પૂજ્ય સ્વામી શ્રી આનંદાનંદજી કહી ગયા છે, ’આ જગતમાં મળેલા જ મળે છે.’ આ ટૂંકા સૂત્રાત્મક વાક્યમાં ઊંડો અર્થ સમાયેલો છે. આ જન્મમાં આપણને જે મનુષ્યો મળે છે, એ અગાઉના જન્મોમાં કોઇ ને કોઇ સ્વરૂપે મળ્યા જ હશે અને હવે પછીના જન્મમાં પણ મળશે જ. માત્ર સંબંધોનું સ્વરૂપ બદલાતું રહે છે, સંખ્યા એની એ જ રહે છે. જૈન ધર્મના એક પુસ્તકમાં વાંચ્યું હતું કે જો તમારા ઘરના ઝાંપે કોઇ એક જ કૂતરું કે ગાય રોજ રોટલી ખાવાં માટે આવતાં હોય તો સમજી લેજો કે પૂર્વજન્મમાં તે જીવો કોઇ અલગ સ્વરૂપે તમારી સાથે ખૂબ નિકટનો નાતો ધરાવતા હશે. સાવ નાનો હતો ત્યારથી લઇને અત્યાર સુધી એક ભજન મને ખૂબ ગમતું રહ્યું છે: ’પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટીને, અમે રે પોપટ રાજા રામના…’ આ ભજન પૂજ્ય નારાયણ સ્વામીના, હેમુ ગઢવીના અને ગુજરાતી ફિલ્મમાં મહેન્દ્ર કપૂરના અવાજમાં સાંભળ્યું હતું અને માણ્યું હતું. રાજા ભર્તૃહરિ રાણી પિંગળાને ચાર ચાર જન્મોની યાદ અપાવે છે. એમાં આવતી એક પંક્તિ હંમેશાં મને હૃદયવિદારક લાગી છે: ’દનડા સંભારો ખમ્મા, પૂરવ જનમના સહેવાસના…’ આપણે પૂર્વજન્મમાં શું હતા, ક્યાં હતા અને કોની સાથે હતા, એ જાણવાની જિજ્ઞાસા હંમેશાં રહેતી હોય છે. શ્રી કાર્તિકભાઇ ત્રિવેદીના મુખેથી મને મારા પૂર્વજન્મ વિશેની વાતો જાણીને અનહદ રોમાંચ થયો હતો. એમણે કહેલી ઘણીબધી વાતો તાર્કિક લાગી હતી. પછી મને ઓશોની એક વાત યાદ આવી ગઇ. એકવાર એક સ્ત્રીએ ઓશોને પૂછ્યું, ’ઓશો, ભગવાને આપણા પૂર્વજન્મ વિશેની સ્મૃતિ કેમ છીનવી લીધી હશે?’ ઓશોએ સુંદર જવાબ આપ્યો હતો, ’માઇ, આપણે આ જન્મના ખરાબ અનુભવોનો ભાર પણ સહન કરી શકતા નથી. એમાં જો પૂર્વજન્મોના સારા-નરસા અનુભવોની સ્મૃતિ ઉમેરાય તો ભાર કેટલો વધી જાય? વિસ્મૃતિ ઇશ્વરે મનુષ્યને આપેલું વરદાન છે.’ માટે પહેલા, બીજા, ત્રીજા જુગની વાતો ભૂલીને વર્તમાન ભવમાં જીવવાનું રાખીએ. આપણાં સ્વજનો અને પ્રિયજનોને એવા ભાવથી સાચવીએ કે તેઓ વીતેલા અને આવનારા અનેક જન્મોમાં આપણી સાથે હતાં અને રહેશે.
પહેલા, બીજા, ત્રીજા જુગની વાતો ભૂલીને વર્તમાનમાં જીવવાનું રાખીએ
Follow US
Find US on Social Medias