આરંભથી આજ સુધી : અશુદ્ધથી અતિ અશુદ્ધ.. હતા ત્યાંને ત્યાં..
– ભવ્ય રાવલ
ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં અખબારો-પત્રોની ભાષા ઘણી જ અશુદ્ધ હતી જેના મુખ્યત્વે કેટલાંક કારણો હતા: છાપકામ-મુદ્રણકલાના યંત્રોની મર્યાદા, ગુજરાતી શબ્દોવાળા બીબાંની અપૂર્તિ શોધ, છાપકામ-મુદ્રણકલા પર પારસીઓનું પ્રભુત્વ અને સાક્ષરતા તથા કેળવણીનો અભાવ. બસો વર્ષ અગાઉ પારસીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા છાપકામ-મુદ્રણકલા વડે જ ગુજરાતી ભાષામાં અખબારો-પત્રોનો ઉદ્દભવ થયો હતો તેથી ગુજરાતી ભાષાના અખબારો-પત્રોમાં પારસી ભાષાની અસર સ્પષ્ટ વર્તાતી હતી. છાપકામ-મુદ્રણકળામાં જે ગુજરાતી બીબાં તૈયાર થયા હતા તેમાં ગુજરાતી જોડાક્ષરો ન હતા તેથી શરૂઆતથી જ ગુજરાતી અખબારો-પત્રો જોડાક્ષરો વિનાની અને પારસી શબ્દોવાળી અશુદ્ધ ભાષામાં લખાતા-છપાતા રહ્યા હતા. ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં ગુજરાતી છાપકામ-મુદ્રણક્લા અને અખબારો-પત્રો પર પારસીઓના એકહથ્થું શાસન હોવાથી તેઓ દ્વારા લખાતી-છપાતી અશુદ્ધ ગુજરાતી ભાષાની અસર અન્ય અખબારો-પત્રો પર પણ પડી હતી. આમ, કેટલાંક કારણોસર ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં અખબારો-પત્રોની ભાષા અશુદ્ધ રહી હતી.
આઝાદીથી લઈ એકવીસમી સદીની શરૂ આત સુધી ગુજરાતી અખબારો-પત્રોની ભાષા શુદ્ધ રહી પરંતુ ધીમેધીમે ફરી કેટલીક બેદરકારીઓના કારણે ગુજરાતી અખબારો-પત્રોની ભાષા કથળી
1822માં શરી મુમબઈના સમાચારએ અશુદ્ધ ભાષાના અખબારથી શરૂ કરેલી યાત્રાને શરી મુમબઈના ચાબુક, જામે જમશેદ અને સમાચાર દર્પણ જેવા અખબારો-પત્રોએ આગળ વધારી. દસકો સુધી પારસીઓ દ્વારા અશુદ્ધ ગુજરાતી ભાષાવાળા જ અખબારો-પત્રો પ્રસિદ્ધ થતા રહ્યા. પારસી પત્રકારો બોલવા-લખવામાં ફારસી ભાષાનો વધુ ઉપયોગ કરતા હોવાથી ગુજરાતી પત્રકારત્વમાં અખબાર, અહેવાલ, આઝાદ, ખબર, જંગ, દોસ્ત, દિલાવર, દફતર, બંદોબસ્ત, સમંદર જેવા શબ્દો સામાન્ય બની ગયા. ગુજરાતી પત્રકારત્વના ઉદ્દભવના આશરે ચારથી પાંચ દસક પછીથી નર્મદ, કરસનદાસ મૂળજી, ઈચ્છારામ દેસાઈએ ગુજરાતી અખબારો-પત્રોમાં ભાષાશુદ્ધિની હિમાયત કરી. આગળ જતા મોહનદાસ ગાંધીએ ગુજરાતી અખબારો-પત્રોમાં ભાષાશુદ્ધિ અંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ગુજરાતી અખબારો-પત્રોમાં પારસી અને ફારસીની જગ્યાએ ગુજરાતી અને સંસ્કૃત શબ્દોનું ચલણ વધ્યું. પત્રકારો ટૂંકા વાક્યોમાં શુદ્ધ, સરળ, સીધી-સાદી ગુજરાતી ભાષામાં લેખન કરવા લાગ્યા, માલિકો-તંત્રીઓ દ્વારા મુદ્રણ-પ્રકાશનમાં પણ ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું. ગુજરાતી અખબારો-પત્રોની ભાષા શુદ્ધ, સરળ, સીધી-સાદી બનતા તેમજ મુદ્રણ-પ્રકાશનમાં ચોકસાઈ આવતા તેના વાંચક વર્ગમાં વધારો થયો. સમાચાર સિવાયના સાહિત્યને લગતા સામયિકોએ પણ ભાષાશુદ્ધિ સહિત લેખન, વ્યાકરણ અને જોડણીની ભૂલ વિનાના મુદ્રણ-પ્રકાશનમાં સિંહફાળો નોંધાવ્યો. આમ, ગુજરાતી પત્રકારત્વની શરૂઆત બાદ ધીમેધીમે અખબારો-પત્રોની ભાષા થોડીઘણી શુદ્ધ થવા લાગી હતી.
- Advertisement -
અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી, કકલભાઈ કોઠારીએ ગુજરાતી પત્રકારત્વની ભાષાને એક નવી ઊંચાઈ આપી તો મોહનદાસ ગાંધીએ સાચી જોડણીનો આગ્રહ રાખી જોડણીકોશ તૈયાર કરાવ્યો. ઓગણીસમી સદીમાં પારસી પત્રકારોની બોલા સો લીખાવાળી શૈલીમાંથી ગુજરાતી અખબારો-પત્રો મુક્ત થયા.
વીસમી-એકવીસમી સદીમાં જ્ઞાન-વિજ્ઞાનની હરણફાળે અખબારો-પત્રોને ભાષાશુદ્ધિની બાબતમાં વધુ સમૃદ્ધ બનાવ્યા. ઓફસેટ મશિનમાં જોડાક્ષરો બરાબર ગોઠવાયા. પત્રકારો દ્વારા લખવામાં આવતા સમાચારોની ભાષા તથા જોડણી ચકાસવા પ્રૂફરીડર્સનો ઉપયોગ વધ્યો. વિવિધ જોડણીકોશ સરળતાથી ઉપલબ્ધ બન્યા. માધ્યમો વચ્ચે વધતી જતી હરીફાઈએ સમાચાર સહિતની સામગ્રીઓમાં ભાષા-લેખન શુદ્ધિના દ્વાર ઉઘાડ્યા. આઝાદીથી લઈ એકવીસમી સદીની શરૂઆત સુધી ગુજરાતી અખબારો-પત્રોની ભાષા શુદ્ધ રહી પરંતુ ધીમેધીમે ફરી કેટલીક બેદરકારીઓના કારણે ગુજરાતી અખબારો-પત્રોની ભાષા કથળી. કેટલાંક અખબારોને પ્રૂફરીડર્સ મળવા મુશ્કેલ બન્યા તો કેટલાંક અખબારોને પ્રૂફરીડર્સ રાખવા મુશ્કેલ બન્યા. તંત્રીઓ અને સંપાદકોએ ભાષાશુદ્ધિ પર ધ્યાન દેવાનું ટાળ્યું. છાપાનું લખાણ પાનના ગલ્લાવાળાથી લઈને પ્રોફેસરોને પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એટલે ભૈયો..ભૈયો.. આ માન્યતાનું પરિણામ એ આવ્યું કે, મોટાભાગના ગુજરાતી અખબારો-પત્રો ફરીથી ભાષાકીય ભૂલ ભરેલા પ્રસિદ્ધ થવા લાગ્યા અને ગુજરાતી અખબારો-પત્રોની ભાષા અશુદ્ધમાંથી શુદ્ધ થયા બાદ અતિ અશુદ્ધ થઈ ગઈ.
1822થી આરંભ થયેલા ગુજરાતી અખબારો-પત્રોમાં ગુજરાતી સાથે હિન્દી, ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થતો હતો. 2021માં પણ ગુજરાતી અખબારો-પત્રોમાં ગુજરાતી સાથે હિન્દી, ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થાય છે. ચિંતા ત્યાં છે કે, ગુજરાતી પત્રકારત્વના કારણે આજની અને આવનાર પેઢી શુદ્ધ ગુજરાતી વાંચી, લખી કે બોલી ન શકે એવું ન બનવું જોઈએ. એટલે જ પત્રકારે અવનવા ગુજરાતી શબ્દોના અર્થ સમજવાનો અને ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. તંત્રી-સંપાદકે સમાચાર લેખન-પ્રકાશન પર વધુ ધ્યાન આપવું પડશે. બસો શબ્દો એકને એક વાર ઉપયોગ કરી બાર પાનાંનું આખું અખબાર તૈયાર થઈ જાય છે જેમાં કોઈ નવીનતા હોતી નથી. એકને એક શબ્દો સાથે સમાચાર બદલતા રહેતા હોય છે. બસો વર્ષની ગુજરાતી પત્રકારત્વની યાત્રામાં અખબારો-પત્રોની ગુજરાતી ભાષામાં ખાસ સુધારો થયો નથી. જોકે એકવીસમી સદીના ગુજરાતી પત્રકારત્વમાં સમાચારને લોકભોગ્ય બનાવવા ક્યારેક પત્રકારો લોકબોલીની ભાષાનો ઉપયોગ કરે છે તો ક્યારેક સમયની કટોકટી હોવાથી ભાષાની શુદ્ધતા પર ધ્યાન આપી શકતા નથી તો ક્યારેક પત્રકારો એકને એક શબ્દો જ ઉપયોગમાં લેવા ટેવાયેલા હોય છે એટલે છાપાની ભાષા અશુદ્ધ અને ખામીભરેલી છે એવું લાગ્યા કરતું હોય છે. ક્યારેક ટાઈપરાઈટર કે પેઈજસેટર ઉતાવળમાં ખોટા શબ્દો લખી નાખે છે જેના કારણે શબ્દો-જોડણી કે ભાષાની ભૂલ દર્શાતી રહેતી હોય છે. ગુજરાતી પત્રકારત્વમાં આ બહુ સામાન્ય છે છતાં ગુજરાતી પત્રકારત્વમાં ભાષાશુદ્ધિ, જોડણીના નિયમો, ચોક્કસ વાક્યરચના અતિ આવશ્યક છે, છે અને છે જ. પત્રકારો સાથે ટાઈપરાઈટર કે પેઈજસેટર પણ શબ્દોની લખાણ, ગોઠવણ, ડિઝાઈન તથા પેઈજસેટિંગ સમયે ભૂલ ન કરે એ પણ એટલું જ આવશ્યક છે, છે અને છે જ.
- Advertisement -
જો ગુજરાતી પ્રિન્ટ મીડિયા સાથે ડિજીટલ મીડિયાની વાત કરવામાં આવે તો ગુજરાતી અખબારો-પત્રો સાથે ગુજરાતી ટીવી-રેડિયો ચેનલ્સ, ન્યૂઝ પોર્ટલ્સ, વેબસાઈટસ પરના સમાચારોમાં ભયંકર ભાષાદોષ જોવા મળે છે. અર્થના અનર્થ કરતા સમાચારો સતત પ્રસિદ્ધ થતા રહે છે. જેમ આજથી બસો વર્ષ અગાઉ પારસીઓ અંગ્રેજી અખબારમાંથી તરજુમાઓની ઉઠાંતરી કરી ગુજરાતીમાં લખી-છાપી અખબારો-પત્રોની ભાષા પ્રદૂષિત કરી મૂકી હતી તેમ આજે બસો વર્ષ પછી અંગ્રેજી મીડિયામાંથી સમાચારોની ઉઠાંતરી કરી ગૂગલ ટ્રાન્સલેટમાં કોપી-પેસ્ટ કરી પત્રકારોએ ભાષા તેમજ સમાચારના સ્વરૂપને વિકૃત મૂક્યા છે. ગુજરાતી પત્રકારત્વની શરૂઆતમાં પારસીઓ ગુજરાતી ભાષાના અભ્યાસી ન હતા, ગુજરાતી બીબાંની અપૂર્તિ શોધ થઈ હતી, ગુજરાતી જોડાક્ષરો ઉપલબ્ધ ન હતા વગેરે કારણે ગુજરાતી અખબારો-પત્રો કાલી-ઘેલી અશુદ્ધ ભાષામાં લખાતા-છપાતા હતા. સમય પસાર થતા સાહિત્યકારો અને સાક્ષરો કારણે ગુજરાતી પત્રકારત્વની ભાષા શુદ્ધ બની હતી. એક સમયે ગુજરાતી અખબારો-પત્રોનું શુદ્ધ ભાષામાં લેખન-પ્રકાશન શક્ય બન્યું હતું. અને આજે જૂના જમાના કરતા પણ વધુ સાહિત્યકારો અને સાક્ષરો છે. પ્રૂફરિડર્સ અને ટ્રાન્સલેટર્સ શોધવા જઈએ તો મળી જાય તેમ છે, જોડણીકોશથી લઈ સ્પેલચેકરની સુવિધા ઉપલબ્ધ છે છતાં ગુજરાતી પત્રકારત્વની ભાષા અશુદ્ધમાંથી અતિ અશુદ્ધ બની છે. અફસોસ.. બસો વર્ષ પત્રકારત્વનું ખેડાણ કર્યા પછી પણ અખબારો-પત્રોમાં ગુજરાતી ભાષાશુદ્ધિ બાબતે આપણે હતા ત્યાંને ત્યાં જ છીએ.
વધારો : ’…ગુજરાતી પત્રકારોનો શબ્દકોશ કંગાળ હોય છે. એક જણે બાગડોર શબ્દને જોરે 35 વર્ષ ખેંચી કાઢ્યાં હતાં તો બીજાએ દસ લાખ વખત આક્રોશ શબ્દને ખાંડ્યો હતો. એક જણ કાયમ દાદ માગતો અને અભિનયના અજવાળાં પાથરતો. બીજો વળી દરેક મ2ના2 વીઆઈપીને ચિરવિદાય આપતો હતો અને કોઈપણ માણસ આગમાં મરી જાય ત્યારે તેનું ભડથું બનાવી દેતો હતો. ગુજરાતી પત્રકાર હજી હાકલા, અનુરોધ, નનૈયો, અપીલ અને રદિયામાંથી બહાર નીકળી શક્યો નથી. સરિયામ અનપઢપણું એ તેનો વોચવર્ડ છે. ગુજરાતી પત્રકારને ચાલાક માણસો બ્રેકફાસ્ટ કે લંચ ઉપર બોલાવીને જે બ્રીફિંગ આપે છે એ તેઓ સ્વીકારી લે છે. અણિયાળા પ્રશ્નો પૂછવા એ પત્રકારનો પ્રથમ ધર્મ છે.
એસએનડીટીની નિર્દોષ છોડીઓ સમક્ષ પીઢ (ઉંમરમાંય નહીં અને જ્ઞાનમાં તો નહીં જ) પત્રકારો પત્રકારત્વના સુવર્ણયુગની વાતો કરે છે. વાસ્તવમાં ગુજરાતી પત્રકારત્વમાં ચાર યુગ હતા: કથીર યુગ, કથીર કથીર યુગ, કથીર કથીર કથી2 યુગ અને ચોથો? તમે સમજી ગયા હશો.’
હસમુખ ગાંધી (તંત્રીલેખ, 26-01-1989)