કળશ પૂજન સાથે વેણુ નદીના જળની પૂજાવિધિમાં હજારો ભાવિકો જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
વેણુ નદીના કાંઠે પાવનભૂમિ સિદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાંનિધ્યમાં સૌરાષ્ટ્રભરના બે લાખ પરિવારોને સાંકળતી ‘માઁ ઉમા કળશ’ યોજનાનો 251 કળશ પૂજન સાથે કરાયો હતો. આ મહોત્સવમાં વેણુ નદીના જળની પૂજનવિધિ હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં રંગેચંગે યોજાઈ હતી. તાજેતરમાં જ ઉમિયાધામ સિદસર ખાતે રજત જયંતિ દશાબ્દિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘માઁ ઉમા કળશ યોજના’ તરતી મૂકવામાં આવી હતી. આ યોજનાને આગામી 1 વર્ષમાં સૌરાષ્ટ્રભરના 2 લાખ પરિવાર સુધી તબક્કાવાર જે તે જિલ્લા, તાલુકા, ગ્રામ્ય ઉમિયા પરિવાર સંગઠન સમિતિના માધ્યમથી પહોંચાડવાની નેમ છે.
- Advertisement -
ઉમિયાધામ સિદસર ખાતે સવારે મા ઉમિયાના ચરણોમાં 251 કળશ પૂજન દ્વારા મા ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ ચિમનભાઈ સાપરીયા, મા ઉમા કળશ યોજનાના ચેરમેન જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્ટીઓ તથા મંદિરની વિવિધ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.