વિજય અભય-મોક્ષ સાહિત્ય રત્ન એવોર્ડની શરૂઆત, અનેક સાહિત્યકારો અને સેવાભાવી વ્યક્તિઓનું સન્માન
ખાસ-ખબર ન્યૂઝ સુરત
અઠવાલાઇન્સ જૈન શ્વેતાંબર સંઘના પવિત્ર પરિસરમાં પૂજ્ય વિજય અભયદેવસૂરી મહારાજ તથા મોક્ષરત્નસૂરી મહારાજની પાવન નિશ્રામાં એક ઐતિહાસિક સાહિત્યિક મહોત્સવ યોજાયો. પ્રસંગે વઢિયાર પંથકની સેવાવીરાંગના જીજ્ઞાબેન શેઠના પરોપકારી કાર્યોને બિરદાવતાં યુવા લેખક શૈલેષ પંચાલ દ્વારા લખાયેલું ‘કલ્યાણીની કર્મગાથા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે લોકપ્રિય સાહિત્યકાર યોગેશદાન બોક્ષા હાજર રહ્યા હતા, જ્યારે સંચાલન લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવીએ કર્યું. પુસ્તકની પ્રસ્તાવના વિદ્વાન ચારણ લાભુદાન ગઢવીએ આપી છે, જ્યારે અંદર કવિ હેમની ભૈરવી કવિતા, ભગવતદાન ગઢવીનો હરીગીત છંદ અને હેમભા ગઢવીના દુહાઓનો સમાવેશ થયો છે. જીવંત વ્યક્તિ પર લખાયેલું આ વઢિયાર પંથકનું પ્રથમ પુસ્તક હોવાને કારણે તેને વિશેષ ગૌરવ મળ્યું.કાર્યક્રમ દરમિયાન પ્રથમવાર *‘વિજય અભય-મોક્ષ સાહિત્ય રત્ન એવોર્ડ’*ની શરૂઆત કરવામાં આવી, જેમાં યોગેશદાન ગઢવી, લાભુદાન ગઢવી, ભગવતદાન ગઢવી, કવિ હેમરાજ ગઢવી, હેમભા ગઢવી અને લેખક શૈલેષ પંચાલને સન્માનિત કરવામાં આવ્યા. પત્રકાર દિનેશભાઈ સિંધવને ‘વિજય અભય-મોક્ષ લોકપ્રહરી એવોર્ડ’ મળ્યો હતો. સમાજસેવામાં કિશોરભાઈ શાહ અને અહિંસાધામ એંકરવાલાને ‘જીવદયા એવોર્ડ’, તેમજ નીતાબેન દોશીને ‘કાર્ય-કર્મઠ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા.વિશેષ સન્માન સુરતની લેખિકા જિગ્નાશા પટેલ અને છાયા ચૌહાણને અપાયું હતું. અંતે પૂજ્ય અભયદેવસૂરી મહારાજના આશિર્વચન સાથે કાર્યક્રમ પુર્ણ થયો અને સૌએ સાત્વિક ભોજનનો આનંદ માણ્યો.