તે ઝડપથી કપડાં ઊતારવા લાગી,
સોશિયલ મીડિયામાં વિડીયો લીક કરવાની ધમકી આપવા લાગી..
– મેધા પંડ્યા ભટ્ટ
ગયા અઠવાડિયે આવેલા આર્ટીકલમાં મેં આપને જણાવ્યું હતું કે મારા કેટલાક મિત્રો સાથે પણ હાલમાં સોશિયલ મીડિયા દ્વારા કેટલીક ઘટનાઓ બની છે અને તે લોકો મોટી મુશ્કેલીમાંથી બહાર નીકળી શક્યા છે. ડેટીંગ એપ સિવાય ફેસબુક જેવાં માધ્યમથી પણ લોકોને કેટલા ખરાબ અનુભવ થાય છે, તે જાણવા જેવું છે. એક રીતે જોઈએ તો ફેસબુક પણ અજાણ્યા લોકો સાથે જોડાવાનું અને અજાણ્યા લોકોના પરીચયમાં આવવાનુ ઓપન માર્કેટ છે. જ્યાં તમે મેળામાં ફરતા હો અને લોકો તમને નીહાળતા હોય તેવો અનુભવ કરી શકો. કેટકેટલીય ઘટનાઓ અને કિસ્સાઓ સોશિયલ મીડિયા દ્વારા બની રહ્યા છે તો પણ લોકો તેમાં મૂરખ બની જ જાય છે. તમે ગમે તેટલા સ્માર્ટ હો પણ કોઇએ તમારી સાથે ખરાબ કરવાનું નક્કી કરી જ લીધુ હોય તો તમે તેની સામે હારી જ જશો તે નક્કી છે.
આજે મારા એક મિત્ર સચીનની વાત કરીશ. તેની સાથે જેવી આ ઘટના બની તેણે મને તે જ દિવસે ફોન કર્યો. તેની સાથે બનેલી ઘટનની વાત કરી. મને સ્પષ્ટ કહ્યું કે મેધા તું લખે છે, અમે વાંચીએ છીએ, સાવધાન રહીયે છીએ, તો પણ જેને છેતરપિંડી કરવી જ હશે, તે તો કરી જ લે છે. મારા આ મિત્રની વાત મને ક્યાંક ને ક્યાંક સાચી લાગી. કોઇપણ વ્યક્તિ ગમે તેટલું સાવધાન રહે પણ તેની સાથે વિશ્વાસઘાત થઇને જ રહે છે. સચીનની વાત તેણે કહી હતી તે જ રીતે તેની પાસેથી જ જાણીયે.
- Advertisement -
હું મારા પોતાના બિઝનેસ સાથે સંકળાયેલો છું. મારી પ્રોડક્ટ્સ અને તેના વિશેની અલગ અલગ માહિતી સોશિયલ મીડિયા પર સતત મૂકતો રહું છું. પહેલા તો લોકો મારી પાસે ફોનથી ઓર્ડર લખાવતા અને હું તેની ડિલીવરી કરી દેતો. મોટો ઓર્ડર હોય તો મારા માણસો દ્વારા જે તે એડ્રેસ પર ડિલીવરી કરાવી દેતો. એપ્રિલ મહિનાથી કામ ઓછું થવા લાગ્યું પણ જે લોકો મારી પ્રોડક્ટ્સનો રેગ્યુલર ઉપયોગ કરતા, તેમને એકસાથે હું વસ્તુઓ પહોંચાડતો હતો. લોકડાઉનના સમય દરમિયાન દરેક કામ ઓનલાઇન વધારે પ્રમાણમાં થઇ ગયુ અને ઘણા બધા લોકોએ મને ફેસબુક મેસેન્જરમાં સંપર્ક કરીને મારી પાસે પ્રોડક્ટ્સના ઓર્ડર લખાવ્યા અને મેં મોટા જથ્થામાં તે રીતે વેચાણ પણ ચાલું કર્યું. લોકડાઉન દરમિયાન મને ફાયદો થવા લાગ્યો અને હું ફેસબુક મેસેન્જરનો વધારે ઉપયોગ કરવા લાગ્યો. દિવસમાં એક વખત બધા મેસેજ ચેક કરવા તે મારો નિયમ બની ગયો હતો.
આ સમય દરમિયાન દિલ્હીની એક યુવતી મોનાએ મને ફેસબુકમાં મેસેજ કર્યો. તેની મેં પ્રોફાઇલ જોઇ તો સરળ વ્યક્તિ લાગી. તેણે મેસેજ કરવાની શરૂઆત મારી પ્રોડક્ટ્સને લઇને જ કરી હતી. તેથી મને તેના પર વધારે શંકા કરવી કે તેની સાથે વાતચિત ન કરવી તેવી કોઇ શંકા થઇ નહીં. તેણે મને કહ્યું કે તેને બ્યુટીને લગતી અને ઘરને લગતી કેટલીક પ્રોડક્ટ્સનો મોટો જથ્થો જોઇએ છે. મેં તેને પ્રોડક્ટ્સના નામ અને કેટલા પ્રમાણમાં કઇ પ્રોડક્ટ્સ જોઇએ છે, તેનું લિસ્ટ મોકલવા કહ્યું. મેં પણ તેને લિસ્ટ મોકલ્યું જેમાંથી તે પસંદ કરીને મને મોકલી શકે. તે ફક્ત પ્રોડક્ટ્સને લઇને અને તેની વિશેની ઇફેક્ટને લઇને મારી સાથે વાતો કરતી. હું તેને તેના જવાબો આપતો રહેતો. મારા માટે તે મારી પ્રોડક્ટ્સને ખરીદનાર એક મોટી કસ્ટમર હતી. તેણે મને તેના પાર્લર વિશે વાત કરી અને તે અત્યાર સુધી કઇ પ્રોડક્ટ્સ વાપરતી તેની વાત કરી. હું તો કસ્ટમર હોવાથી રસ ન પડે તો પણ તેની વાતો સાંભળતો હતો. મેં તેની જ્યારે પ્રોફાઇલ જોઇ ત્યારે મને તેમાં તેના પાર્લરના કે બીજા કોઇ ખાસ અપડેટ મળ્યા નહોતા. જાણે હમણા જ પ્રોફાઇલ બનાવી હોય તેવું લાગતું હતું. અમે મેસેન્જરમાં ચેટ થી જ વાતચિત કરતા હતા.
જોકે હું તો કામની વાતને લઇને વધારે વિચારતો નહોતો. મારે તો પ્રોડક્ટ વેચવાની હતી.
- Advertisement -
તે સિવાય તે જે કહે તે સાંભળતો અને જે મને પૂછે તેના જવાબ આપતો હતો. અમારે લગભગ રોજ વાતચિતનો સીલસીલો બની ગયો. તેણે મારી સાથે વાતચિતમાં મારી વિશે ઘણી વાતો જાણવામાં રસ બતાવ્યો હતો. હું ક્યાં ક્યાં શહેરોમાં મારી પ્રોડ્ક્ટસ મોકલું છું. ક્યા રાજ્યોમાં ડિલીવરી કરું છું. કેટલા સુધીનો ઓર્ડર હોય તો મોકલું છું જેવી વિગતો તેણે મને પૂછી હતી. તેણે લગભગ પંદર દિવસ સુધી મારી સાથે વાતચિત કરી. મને પણ જાણે રાત પડે તેની સાથે વાતચિત કરવાની આદત પડી ગઇ હતી. અચાનક બન્યું એવું કે એક અઠવાડિયા સુધી મોનાના કોઇ મેસેજ આવ્યા નહી. મેં તે દરમિયાન એક જ વખત તેને મેસેજ કર્યો હતો કે તેને કઇ કઇ પ્રોડક્ટ્સ પસંદ કરી છે. તેનો કોઇ જવાબ ન આવ્યો. તેણે મેસેજ પણ જોયો નહોતો. આમ ને આમ એક અઠવાડિયું પસાર થયું. રોજ રાત પડે મને એક વાર મેસેન્જરમાં એનું નામ સર્ચ કરીને મેસેજ જોયો કે નહીં તે જોવાની આદત પડી ગઇ હતી. જોકે આ મારા તરફથી વધારે પડતું હતું. અમે કામ સિવાયની કોઇ વાતો કરી નહોતી, તો હું શા માટે તેના માટે બેચેન હતો તે મને નહોતું સમજાતું.
એક દિવસ હું રાત્રે દસ વાગે ઘરે આવ્યો. ખૂબ થાક્યો હતો તો મને થયું કે ગરમ પાણીથી નાહી લઉઁ. ફ્રેશ થઇને ટુવાલ વીંટીની બાથરૂમની બહાર આવ્યો ત્યાં મેસેન્જરમાં મને મોનાનો વિડીયો કોલ આવતો દેખાયો. મને થયું કે આટલા દિવસથી વાત નથી થઇ એટલે કદાચ તેણે સીધો વિડીયો કોલ કર્યો હશે. હું પણ અતિ ઉત્સાહમાં ભૂલી ગયો કે મેં ફક્ત ટૂવાલ જ વીંટેલો હતો અને મેં મોબાઇલ હાથમાં લઇને વિડીયો કોલ રીસીવ કરી લીધો. જેવો મેં વિડીયો કોલ રીસીવ કર્યો કે તરત જ સામે તે તેના કપડાં ઉતારવા લાગી. હું તો જોઇને અવાક્ રહી ગયો. બે ઘડી તો સમજાયું જ નહીં કે શું થઇ રહ્યું છે. જીંદગીમાં પહેલીવાર કોઇ યુવતીની આવી હરકત જોઇ. સ્વસ્થ થઇને કોલ બંધ કર્યો. તો તેના મેસેજીસ મને આવવા લાગ્યા. તેણે મને કહ્યું કે હું તેના એકાઉન્ટમાં લાખ રૂપિયા મોકલું નહીંતર તે મને બદનામ કરી દેશે. તેણે બીજા ફોનથી હું તેને જોઇ રહ્યો હતો તેવો વિડીયો બનાવી લીધો છે. સ્ક્રીનશોટ પણ પાડી લીધા છે અને તે બધુ જ સોશિયલ મીડિયામાં લીક કરી દેશે. તે મને બધે જ બદનામ કરી દેશે. જો હું તેને પૈસા નહીં મોકલું તો તે મને ક્યાંયનો નહીં રહેવા દે. મને તો બે ઘડી ચક્કર આવી ગયા. તેણે મને વિડીયો મોકલ્યો અને તે વિડીયો બધે ફેલાવી દેવાની વાત કરી. તેણે ઊતારેલા વિડીયોમાં મારા શરીરનો ઉપરનો ભાગ ખુલ્લો દેખાઇ રહ્યો હતો. જેથી જાણે મેં પોતે પણ તેને કપડાં વિના રહીને આવું કરવા કહ્યું હોય તેવું અનુમાન લગાવી શકાય તે સ્પષ્ટ હતું. તેણએ મને આવા જ બધા મેસેજ કરી કરીને મારા મગજને શૂન્ય કરી નાખ્યું. હું તો કંઇ વિચારી ન શકું અને કંઇ સમજી ન શકું. કોને શું કહું અને કોની પાસે મદદ માગું તેવી સ્થિતી થઇ.
મેં મારા એક પોલિસ મિત્રને ફોન કર્યો. તેણે મને સાયબર ક્રાઇમમાં વાતચિત કરાવી. તે લોકોને મેં પ્રોફાઇલના સ્ક્રીનશોટ મોકલ્યા. તેમણે મને સલાહ આપી કે હાલમાં થોડા સમય માટે તમે સોશિયલ મીડિયામાંથી ડિએક્ટિવેટ થઇ જાવ. તેમની સલાહ પ્રમાણે મેં પગલું ભર્યું અને હાલમાં હું સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. મારું કામ હાલમાં ખોટમાં ચાલી રહ્યું છે. જોકે બિઝનેસ તો એકવાર પડી ભાંગે તો પાછો ઊભો કરી શકાય પણ ઇજ્જત જ ન રહે અને બદનામી થઇ જાય તો તેને તો મર્યા પછી પણ પાછી મેળવી શકાતી નથી. હાલમાં ચેતીને ચાલી રહ્યો છું અને નજીકના મિત્રોને પણ એ જ સલાહ આપી છે.
સમજવા જેવું – સચીન સાથે જે થયું તેમાં તેનો વાંક હતો નહીં પણ સામેવાળી મોનાએ તેની સાથે જે પ્રકારની રમત રમી તેનો ભોગ કોઇપણ વ્યક્તિ બની જ જાય. હું વારંવાર કહું છું કે આપણે સોશિયલ મીડિયામાં અજાણઅયા લોકો સાથે સંપર્કો વધારીને એક જ વસ્તુ મેળવીએ છીએ અને તે છેતરપીંડી છે. તે પ્રેમમાં પણ હોઇ શકે, બિઝનેસમાં પણ હોઇ શકે અને ક્યાંક ને ક્યાંક પૈસાની બાબતમાં પણ બનતું જ હશે. સોશિયલ મીડિયા પ્રોફાઇલથી વ્યક્તિની સાચી ઓળખ કરવી અને તેને પારખવી ખૂબ મુશ્કેલ છે. આપણે વ્યક્તિગત સંબંધોને છોડીને ટેક્નિકલ સંબંધોમાં જે જોડાણ શોધવા જઇએ છીએ, ક્યાંક ને ક્યાંક આ તેનું પરિણામ છે.