વાગડ ફોલ્ટ લાઈન સક્રિય થતા લોકો ઊંઘમાંથી જાગી ગયા; રાપરથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ
ખાસ-ખબર ન્યૂઝ કચ્છ
- Advertisement -
કચ્છના વાગડ વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા ધરાવતા આ આંચકાને કારણે રાપર અને ભચાઉ પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર દૂર રણ કાંધી નજીક હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી દ્વારા નોંધવામાં આવ્યું છે.
સમય અને અસરો: વહેલી સવારે 4:30 વાગ્યે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ભારે અવાજ સાથે ધરતી ધ્રુજી ઉઠી હતી. વણોઈ, ગેડી, રાપર અને ભચાઉ સુધીના વિસ્તારોમાં બારી-દરવાજા ખખડવા લાગતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, આ આંચકાથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ રાપરની એક મોબાઈલ શોપના ઈઈઝટ કેમેરામાં ભૂકંપની ધ્રુજારી સ્પષ્ટ રીતે કેદ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આવેલી ’વાગડ ફોલ્ટ લાઈન’ સતત સક્રિય હોવાને કારણે આ વિસ્તારમાં અવારનવાર આંચકા આવતા રહે છે. હજુ બે દિવસ પહેલા જ 24 તારીખે ભચાઉ નજીક 3.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વારંવાર ધ્રુજતી ધરાને કારણે સ્થાનિક લોકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.



