વાડીએ મજૂરીકામની વાત કરી જાળ બિછાવી, કપડાં કાઢી વીડિયો ઉતાર્યો: સોનાના બિસ્કિટ, ચેઈન અને રોકડ પડાવી ખેડૂતનું અપહરણ પણ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી શહેરમાં રહેતા એક પ્રૌઢ ખેડૂતને હનીટ્રેપની જાળમાં ફસાવી તેની પાસેથી કુલ ₹53.50 લાખની મત્તા પડાવી લેવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ટોળકીમાં મુખ્ય મહિલા સૂત્રધાર ખુશીબેન પટેલ સહિત ગોંડલ, બોટાદ અને વાંકાનેરના કુલ 8 આરોપીઓ સામેલ હોવાનું ખુલ્યું છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે પૂર્વ આયોજિત કાવતરું, અપહરણ, લૂંટ અને ધાક-ધમકી આપવા બદલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, ભોગ બનનાર ખેડૂત ભરતભાઈને તેમની વાડીએ મજૂરની જરૂર હોવાથી તેમણે આરોપી પાંચાભાઈ કોળીનો સંપર્ક કર્યો હતો. આ તકનો લાભ લઈ આરોપીઓએ કાવતરું રચ્યું અને ખુશીબેન પટેલને મજૂરીકામ માટે વાડીએ મોકલી હતી. વાડીમાં કામ દરમિયાન ખુશીબેને અચાનક પોતાના કપડાં કાઢી ફરિયાદીને બથ ભરી લીધી હતી, જેવી આ સ્થિતિ સર્જાઈ કે તરત જ પૂર્વ આયોજિત યોજના મુજબ અન્ય આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને ફોટા-વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ખેડૂતને માર મારી, બળાત્કારની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી ₹1.14 કરોડની માંગણી કરી હતી. આરોપીઓએ ખેડૂત પાસેથી ડરાવી-ધમકાવીને ₹50 લાખની કિંમતના 100-100 ગ્રામના સોનાના 4 બિસ્કિટ, ₹2.50 લાખનો સોનાનો ચેઈન અને ₹1 લાખ રોકડા મળી કુલ ₹53.50 લાખની લૂંટ ચલાવી હતી. આટલેથી ન અટકતા, થોડા દિવસો બાદ ફરી ત્રણ આરોપીઓએ ખેડૂતનું વાડીએથી અપહરણ કરી તેને ગોંધી રાખ્યો હતો અને પરિવારને મારી નાખવાની ધમકી આપી વધુ નાણાંની માંગણી કરી હતી. હાલ પોલીસે આ કેસમાં ખુશીબેન પટેલ (ગોંડલ), મુકેશ આલ, રામા હાડગડા, જીલા ભરવાડ, મનીષ ગારીયા, દેવાંગ વેલાણી (તમામ રહે. બોટાદ) તેમજ પાંચા કોળી અને કરણ વરુ (રહે. વાંકાનેર) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી છે.



