માધવપુરના મેળામાં મણિપુર રાજ્યના કૌના ઘાસમાંથી બનેલી બેનમૂન હસ્તકલાની વસ્તુઓ
કૌના ઘાસમાંથી હેંડબેગ્સ, છાબળી, ચટ્ટાઈ, સુશોભન સહિતની વસ્તુઓની વર્ષો સુધી નવીનતા રહે છે બરકરાર
ખાસ-ખબર ન્યૂઝ માધવપુર
માધવપુરના મેળામાં મણીપુર રાજ્યની બેનમુન હસ્તકલાની અદભુત વસ્તુઓ જોવા મળી રહી છે, મણિપુર રાજ્યનો અભિન્ન સાંસ્કૃતિક હિસ્સો એવા કૌના ઘાસમાંથી બનેલી હસ્તકળાની કલાત્મક વસ્તુઓ માધવપુરના મેળામાં ઉજાગર થઈ છે. કૌના ઘાસમાંથી બનેલી વસ્તુઓની મજબૂત અને ટકાઉ તો હોય જ છે, સાથે સાથે આ વસ્તુઓને વર્ષો સુધી નવીનતા બરકરાર રહે છે. મણિપુર રાજ્યના હસ્તકળામાં એવોર્ડ વિજેતા અરુણી દેવી કુંજીંગબમે જણાવ્યું કે, કૌના ઘાસમાંથી હેન્ડબેગ, ટેબલમેટ, ચટ્ટાઈ, ટોપી વગેરે ઉપરાંત સુશોભનની કલાત્મક વસ્તુઓ બનાવીએ છીએ, કૌના ઘાસ લગભગ મણિપુર રાજ્યના દરેક ભાગ ઉત્પાદિત થાય છે, ખાસ કરીને આદર્શ આદ્રભૂમિમાં જોવા મળે છે, તેની કાપણી કરીને ત્રણ મહિના સુધી સુકવવામાં આવે છે, ત્યારબાદ હસ્તકલાની વસ્તુઓ બનાવવા માટે તૈયાર હોય છે. કૌના ઘાસને જુદી જુદી વસ્તુઓ બનાવવા માટે વિશિષ્ટ રીતે ગૂંથવામાં આવે છે અને કૌના ઘાસમાં લચીલાપણું હોવાથી તેમાંથી બનતી વસ્તુઓ ટકાઉપણું અને મજબૂતી વધુ હોય છે. લોકો દસેક વર્ષ સુધી આ વસ્તુનો ઉપયોગ કરી શકે છે. ઈરેનબમ રમીલાદેવીએ કહ્યું કે, મણિપુરનો સાંસ્કૃતિક અભિન્ન હિસ્સો છે, તેવા કૌના ઘાસમાંથી બનેલી કલાત્મક વસ્તુઓને અહીં માધવપુરના મેળામાં પ્રદર્શિત કરી છે. માધવપુર ખાતેના હસ્તકળા હાટમાં અરુણીદેવી કુંજીંગબમ કૌનો ઘાસમાંથી હેન્ડબેગ સહિત સુશોભનની વસ્તુઓ બનાવી રહ્યાં છે, જેથી લોકોને આ વસ્તુની આગવી બનાવટ વિશે પ્રત્યક્ષ જાણકારી પણ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે, માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વના 8 રાજ્યના પરંપરાગત હસ્તક કળાના કારીગરોએ તેમના રાજ્યની આગવી હસ્તકળાને હસ્તકળા હાટમાં પ્રદર્શિત કરી છે, આમ, એક રીતે માધવપુરનો મેળો હસ્તકળાનો ખજાનો પણ બન્યો છે માધવપુરના મેળોમાં ઉત્તરપૂર્વીય રાજ્યો અને ગુજરાતની આગવી હસ્તકળાની સાથે સંગીત અને નૃત્યનો પણ આગવો સંસ્કૃતિક સંગમ થયો છે.