- વર્લ્ડકપને લઈને અત્યંત ઉત્સાહિત મેસ્સીએ કહ્યું, હું તેમાં શ્રેષ્ઠ આપીશ
આર્જેન્ટીનાના લેજન્ડ ફૂટબોલર લિયોનલ મેસ્સીએ પોતાના ચાહકોને એક મોટો ઝટકો આપ્યો છે. મેસ્સીએ એલાન કર્યું છે કે, વર્ષ-2022માં રમાનારો ફૂટબોલ વર્લ્ડકપ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે મતલબ કે આ વર્લ્ડકપ બાદ તે ગમે ત્યારે સંન્યાસ લઈ શકે છે કેમ કે આ પછી આગલો વર્લ્ડકપ ચાર વર્ષ બાદ રમાશે.
આર્જેન્ટીના ટીમના કેપ્ટન લિયોનલ મેસ્સીએ સ્પષ્ટ કર્યું કે, આ તેનો અંતિમ વર્લ્ડકપ હશે. એક ઈન્ટરવ્યુમાં તેને સવાલ પૂછાયો કે આ તેનો અંતિમ વર્લ્ડકપ છે ? તો તેણે કહ્યું કે હા, બિલકુલ અંતિમ છે. 2022 બાદ આગલો વર્લ્ડકપ 2026માં રમાશે અને ત્યારે મેસ્સીની ઉંમર 39 વર્ષ થઈ ગઈ હશે એ જ કારણથી તેણે વર્લ્ડકપની વાત કન્ફર્મ કરી દીધી છે.
- Advertisement -
35 વર્ષીય મેસ્સીએ કહ્યું કે, શારીરિક રીતે હું એકદમ ફિટ છું. મને આશા છે કે, વર્લ્ડકપ પહેલાંની મારી સીઝન પણ સારી રહેશે. મેં ઈજા બાદ વાપસી કરી છે અને હવે હું ઠીક છું. હવે તો માત્ર વર્લ્ડકપના દિવસો જ ગણી રહ્યો છું. જેમ જેમ સમય નજીક આવી રહ્યો છું તેમ તેમ નવર્સનેસ વધી રહી છે. મારો આ અંતિમ વર્લ્ડકપ છે એટલા માટે હું ઈચ્છું છું કે તેમાં મારું શ્રેષ્ઠ આપું.
મેસ્સીની ગણતરી અત્યારના સમય માટે જ નહીં પરંતુ ઑલટાઈમ ગ્રેટ ફૂટબોલર્સમાં થાય છે. ઈન્ટરનેશનલ ફૂટબોલમાં તેણે આર્જેન્ટીના માટે 90 ગોલ કર્યા છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવા મામલે તે ત્રીજા નંબરે છે. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાનો રેકોર્ડ રોનાલ્ડો (117 ગોલ)ના નામે છે.
- Advertisement -