ખાસ-ખબર સંવાદદાતા
રબારી સમાજની જગ્યા દુધરેજ વડવાળા ધામના મહંત કનીરામ બાપુ તથા સંતમંડળ હાલમાં મચ્છુકાંઠા પરગણામાં ઘરે-ઘરે અને નેહડે-નેહડે પાવન પધરામણી કરી રહ્યા છે ત્યારે મચ્છુકાંઠા પરગણાના રબારી સમાજમાં બાપુની પધરામણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મોરબીના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં પધારેલા કનીરામ બાપુનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામથી પધારેલા મહંત પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધિશ્વર અનંત વિભુષિત શ્રી શ્રી 1008 મહા મંડલેશ્વર શ્રી કનીરામ બાપુ તથા સંતોની મંડળી ગુરુ પરંપરા મુજબ સમગ્ર મચ્છુકાંઠા રબારી સમાજમાં ઘરે-ઘરે પાવન પગલાં કરી રહ્યા છે. ગુરુ પરંપરા મુજબ જગ્યાના મહંતના કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં મહંત તથા સંતોની મંડળી સમાજમાં એક વખત ઘરે-ઘરે અને નેહડે-નેહડે પાવન પધરામણી કરવા પધારતા હોય છે જેમાં સમાજના લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે આ જગ્યાના ટકાવ માટે પૂજ્ય બાપુના ચરણે દાન (ફાળો) અર્પણ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં પૂજ્ય બાપુ સહિતના સંતમંડળની પધરામણી થઈ હતી જ્યાં રબારી સમાજના લોકોએ બાપુ સહિતના સંતમંડળને હર્ષથી આવકાર આપ્યો હતો.
વડવાળા ધામના મહંતનું મચ્છુકાંઠા પરગણામાં ઠેર ઠેર ભવ્યાતિભવ્ય સ્વાગત
