સરગમ કલબના સુકાની ગુણવંતભાઈ ડેલાવાળાનો આજે 72મો જન્મદિવસ
હેમુ ગઢવી નાટ્યગૃહ, મુક્તિધામ, ઇન્ડોર સ્ટેડિયમ, 6 આરોગ્ય સંકુલનું સંચાલન
- Advertisement -
60 વર્ષથી RSSના સ્વયંસેવક, 50 વર્ષથી જનસંઘ-ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તા
16,000 સભ્યોનો સરગમ પરિવાર: આરોગ્ય, રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે ક્રાંતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સેવા પ્રવૃત્તિઓને જીવનમંત્ર બનાવી સમાજજીવનમાં આગવું સ્થાન મેળવનાર સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા આજે 71 વર્ષ પૂર્ણ કરી 72માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તા. 13-9-1954ના રોજ જન્મેલા ગુણવંતભાઈએ સેવા, સમાજકાર્ય અને સંસ્થાકીય નેતૃત્વમાં અનોખી છાપ છોડી છે.
સરગમ કલબના નેજા હેઠળ છેલ્લા 43 વર્ષમાં 51થી વધુ સેવાકીય પ્રકલ્પો અમલમાં મુકીને તેમણે રેકોર્ડ રચ્યો છે. આજે 16 હજારથી વધુ મેમ્બર ધરાવતું સરગમ પરિવાર, આરોગ્ય, રમતગમત, સાંસ્કૃતિક તેમજ સામાજિક ક્ષેત્રે લાખો લોકોને સીધી અસર પહોંચાડે છે.
કોરોના કાળમાં પણ તેમણે ભગીરથ સેવા કાર્યો અંજામ આપ્યા હતા.ગુણવંતભાઈના નેતૃત્વ હેઠળ હેમુગઢવી નાટગૃહ, મુકિતધામ, ઇન્ડોર સ્ટેડિયમ, 6 આરોગ્ય સંકુલો, તેમજ બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન થઈ રહ્યું છે.
તેમની સેવા કાર્યોની નોંધ વિવિધ રેકોર્ડ બુકમાં લેવાઈ છે.તેઓ 60 વર્ષથી આર.એસ.એસ.ના સ્વયંસેવક તથા 50 વર્ષથી જનસંઘ-ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તા છે.
તેમણે રૂડા ચેરમેન, ભાજપ કારોબારીના આમંત્રિત સભ્ય, વિજય કોમર્શિયલ બેન્કના ડિરેક્ટર, ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન તથા કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય હેઠળના કોર્પોરેશનમાં ડિરેક્ટર તરીકે સેવા આપી છે.
સૌરાષ્ટ્રના વૈષ્ણવ સમાજમાં અગત્યનું સ્થાન ધરાવતા ગુણવંતભાઈ ગુજરાત ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ, રાજકોટ મેટલ મર્ચન્ટ એસોસિએશન તથા સમસ્ત ગુજરાત કંસારા સમાજના માજી પ્રમુખ રહી ચૂક્યા છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે તેમની સક્રિય ભૂમિકા રહેલી છે.
તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના રાજકીય નેતાઓ, તંત્રીઓ અને ધર્મગુરુઓ સાથે આત્મીયતા ધરાવે છે. અત્યાર સુધી તેઓ 50થી વધુ દેશોના પ્રવાસ કરી ચૂક્યા છે. ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસે શહેરભરમાં શુભકામનાઓનો માહોલ જોવા મળી રહ્યો છે.



