ચંદનની તસ્કરીની રેડમાં સરકારી સ્ટાફે 18 મહિલાઓ પર બળાત્કાર ગુજારવા ઉપરાંત ગામમાં આતંક સર્જયો હતો
મદ્રાસ હાઈકોર્ટે એક સિમાચીન્હરૂપ ચુકાદામાં રાજયનાં પોલીસ, વન અને મહેસુલ વિભાગનાં 215 અધિકારી-કર્મચારીઓને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. 1992 માં તામીલનાડુના આદિવાસી વિસ્તારના એક ગામમાં ચંદનની દાણચોરી સંબંધી દરોડા દરમ્યાન બળાત્કાર,શારીરીક, છેડછાડ, એટ્રોસીટી જેવા ગુનાઓમાં દોષિત ઠેરવીને જેલસજાનાં સેસન્સ કોર્ટનાં ચુકાદાને વડી અદાલતે બહાલ રાખ્યો હતો. આ કેસમાં 215 સરકારી કર્મચારીઓને સેસન્સ કોર્ટે જેલસજા ફટકારી હતી. તે સામે હાઈકોર્ટમાં અપીલ થઈ હતી.
- Advertisement -
આ અપીલ ફગાવતાં હાઈકોર્ટના જસ્ટીસ પી.વેલગુરૂગને નોંધ્યુ કે ભોગ બનેલા લોકો તથા સાક્ષીઓનાં પુરાવા વિશ્ર્વસનીય છે અને આ પુરાવા આધારીત કેસ પુરવાર થાય છે. આ કેસમાં 20 જુન 1992 ના રોજ ચંદનની દાણચોરીના અનુસંધાને સરકારી વિભાગોએ તામીલનાડૂનાં વચાથી ગામમાં રેડ કરી હતી. આ દરમ્યાન માલ મીલકતને જંગી નુકશાન પહોંચાડયુ હતું. અને 18 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સેસન્સ અદાલતે 2001 માં વન વિભાગનાં ચાર ઈન્ડીયન ફોરેસ્ટ સર્વીસ (આઈએફએસ) અધિકારી સહીત 126 કર્મચારીઓ, 84 પોલીસ કર્મી, તથા પાંચ મહેસુલી અધિકારીઓને દોષિત ઠેરવીને સજા ફટકારી હતી.
કુલ 269 આરોપીઓમાંથી 54 ના ટ્રાયલ દરમ્યાન જ મૃત્યુ થયા હતા. બાકીના 215 આરોપીઓને 1 થી 10 વર્ષ સુધીની જેલસજા ફટકારવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટે સજાનો આ ચુકાદો બહાલ રાખતા એવો પણ આદેશ કર્યો હતો કે સજા કાપવાની બાકી હોય તેવા મામ આરોપીઓને તાત્કાલીક કસ્ટડીમાં લેવામાં આવે ઉપરાંત બળાત્કાર પીડીતાઓને વળતર પેટે તત્કાળ 10-10 લાખ ચુકવવા આદેશ કર્યો હતો. વળતરની 50 ટકા રકમ બળાત્કારમાં દોષિત ઠરેલા આરોપીઓ પાસેથી વસુલવામાં હુકમ કર્યો હતો.
હાઈકોર્ટે આરોપીઓને છાવરવા બદલ જીલ્લા કલેકટર, જીલ્લા પોલીવડા તથા જીલ્લા વન અધિકારી સામે પણ કડક પગલા લેવાનો રાજય સરકારને આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે સાક્ષીઓનાં પુરાવાનાં આધારે કલેકટર-પોલીસ વડા તથા વન અધિકારીએ દોષિતોને છાવર્યા હોવાનું સાબીત થાય છે. તેઓએ દોષિતો સામે કોઈ પગલા લેવાને બદલે બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના આધારે અદાલત એવુ માને છે કે ગુનામાં તમામની સંડોવણી છે. અદાલતે બળાત્કાર પીડીતાઓને અથવા તેમના પરિવારજનોને યોગ્ય રોજગારી આપવા પણ સરકારને આદેશ કર્યો હતો અને તેનો રીપોર્ટ આપવા પણ સુચના આપી હતી.
- Advertisement -