ક્રિમિનલ કોડ હેઠળ લોરેન્સ ગેંગને આતંકવાદી ઠરાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ કેનેડા, તા.30
કેનેડા સરકારે ભારતમાં એક્ટિવ લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરી છે. આ ગેંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ કેનેડામાં પણ ક્રાઈમ કરી રહી છે. કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ગેરી અનંદસંગરીએ જણાવ્યું હતું કે કેનેડામાં હિંસા અને આતંકને કોઈ સ્થાન નથી, ખાસ કરીને જે કોઈ ચોક્કસ સમુદાયને ડરાવવાના હેતુથી કરવામાં આવે છે. પરિણામે, લોરેન્સ ગેંગને કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવી છે.
- Advertisement -
કેનેડામાં ગેંગની કોઈપણ સંપત્તિ, વાહનો, પૈસા વગેરે ફ્રીઝ અથવા જપ્ત કરી શકાય છે. કેનેડિયન એજન્સીઓને આ ગેંગ નાણાકીય સહાય, મુસાફરી અને ભરતી સંબંધિત ગુનાઓ પર કાર્યવાહી કરવા માટે પણ સત્તા આપવામાં આવી છે. કોઈપણ કેનેડિયન નાગરિક તે જાણી જોઈને કેનેડામાં અથવા વિદેશમાં લોરેન્સ ગેંગ સાથે મિલકતનો વ્યવહાર કરે છે તેને પણ ગુનો ગણવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોરેન્સ ગેંગને મિલકત આપે છે, તો તેને પણ ગુનો ગણવામાં આવશે. ગેંગ કનેક્શન ધરાવતા લોકોને પણ કેનેડામાં પ્રવેશવામાં મુશ્ર્કેલીઓનો સામનો કરવો પડશે. સરકારના જણાવ્યા અનુસાર, કેનેડાના ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રવેશના નિર્ણયો લેતી વખતે અધિકારીઓ આ નિર્ણયને પણ ધ્યાનમાં લેશે. 11 ઓગસ્ટના રોજ મંત્રી ગેરી અનંદસંગરીને પત્ર લખવામાં આવ્યો હતો: 11 ઓગસ્ટના રોજ, કેનેડાની ક્ધઝર્વેટિવ પાર્ટીના શેડો પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ફ્રેન્ક કેપુટોએ પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ગેરી અનંદસંગરીને પત્ર લખીને ઔપચારિક રીતે આ માંગણી ઉઠાવી હતી. કેપુટોએ પત્રમાં જણાવ્યું હતું કે લોરેન્સ ગેંગની પ્રવૃત્તિઓ તેને આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે પૂરતા કારણો પૂરા પાડે છે. આ ગેંગે કેનેડા અને વિદેશમાં હિંસક ઘટનાઓની જવાબદારી સ્વીકારી છે. તેની પ્રવૃત્તિઓમાં રાજકીય ગોળીબાર, દક્ષિણ એશિયાઈ કેનેડિયન નાગરિકો પાસેથી ખંડણી અને હિંસાના ગંભીર કૃત્યોનો સમાવેશ થાય છે. ગેંગ લોકોને ડરાવી રહી છે: કેપુટોએ સ્પષ્ટતા કરી હતી કે ગેંગ ફક્ત ગુનાહિત પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત નથી, પરંતુ રાજકીય, ધાર્મિક અને વૈચારિક કારણોસર હિંસામાં પણ સામેલ છે. ગેંગના સભ્યો સંભવિત લક્ષ્યો અને સમુદાયોને ડરાવવા માટે આ કૃત્યોને ખુલ્લેઆમ ન્યાયી ઠેરવે છે.
દબાણ બાદ લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું: આ પત્ર બાદ, બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડ એબી, આલ્બર્ટા પ્રીમિયર ડેનિયલ સ્મિથ, બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉન અને સરેના મેયર બ્રેન્ડા લોક સહિત અનેક નેતાઓએ આ માંગને સમર્થન આપ્યું હતું. આ દબાણ અને ભલામણોને પગલે, કેનેડિયન સરકારે હવે લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે.