પંચાયતના ઉપપ્રમુખના પતિનું પણ દબાણની અરજીમાં નામ સામેલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગૌચર અને સરકારી પડતર રાજકીય નેતાઓ તથા તેના મળતીયાઓ દ્વારા કબ્જો કરી લીધો હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે ત્યારે મૂળી તાલુકાનાં સરલા ગામે પણ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી અનઅધિકૃત રીતે બાંધકામ કરવા સહિતના મામલે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા રાજકીય અને બિનરાજકીય એમ કુલ 16 ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબની અરજી કરાઇ છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર મૂળી તાલુકાનાં સરલા ગામે સરકારી જમીન પર દબાણ અંગે જાગૃત નાગરિક દ્વારા અગાઉ પણ સ્થાનિક તંત્રને રજુઆત કરેલ હતી પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદેસર જમીન દબાણ કરનાર ઈસમો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ ન હતી.
- Advertisement -
જેથી સરકારી જમીન દબાણ કરનાર 16 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબ અરજી કરવામાં આવી છે. સરકારી જમીન પર જે લોકોએ બદામ કર્યું છે અને આ તમામ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબ થયેલ અરજીમાં મોટાભાગના રાજકીય આગેવાનો હોવાનું સામે આવ્યું છે જેમાં એક મૂળી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પતિ મનસુખભાઇ ઈશ્ર્વરભાઈ પટેલ તથા ભાજપના આગેવાન રવજીભાઈ રતિલાલ પટેલનું નામ પણ નામ સામેલ છે. તેવામાં 16 ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ અરજી કરનાર જાગૃત નાગરિક રાજુભાઈ જીવણભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે ” સરલા ગામ ખાતે આવેલા સરકારી સર્વે 104ની જમીનમાં હોસ્પિટલ અથવા તો શિક્ષણ અર્થે સ્કૂલ માટે જમીન ફાળવવા અંગે અનેક વખત સ્થાનિક તંત્ર અને જિલ્લા કલેકટરને રજૂઆત કરેલ હોય પરંતુ રાજકીય આગેવાનો દ્વારા સરકારી જમીન પર કરેલ ગેરકાયદે દબાણ અને બાંધકામને લીધે હોસ્પિટલ અથવા સ્કૂલ માટે જમીન ફાળવાતી નથી”. ત્યારે સરકારી જમીન પર કરેલ દબાણ અંગે રાજકીય આગેવાનો સહિત કુલ 16 ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબ કરેલ અરજીથી સમગ્ર મૂળી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.