જહન્નમ નહિં, જેલ જેમને જાનેમન લાગેલી એ પત્રકારની કેફિયત!!!
જેલવાસ દરમિયાન એક વાત હંમેશા નોંધી કે મોટાભાગના લોકો (કેદીઓ) ભયંકર પ્રકારનો ખાલીપો મહેસુસ કરતા હતા કારણ કે એમનું જે કંઈ હતું, એ જેલની બહાર હતું. જેલમાં કશું જ કરવાનું રહેતું નહોતું તેમણે. એથી જ ભારે મુશ્કેલીથી તેમનો સમય પસાર થતો… જ્યારે હું કંઈક અજીબ (ફિલિંગ) મહેસુસ કરતો હતો. જ્યારે હું બહાર હતો ત્યારે ખુદને કંઈક અંશ સુધી કેદી સમાન અનુભવતો હતો, અંદર છું તો એટલી જ આઝાદીની લાગણી થઈ રહી છે, જેટલી બહાર થતી હતી. જેલમાં આવીને જાણે ફરીવાર હું મુળભૂત લાઈફ સ્ટાઈલ જીવવા લાગ્યો. એકદમ સહજ. બહાર (હતો ત્યારે) સુવાનું ભૂલી ગયો હતો. અંદર નીંદર આવવા લાગી હતી… બહાર દારૂથી સુકૂન મળતું હતું પણ દારૂએ ઊંઘને વેરણછેરણ કરી નાખી હતી. કુતરાં જેવી ઊંઘ આવતી, જે ગમે ત્યારે તૂટી જતી. અધૂરી અને ઉભડક ઊંઘને કારણે ઉઠ્યા પછી સતત થકાન અનુભવાતી હતી… જેલમાં રૂટિન બદલાઈ ગયું; મજબૂરીવશ પણ દારૂ છૂટી ગયો, ઊંઘ આવવા માંડી!
‘જાનેમન જેલ’માં યશવંત સિંહે લખેલી અન્ય વાતો વધારે ઈન્ટરેસ્ટિંગ છે. જેલના શરૂઆતના બે ત્રણ અઠવાડીયા સુધી રોજ સવારે કેદીઓનો ગિનતી માટે બેરેકનો દરવાજો ખોલાતો ત્યારે બહાર નીકળીને યશવંત સિંહ અચૂક બોલતાં : જેલનો દશમો દિવસ જિંદાબાદ. જેલનો બારમો દિવસ અમર રહો. જેલનો સત્તરમો દિવસ લોંગ લિવ
સામાન્ય રીતે જેલમાં જનારાઓ પોતાના એ અનુભવ વિશે બોલવા માટે તૈયાર હોતા નથી યા તો જેલમાં છાનેખૂણે થતી પ્રવૃત્તિઓ વિષે દબાયેલા અવાજમાં વાતો કરતા હોય છે. પરંતુ પોતાની જેલયાત્રાને માત્ર યાદગાર ગણાવે એટલું જ નહીં, તેના પર નાનકડું પુસ્તક પણ લખે એવા યશવંત સિંહો વીરલા જ નીકળવાના. મજા તો એ છે કે યશવંત સિંહે પોતાના જેલ અનુભવના પુસ્તકનું નામ સુદ્ધાં એકદમ આશિકાના મિજાજનું રાખ્યું છે: જાનેમન જેલ.
- Advertisement -
આમ આદમી માટે તો જેલ જાનેમન નહીં, પણ જહન્નમ જ હોય છે પરંતુ વીર સાવરકરથી લઈને જેફ્રી આર્ચર અને ગોપાલ ગોડસેથી માંડીને ફૂલન દેવીના હત્યાએ લખેલાં તેમના જેલ સંસ્મરણો હંમેશા પઠનીય (પ્રેરણાદાયી તો કેમ કહેવા?) રહ્યા છે. જવાહરલાલ નહેરુએ તો ભારત પરનું બેનમૂન પુસ્તક સુદ્ધાં જેલમાં જ લખ્યું હતું તો નેલ્શન મંડેલાથી લઈને કટોકટીમાં જેલમાં રહેનારા જયપ્રકાશ નારાયણ સહીતના અનેક રાજકીય નેતાઓએ પણ પોતાની જેલયાત્રાને ઓછી વધુ માત્રામાં શબ્દાસ્થ કરી જ છે. એક ગુજરાતી મહિલા પત્રકાર તો ખાસ અહેવાલ તૈયાર કરવા માટે કાયદાનો ભંગ કરીને જેલમાં ગઈ હોવાનું સ્મરણ છે તો અમુક ગુજરાતી લેખક-પત્રકારે જેલમાં જઈ આવ્યા પછીના પોતાના એકસ્પિરીયન્સ શેર કરતાં છૂટપૂટ લેખો ય લખ્યાં છે. અડસઠ દિવસ સુધી દિલ્હી નજીકની ડાસના જેલ (જેમાં આરુષિના માતા-પિતા કારાવાસની સજા ભોગવી ચૂક્યા છે!)માં કાઢનારાં યશવંત સિંહ પણ એક પત્રકાર છે. મૂળ ઉત્તરપ્રદેશના આ પત્રકારે દૈનિક જાગરણ અને અમર ઊજાલા સાથે લખનઉં, મેરઠ, કાનપુર, આગ્રા, બનારસ અને દિલ્હીમાં કામ કર્યા પછી ‘ભડાસ ફોર મિડીયા’ નામનું પોર્ટલ શરૂ કર્યું અને ભ્રષ્ટ મિડીયાને જ ઉઘાડું કરીને ચિટીંયો નહીં પણ ગરમ તાવિથાના ડામ દેવાનું શરૂ કર્યું. તેના પરિણામ સ્વરૂપ જ ભ્રષ્ટાચાર (રંગદોરી-સ્થાનિક શબ્દ)ના આરોપસર તેણે જેલમાં જવું પડ્યું. યશવંત સિંહે તો 68 દિવસ જેલમાં રહ્યા પછી લખેલાં સિરિઝનુમા પુસ્તકમાં એ મિડિયા ગ્રૃપ અને અમુક ચેનલોના નામીચા લોકોના નામ પણ લખ્યાં છે (છતાં તેમના પુસ્તક સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, એ સુચક છે!) પણ નિર્દોષ હોવાના બચાવનામા કે કોણ દોષી હોવાના આરોપનામામાં પડવાને બદલે ‘જાનેમન જેલ’માં યશવંત સિંહે લખેલી અન્ય વાતો વધારે ઈન્ટરેસ્ટિંગ છે. જેલના શરૂઆતના બે ત્રણ અઠવાડીયા સુધી દરરોજ સવારે કેદીઓનો ગિનતી માટે બેરેકનો દરવાજો ખોલાતો ત્યારે બહાર નીકળીને યશવંત સિંહ અચૂક બોલતાં : જેલનો દશમો દિવસ જિંદાબાદ. જેલનો બારમો દિવસ અમર રહો. જેલનો સત્તરમો દિવસ લોંગ લિવ.
જેલમાં થોડા દિવસ ગુજાર્યા પછી યશવંતસિંહ બધા માટે ‘ભડાસજી’ બની ગયા હતા. જેલમાં તેમણે પાકિસ્તાની લેખિકા તહમીના દુર્રાનીનું ‘બ્લાસફેમી’, રશિયન નોવેલ ‘પિયાનો ટિચર’નો એકદમ ચીપ શૈલીમાં લખાયેલો હિન્દી અનુવાદ, વૈશાલી હલદનકર નામની બારગર્લે લખેલી આપબીતી જેવું પુસ્તક, પ્રદીપ સૌરભનું મુન્ની મોબાઈલ, તસ્લીમા નસરીન, રવિન્દ્રનાથ ટાગોર, મહાશ્ર્વેતા દેવીના પુસ્તકો વાંચી નાખ્યા પણ પિયાનો ટિચર અને બ્લાસફેમી (હિન્દી નામ: કુફ્ર) નામના પુસ્તકમાં આવતા સેક્સના વર્ણનો વાંચી સંભળાવવાની કેદીઓ તેમની પાસે ડિમાન્ડ કરતાં. પિયાનો ટિચર નામનું પુસ્તક તો બેરેકમાં ફ્રી રહેતું જ નહીં કારણ કે તેમાં સેક્સને લગતી વાતો વારંવાર આવતી, જે કેદીઓ કાયમ રસપૂર્વક વાંચતા. આવા વર્ણનો જ્યાં હોય તેના પાના નંબર સુદ્ધાં કેદીઓએ યાદ રાખેલાં એવું ભડાસજીએ પુસ્તકમાં નોંધ્યું છે.
સેક્સથી લઈને જેલમાં રહેતાં કેઘદીઓ દ્વારા રચાતી અશ્ર્લિલ કે અભદ્ર કવિતાઓ આમ જૂઓ તો કેદીઓના મનની અતૃપ્ત ઈચ્છાઓ અને આક્રોશનો જ પડઘો ગણાય. યશવંત સિંહ કેદીઓ સાથે જમ્યાં પછી ગાયનની ટોળી જામતી, તેમાં જોડાતા. કેદીઓ ગેરફિલ્મી ગીતો, ભજન અને ગઝલો ગાતાં તેમાં પંડિત છન્નૂલાલ મિશ્રાનું એક ભજન (ના સોના સાથા આએગા, ના ચાંદી જાએગી, સજધજ કે જીસ દીન મૌત કી શહજાદી આયેગી!) બધાને ખૂબ ગમતું. ભડાશજી પાસે ગાવાની ડિમાન્ડ થાય ત્યારે તેઓ બે ફિલ્મી ગીતો (મેરે પ્યાર કી ઉંમર હો ઈતની સનમ અને જિંદગી કી ના તૂટી લડી)ની યાદ આવતી એ પંક્તિઓ ગાઈ દેતાં. ક્યારેક કોઈ કેદી અભદ્ર કવિતા પણ ગાઈ દેતાં અથવા દિવાલો પર લખી નાખતાં. જાનેમન જેલમાં એ કવિતાના અમુક અંશ પ્રગટ કરવામાં આવ્યા છે.
- Advertisement -
જેલમાં રહેતાં કાચા કામના કેદી-આરોપીને દર 14 દિવસે અદાલતમાં પેશ કરવાના હોય છે. આવા એક પ્રસંગે એક માસૂમ બાળકે પોલીસ વાનમાં બેઠેલાં યશવંત સિંહ સહિતના કેદીઓને જોઈને તેની માતાને કહેલું કે, મમ્મી, આ જો ચોર લોકો જઈ રહ્યા છે… એ સાંભળીને હસી પડેલા યશવંત સિંહે આવી જ એક પેશી દરમિયાન પોતાના મિત્રને પરાણે ફોટો પાડવાનું કહેલું. હાથકડી અને દોરડા બાંધીને પોલીસ પોતાને લઈ જઈ રહી છે અને પોતે અભિવાદન ઝીલી રહ્યા છે, એવા એ ફોટોગ્રાફને જ યશવંત સિંહે પુસ્તકના કવર પર છાપ્યો છે. આ બહાદુરી કે બોલ્ડનેશ કે છૂપો આક્રોશ પુસ્તકની અનોખી મજા છે. 68 દિવસના જેલવાસમાં એક દિવસ યશવંત સિંહે એક કેદીના ટિશર્ટ પર વાંચ્યું કે લાઈફ એન્ડેડ આફટર આઈ ગોટ એ જોબ. (નોકરી મળતાં જ જિંદગી ખતમ થઈ ગઈ!)
જેલના પ્રેમમાં પડી ગયેલાં યશવંત સિંહે મનોમન નવું વાક્ય બનાવી લીધું : લાઈફ સ્ટાર્ટ આફટર આઈ એન્ટર્ડ ઈન જેલ. (જેલમાં આવ્યો તો જિંદગી જીવવા લાગ્યો!)