લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વમાં 18 જ્યારે અમદાવાદ પશ્ચિમમાં 6 ઉમેદવાર વચ્ચે જંગ, આવો જાણીએ કેવો છે અમદાવાદ બેઠકોની ઇતિહાસ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે 7 મેના રોજ યોજાનાર છે. જેમાં ગુજરાતની પણ 26માં થી 1 બેઠક બિનહરીફ થયા બાદ હવે 25 બેઠકો પર મતદાન થશે. એવામાં આપણે જાણીશું અમદાવાદની બેઠક વિશે કે જે છેલ્લા 35 વર્ષથી ભાજપનો ગઢ ગણાય છે. લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વમાં 18 જ્યારે અમદાવાદ પશ્ચિમમાં 6 ઉમેદવાર વચ્ચે જંગ છે. હવે જો આપણે આ બેઠકોના ઇતિહાસ પર નજર કરીએ તો આ બેઠકમાં કોંગ્રેસે છેલ્લે 1984માં વિજય મેળવ્યો હતો. આ તરફ વર્ષ 2009થી અમદાવાદ ઇસ્ટ અને અમદાવાદ વેસ્ટ એમ બે બેઠકમાં અસ્તિત્વમાં આવેલી છે.
- Advertisement -
આવો જાણીએ અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક વિશે
લોકસભાની સૌ પ્રથમ ચૂંટણી 1962માં યોજાઇ હતી. જેમાં NJPના ઇન્દુલાલ યાજ્ઞિકનો 21592 મતના અંતરથી વિજય થયો હતો. આ પછી 1967માં ઇન્દુલાલ યાજ્ઞિક અપક્ષ તરીકે ઉતર્યા હતા અને તેમ છતાં તેમણે 84797 મતથી જીત મેળવી હતી. ભાજપ કે કોંગ્રેસ સિવાય અન્ય કોઇ પક્ષ-અપક્ષના ઉમેદવારે વિજય મેળવ્યો હોય તેવી આ અંતિમ ઘટના હતી. આ પછી 1971-1977-1984માં કોંગ્રેસ, 1980માં કોંગ્રેસ આઇના વિજય થયા હતા. 1989થી ભાજપ આ બેઠકમાં સતત વિજય મેળવતો આવ્યો છે.
- Advertisement -
હસમુખ પટેલના નામે છે આ રેકોર્ડ
વિગતો મુજબ મેટ્રો સિટી અમદાવાદમાં સૌથી વધારે મતના અંતરે વિજય મેળવવાનો રેકોર્ડ ભાજપના હસમુખ પટેલના નામે છે. વાત જાણે એમ છે કે, હસમુખ પટેલે 2019માં 4.24 લાખના અંતરથી વિજય મેળવ્યો હતો. આ તરફ 1977માં કોંગ્રેસના અહેસાન જાફરીએ માત્ર 10 હજારના અંતરથી જીત મેળવી હતી. અમદાવાદમાં સૌથી ઓછા મતના અંતરથી જીતનો આ રેકોર્ડ છે.
વિગતો મુજબ અમદાવાદ ઇસ્ટમાં વિધાનસભાની 7 જ્યારે અમદાવાદ વેસ્ટની 7 બેઠકો છે. આ વખતે અમદાવાદ ઇસ્ટમાં 20.10 લાખ જ્યારે અમદાવાદ વેસ્ટમાં 17.11 લાખ મતદારો છે. જો આપણે ઇતિહાસ પર નજર ફેરવીએ તો મતદાનમાં અમદાવાદ નીરસ રહ્યું છે. વર્ષ 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં 63 ટકાથી પણ ઓછું મતદાન નોંધાયું હતું. અમદાવાદ બેઠક પરથી હરિન પાઠક 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009 એમ સૌથી વધુ સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.