નીતા દવે
સબંધોનાં શેઢે ઉગેલી કાંટાળી વાડને વાઢી નિંદાનું નિંદામણ કરીએ આવો, સંવેદનોની સીમમાં લાગણીનાં વાવેતર કરી સબંધોની ખેતી કરીએ.!
- Advertisement -
દરેક સંબંધને પોતાની ઋતુઓ હોય છે. દરેક વ્યક્તિ વસંત સાથે ખીલે છે,પાનખર સાથે ખરી પડે છે, અને શરદમાં ફરી આશાવાદ સાથે જીવંતતાને અનુભવે છે. આથી સંબંધોની માવજત પણ પ્રકૃતિની જેમ જ થવી જોઈએ.
પરંતુ માનવીનો સ્વભાવ છે કે તે ઉનાળામાં ઠંડીને શોધશે, શિયાળામાં ગ્રીષ્મનાં તાપ ની ઝંખના કરશે,વરસાદ વધુ આવશે તો અતિવૃષ્ટિ કહેશે અને થોડો ઓછો પડશે તો અનાવૃષ્ટિ કહેશે..! અર્થાત્માનવ મન ક્યારેય વર્તમાન પરિસ્થિતિને સ્વીકારી આનંદ અનુભવુંતું હોતું નથી તે હંમેશા જે નથી તેની શોધમાં ફરે છે અને સંબંધોનું પણ કંઈક આવું જ હોય છે.
આજના ટેકનોલોજી અને મોબાઈલના સમયમાં સંબંધો પણ રોબોટિક થતા જાય છે.આમ જુઓ તો સંબંધોનાં પણ કેટલાક પ્રકાર હોય છે. સામાજિક, વ્યવહારિક, વ્યવસાયિક અને લાગણી સભર.પ્રત્યેક માનવી એ એક સામાજિક પ્રાણી છે. તેથી સમાજ અને સંબંધોથી પર થઈ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી. આથી સમજણની દુનિયામાં પગલાં માંડતાની સાથે જ નાનાં બાળકથી લઈ અને જીવનના અંત સુધી દરેક માનવી તેની સમજણ અને સ્વભાવ પ્રમાણે સંબંધોની માવજત કરતો રહે છે.
- Advertisement -
પરંતુ આધુનિક સમયનાં સંબંધો તકલાદી અને તકવાદી બનતા જાય છે.આજના સ્પર્ધાત્મક યુગમાં ભૌતિક સુખની ઘેલછા પાછળ દોડતો માનવી સંબંધોનું વ્યાપારિકરણ અને લાગણીનો વેપાર કરતો થઈ ગયો છે. સંયુક્ત કુટુંબનો ધીમે ધીમે વિચ્છેદ થતો ગયો છે. એમાં પણ મોબાઈલ અને ઇન્ટરનેટના આવ્યા પછી તો સંબંધો યાંત્રિક બની ગયા છે સાથે રહેતાં સહોદરો,પતિ પત્ની, સંતાનો કરતાં સોશિયલ મીડિયા પર મળતા મિત્રો ને હાજરી પુરાવી વધારે જરૂરી બનતી જાય છે..! પોતાના દેખાડાના સુખને મીડિયા પર વાયરલ કરવા એ જાણે આજના સમયનો નવો ટ્રેડ બનતો જાય છે. ખૂબીની વાત તો એ છે કે જે વ્યક્તિને આપણે જાણતા નથી, ઓળખતા નથી, જોયા પણ નથી તે વ્યક્તિની દિનચર્યા અને તેના જીવનમાં આવતા પરિવર્તનો વિશે જાણવા માટે આપણે એટલા ઉત્સુક હોઈએ છીએ કે આવા યુટ્યુબરનાં વિડિયો જોવા માટે આપણી જવાબદારીઓ પણ ભૂલી જતાં હોઈએ છીએ..!
પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે સોશિયલ મીડિયાના સંબંધો એ એક આભાસી દુનિયા છે અને આ દુનિયા માત્રને માત્ર કૃત્રિમતાને જ વરેલી હોય છે. પરંતુ હવે સમય થઈ ગયો છે કે આપણે આપણી સંવેદનો પ્રત્યે જાગૃત થઈએ. આપણા સ્વજનો મિત્રો અને નજીકના સંબંધો નાં જીવનમાં આવેલ ધખધખતા ઉનાળાનાં તડકા વચ્ચે લાગણી સફર શબ્દોને શીતળ લહેર બની શકીએ,ક્યારેક ઠંડી ગાર બની ગયેલી લાગણીઓને શિયાળો બેસે તો સંવેદનાનો હૂંફાળો ધાબળો બની શકીએ અને ક્યારેક જીવન આકાશમાં ગોરંભાયેલા વાદળોની જેમ કોઈ પોતિકા અંગતનું મન મુંજાતું હોય ત્યારે તેને પોતાનો ખંભો આપી અને ધોધમાર વરસી જવાની છૂટ આપી શકીએ..! લાગણીની કૃત્રિમતાને દુર કરી ખરા અર્થમાં સંવેદનાને જીવંત કરવા માટે સંબંધોની માવજત ખૂબ જરૂરી છે અને સંબંધોનો આ બાગ ત્યારે જ ખીલી શકે કે તેને જીવનની દરેક ઋતુમાં સમજણ અને સહકારની માવજત મળી હોય.
દરેક સંબંધને પોતાની ઋતુઓ હોય છે, દરેક વ્યક્તિ વસંત સાથે ખીલે છે,પાનખર સાથે ખરી પડે છે