માધવપુર મેળામાં દેશના 1600થી વધુ કલાકારોએ બીજા દિવસે પણ નૃત્યકલાની પ્રસ્તુતી કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ માધવપુર
- Advertisement -
માધવપુર લોકસાંસ્કૃતિક લોકમેળાના બીજા દિવસે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતના 1600 જેટલા કલાકારોએ પ્રાદેશિક લોક સાંસ્કૃતિક વિવિધતાનો પરીચય કરાવતી નૃત્ય પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌ લોકોના મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકારોની કલાની પ્રસ્તુતીને લોકોએ હર્ષોઉલ્લાસ સાથે વધાવી લીધી હતી. એક ભારત, શ્રેષ્ઠ ભારત વિભાવનાને ઉજાગર કરતો માધવપુરનો મેળો એક સાથે ઉત્તર પૂર્વના 800 અને ગુજરાતના 800 એમ કુલ 1600 કલાકારોએ વૈવિધ્યસભર નૃત્યની પ્રસ્તુતિ કરતા સાંસ્કૃતિક મહાકુંભ બન્યો હતો. દેશના પૂર્વીય રાજ્યો એવાં અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને ગુજરાતની પાવન ધરાં અનેક પ્રકારે ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક, ભૌગોલિક વિવિધતા ધરાવે છે. ઉત્તર પૂર્વીય રાજ્યો અને ભારતના પશ્વિમ કોણમાં આવેલ સમૃદ્ધ ગુજરાતના લોકોની રહેણીકરણી, પહેરવેશ, નૃત્ય અને નાટ્ય સહિતની કલાઓ માધવપુરના મેળામાં દ્રશ્યમાન થાય છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિભાવનાને માધવપુરનો સાંસ્કૃતિક મેળો ખરાં અર્થમાં સાકાર કરે છે. બે ભિન્ન સંસ્કૃતિનો સાચા અર્થમાં સમન્વય કરે છે. માધવપુર સાંસ્કૃતિક મેળાના બીજા દિવસે મુખ્ય મહેમાન તરીકે પધારેલ માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાનું ઉમળકા સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. માધવપુર મેળામાં ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિને પ્રસ્તુતકર્તા વિવિધ કલાકારોએ પોતાની કલા પ્રસ્તુતી થકી લોકોના મન મોહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉત્તરપૂર્વીય રાજ્યના ત્રિપુરાનું મમિતા તથા શાંગરાઈ, મણીપુરનું પુંચરલમ,આસામનું બીહું અને બાગુંબા, સિક્કિમનું તામાંગસેલુ, મેઘાલયનું વોંગાલા સહિત સાંસ્કૃતિક નૃત્યો તેમજ ગુજરાતના ગરબા, મણીયારો, ટીપ્પણી, જુદા જુદા આદિવાસી સહિતના લોક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતની લુપ્ત થઈ રહેલી કળામાં નૃત્ય કલાકાર રાજેન્દ્રભાઈ રાવલે નૃત્ય પ્રસ્તુતી સાથે સાથે કાપડમાંથી મોર અને સફેદ કબૂતરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવીને ઉપસ્થિત સૌ લોકોને આકર્ષિત કર્યા હતા. ગુજરાતના ગરબા અને વિવિધ રાસની રમઝટથી બ્માધવપુર મેળાનું પટાંગણ હર્ષધ્વનીથી ગૂંજી ઉઠ્યું હતુ. માધવપુરના મેળામાં દિવસ દરમિયાન મુલાકાતીઓ છેક દૂર દૂરથી મેળામાં મ્હાલ્વા, મેળાનો આનંદ માણવા આવી રહ્યા છે. માધવપુરના મેળામાં બીજા દિવસે ઢળતી સંધ્યાએ સુપ્રસિદ્ધ ગુજરાતી રંગ કસુંબલ ડાયરાના કલાકાર શ્રી જિગ્નેશ કવિરાજે લોકસંગીત પ્રસ્તુત કરીને અનેરું ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. આ લોકગીત, સંગીતની પ્રસ્તુતીએ યુવાઓના મનને ડોલાવ્યા હતા. માધવપુરનો મેળો આજે માધવપુર ઘેડ, ગુજરાતની ધરતી પર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યનું સમન્વય થયું હતું. આમ, માધવપુર ઘેડનો મેળો સાંસ્કૃતિક આદાન પ્રદાનનું મહત્વનું કેન્દ્ર પણ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતના ઉત્તર થી લઈને દક્ષિણ અને પૂર્વ થી લઈને પશ્વિમ છેડા સુધી અનેક પ્રકારની વિવિધતા ભવ્ય અને દિવ્ય ભારતની એક વૈશ્વિક ઓળખ છે.
ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યો અને ગુજરાતના કલાકારોની રંગબેરંગી વેશભૂષામાં અને શણગારેલો ઢોલ સાથેની નૃત્યકલાનું લોકોમાં આકર્ષણ જમાવ્યું
માધવપુરના મેળામાં અમિતાભ બચ્ચન!
- Advertisement -
માધવપુર ઘેડ ખાતે સરકાર દ્વારા આયોજિત ભાતીગળ મેળામાં ઠેર ઠેરથી લોકો પહોંચીને મેળાનો આનંદ લઇ રહ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન જેવી કદ કાઠી અને પરિધાનમાં સજ્જ કલાકરે લોકામાં મારે આકર્ષણ જમાવ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાઇ રહેલા મેળામાં જુદા જુદા રાજ્યોથી કલાકારો અને કારીગરો પહોંચ્યા છે ત્યારે મોળામા અમિતાભ બચ્ચનના પરિધાનમા સજ્જ કલાકારે લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. માધવપુરનો મેળો માણવા આવેલા લોકોએ આ કલાકાર સાથે સેલ્ફી – ફોટો લેવા માટે પડાપડી કરી હતી. આમ, લોકોએ માધવપુરના મેળાનો આનંદ લુટ્યો હતો. મેળામાં લોકો ખાણીપીણી, ખરીદી તેમજ મનોરંજન માણી શકે તે માટે કલાકારો મનોરંજનનો માહોલ જોવા મળી રહ્યોં છે. આમ, માધવપુરના મેળામાં જુદા જુદા આકર્ષણોથી લોકો આનંદિત થયા હતા.