ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
એશિયાટિક સિંહો પહેલાં હરણ, સાબર, ડુક્કર જેવાં વન્ય તૃણાહારી પશુઓનો શિકાર કરીને પેટ ભરતા હતા. ગાય-ભેંસ જેવાં દુધાળાં પ્રાણીઓના શિકારની ઘટના જવલ્લે જ બનતી હતી. જોકે ગીરના સાવજોએ હવે સ્વાદ બદલ્યો છે. નાનાં તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરવાના બદલે વધુ વજન ધરાવતાં મોટાં પ્રાણીઓ પ્રથમ પસંદ બન્યાં છે. સિંહદર્શન માટે પ્રવાસીઓને આકર્ષવા વધુ વજન ધરાવતાં ઘરેલુ પશુનું મારણ નાખવાના પ્રયોગો પણ આ ખોરાક પરિવર્તનનું કારણ છે. સાવજના ખોરાકની બદલાયેલી પદ્ધતિ ઘરેલુ અને દુધાળાં પશુઓ માટે ઘાતક સાબિત થવા માંડી છે. સિંહો ગ્રામીણ વિસ્તારોમાં આંટાફેરા મારતા થઈ ગયા છે તેની પાછળ વસતિ વધારા ઉપરાંત ગાય-ભેંસ જેવાં પ્રાણીનો શિકાર તેમના માટે અન્ય શિકાર કરતાં વધુ આસાન હોવાનું કારણ પણ નકારી શકાય તેમ નથી.
- Advertisement -
શિકારની પેટર્ન ચેન્જનાં મુખ્ય કારણો
હરણ, ડુક્કર કે સાબર જેવાં નાનાં પ્રાણીઓના શિકારમાં મહેનત વધુ પડે છે, સામે ખોરાક ઓછો મળે છે.
સિંહદર્શન માટે ઘણી વાર સિંહને રૂટ પર લાવવા નખાતા મારણમાં મોટા ભાગે આવા મોટા પશુનો જ ઉપયોગ થતો હોય છે.
ગાય-ભેંસ જેવાં વધુ વજન ધરાવતાં પશુ જલ્દી ભાગી શકતાં નથી, એટલે તેનો શિકાર પ્રમાણમાં વધુ આસાન છે.
સિંહો પોતપોતાના ઝૂંડમાં રહેતા હોવાના લીધે નાનાં પ્રાણીના શિકારથી આખું ઝૂંડ ધરાતું નથી.
ગામડાંમાં બંધાયેલાં પશુનો શિકાર સાવ સહેલો હોવાથી ઓછી મહેનતે વધુ ખોરાક મળી જતા સિંહો ગામડા તરફ વળ્યા.
ગ્રામ્ય વિસ્તારોમાં વધેલા આંટાફેરા પાછળ ખોરાકની બદલાયેલી પેટર્ન જવાબદાર
- Advertisement -