લડશે. જ્યારે માજલગાંવ બેઠક પરથી પ્રકાશ દાદા સોલંકે ચૂંટણી લડશે. પાર્ટીએ મકરંદ પાટીલને વાાઈ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. સંગ્રામ જગતાપને અહેમદનગરથી ટિકિટ મળી છે.
સીએમ એકનાથ શિંદેએ જૂન 2022માં તત્કાલીન ઉદ્ધવ સરકાર સામે બળવો કર્યો હતો. ભાજપના સમર્થનથી તેઓ મુખ્યમંત્રી બન્યા. આવી સ્થિતિમાં શિંદેના નેતૃત્વમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે.
જલગાંવની એરંડોલ સીટના વર્તમાન ધારાસભ્ય ચિમનરાવ પાટીલને તક આપવામાં આવી નથી. તેમની જગ્યાએ અમોલ ચિમનરાવ પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમજ, અમરાવતીની દરિયાપુર વિધાનસભા બેઠક પરથી અભિજીત અડસુલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આનંદરાવ અડસુલ શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ છે. જોકે, અગાઉ એવી ચર્ચા હતી કે ભાજપના નવનીત રાણા અહીંથી વિધાનસભાની ચૂંટણી લડશે.