સૂરીલી ગાયિકા સાથે સુરીલો સંવાદ મળીએ લલિતાબેન ઘોડાદરાને…
વિદેશમાં વસતાં ગુજરાતી લોકો ઘરમાં સંતાનોને માતૃભાષામાં બોલવાનો જ આગ્રહ રાખે છે, ભાષા બચશે તો જ સંસ્કૃતિના મૂલ્યો જીવિત રહેશે
- Advertisement -
(ગતાંકથી ચાલુ)
ચાલીસ- ચાલીસ વર્ષથી તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ અને વિદેશી ધરતી પર ગુજરાતી સંગીતને ઓળખ આપી રહ્યા છે અને અનેક સિનિયર ગાયકો સાથે પ્રસ્તુત કર્યું છે ત્યારે, સવાલ યોગ્ય છે કે આજના લોકસંગીત જગતના વાતાવરણમાં અને પહેલાના સમયમાં એમને શુ ફરક લાગે છે? એ વિશે બહેન કહે છે કે મારી શરૂઆત થઈ એટલે કે લગભગ ચાલીસેક વર્ષ પહેલાં, એ સમયમાં અમે જુનિયર કલાકારો અમારા સિનિયર કલાકારોને ખૂબ આદર અને સન્માન આપતાં. એક જ સ્ટેજ પર હોઈએ તો એમનું લોકપ્રિય ગીત જ્યાં સુધી જે-તે ગાયક બેઠા હોય ત્યાં સુધી બીજા કોઈએ ન જ ગવાય એવી મર્યાદા રહેતી. વળી, એમની કલા સાથે એમની ઉંમરને વડીલપણાનું માન રાખી એમના સલાહ સૂચનો માથે ચડાવતાં. એ સમયે હરીફાઈ પણ તંદુરસ્ત રહેતી. જ્યારે, આજે આ બધી બાબતોમાં ઘટાડો થઈ રહ્યો છે.
આજના લોકસંગીતના સ્તર અને લોકસંગીતનાં ભવિષ્ય વિશે બેનના વિચારો : આજનાં લોકસંગીતના સતત નીચા જતા સ્તર વિશે બહેન ખૂબ ચિંતા વ્યક્ત કરતા કહે છે કે લોકસંગીત તો આપણી સંસ્કૃતિનો અરીસો છે, આપણી માટીની ઓળખ છે. જો એમાં જ ભેળસેળ કરીશું તો વિશ્ર્વ સમક્ષ આપણી ગરિમાને કેવી રીતે ગૌરવ અપાવી શકીશું! વળી, સંતવાણી’ કે ‘લોકડાયરો’ના બેનર હેઠળ, એની ગરિમાને હાનિ પહોંચાડે એવાં નિમ્નકક્ષાના હિન્દી ગીતો અથવા નિમ્નસ્તરના શબ્દોવાળું લોકસંગીત શું કામ પીરસવું જોઈએ? જો હિન્દી ગીત જ ગાવા/સાંભળવા હોય તો ઓરકેસ્ટ્રા પાર્ટી છે જ! અલબત્ત, બેન કહે છે કે ડાયરામાં હિંદી ગીતોને કારણે યુવાવર્ગ ડાયરા અને લોકસંગીત તરફ આકર્ષાય છે એ એક સકારાત્મક પાસું છે પણ, હિન્દી ફિલ્મો પેશ કરવા જ હોય તો કંઈક અર્થસભર, ચોક્કસ સ્તરના જ ગાવા જોઈએ એવું હું દ્રઢપણે માનું છું.વળી, જે નવું નવું છીછરું આવે છે એનો એક નાનો વર્ગ છે એની સમાંતરે આપણું અસલનું સંગીત, સંતોની અનુભૂતિની વાણી જેવા ભજનો તો શાશ્વત સત્ય છે, જે ક્યારેય લુપ્ત નહિ થાય, અલબત્ત, સારું અને અસલનું શુદ્ધ પીરસવું એ જવાબદારી કલાકારની જ છે.
ઈંગ્લીશ મીડીયમનાં અભ્યાસનાં મારા વચ્ચે માતૃભાષાનું ઘટતું જતું ચલણ ચિંતાનો વિષય તો છે જ પણ સમાંતરે અમારા જેવા લોક કલાકારો સતત સંસ્કૃતિ બચાવવાનું કાર્ય
કરતા રહે છે. અમે માટીની સુગંધ અમારી કલામાં જાળવી રાખી છે તો બીજા અનેક મહાપુરુષ, જેમ કે મોરારીબાપુ વગેરે.. સંસ્કૃતિના રક્ષણ માટે અલગ અલગ રીતે સક્રિય છે તો કૌટુંબિક સ્તરે પણ મેં જોયું છે કે અમેરિકા આફ્રિકા જેવાં દેશમાં વસતાં ગુજરાતી લોકો ઘરમાં સંતાનોને માતૃભાષામાં બોલવાનો જ આગ્રહ રાખે છે જે ઘણું આવકાર્ય અને સંતોષજનક છે. હું તો માનું છું કે ભાષા બચશે તો જ સંસ્કૃતિના મૂલ્યો જીવિત રહેશે અને એ માટે હું મારા જુનિયર કલાકારોને પણ કહેતી રહું છું કે, શુદ્ધ પીરસો. તો બીજી બાજુ દરેક નાગરિકની પણ એ ફરજ છે.
- Advertisement -
લલિતાબેનને શું ગાવું વધુ ગમે? : લોકગીત- લગ્નગીત-ભજનો બધી જ ગાયકીમાં લલિતાબેનની જમાવટ છે. દરેકમાં એનો શ્રોતા એને પસંદ કરે છે પણ એમને ખુદને શેનો વિશેષ લગાવ છે એવું પૂછતાં તેઓએ કહ્યું કે, નાનપણથી રોજ રોજ કાને પડતાં ભજનો, માતા પિતા જે ભાવથી ભજનો સાંભળતા અને વાતાવરણ ભજનમય બની જતું. આમ, ભજન મારા જીવન સાથે વણાઈ ગયાં છે. સંત પરંપરાનાં આપણાં ભજન સંતોની અનુભૂતિની, કંઈક પામ્યા પછીની વાણી છે. પાનબાઈ, ગંગાસતી, મીરા, નરસી, રવિસાબ, જીવણ બાપુ, અનેક સંત કવિઓના ભજનો મેં ગાયાં છે. બધા જ મને પ્રિય છે પણ ગંગાસતી સાથે મને વિશેષ પ્રીતિ છે. ગંગાસતીના બાવન ભજનો મારા હૃદયની ખૂબ નજીક છે. એમના ભજનો કેવળ શબ્દ નથી, તેમણે યોગસાધના વડે પરમાત્મા તરફથી મેળવેલું જ્ઞાન છે, જે નાનપણથી અત્યાર સુધી ખૂબ ગાયાં છે. આજ સુધી મારો ભજનનો એકપણ કાર્યક્રમ એવો નહિ હોય કે જેમાં મેં ગંગાસતીનું એક ભજન પણ ગાયું ન હોય! એ પછીની વાત કરું તો લગ્નગીત મને ગમતી વાત છે. દીકરી વિદાય અને નવજીવનના પ્રારંભનો, માનવીય સંવેદના સાથે જોડાયેલો જીવંત પ્રસંગ છે. ભજન પછી સૌથી વધુ પ્રોગ્રામ હું લગ્નગીતોના કરું છું.
અનેકોના લોકપ્રિય ગાયિકાનાં પ્રિય ગાયકો : લતા દીદી…સામાન્ય વ્યક્તિથી લઈને દરેક ગાયકના પ્રિય હોય જ …એ સિવાય આશા ભોંસલે, આબીદા પરવીન, નુસરત ફતેહઅલી, ગુલામઅલી, જગજીત સિંઘ.. ગુજરાતીમાં સુગમસંગીતના અનેક ગાયકો, ઉપરાંત દિવાળીમા(દિવાલીબેન ભીલ) દમયંતી બેન, કાનદાસ બાપુ, નારણ બાપુ, હેમંતભાઈ ચૌહાણ..વગેરે અનેક ગાયકો મારા પ્રિય છે. સેમી ક્લાસિકલ લતાદીદીના ખૂબ ગમે તો શાસ્ત્રીય સંગીતમાં હું અબીદા પરવીન નુસરતફતેહ વગેરેને ખૂબ બારીકીથી સાંભળું છું, એમની અદાયગી અને હરકતો સમજીને ક્યાંક ને ક્યાંક મારી ગાયકીમાં એનો પ્રયોગ કરું છું.
શાસ્ત્રીય સંગીતની તાલીમ લોકસંગીતમાં કંઈ રીતે ઉપયોગી થાય છે : શાસ્ત્રીય સંગીતની તાલીમ મને અને મારી ગાયકીને વધુને વધુ પરિપક્વ કરતી રહે છે. ભજન અને લોકગીતો નિશ્ચિત રાગમાં જ ગવાતા હોય છે. પણ, તાલીમ લીધા પહેલા એ સમજ નહોતી કે હું ક્યાં રાગમાં ગાઈ રહી છું, અને એ રાગની પ્રસ્તુતિની વિશેષ કાળજી, એના નિયમો વગેરે વિશે માહિતી નહોતી. પછીથી એ જ્ઞાન મારી ગાયકીમાં ઉમેરાતા વ્યક્તિગત રીતે ગાયકીની મારી સમજ વધી છે. વળી, દરેક રાગનું વિશેષ વાતાવરણ અને ચોક્કસ સમય હોય છે, મારા ગુરુજી કાનદાસ બાપુ કહેતા કે સમય વગરની બાણી અને સમય વગરનો રાગ આલાપીએ તો સરસ્વતી રુઠી જાય! આ બધી બાબતો મને શાસ્ત્રીય સંગીતે શીખવી છે.
સંગીતનું એમની દૃષ્ટિએ શું મહત્વ છે: બહેન કહે છે કે સંગીત મારા માટે ફક્ત સ્થૂળ તાલીમ નથી, મારુ જીવન, મારી સાધના છે. સંગીત અદભૂત ચીજ છે જે વ્યક્તિને પરમતત્વની સાથે જોડે છે. ખુશીમાં કે નિરાશામાં સંગીત હંમેશા મારી સાથે રહ્યું છે. કોઈ માનસિક ખેંચતાણ
અનુભવતી હોઉં ત્યારે હાર્મોનિયમ લઈને બેસી જઉં છું અને પછી બધા જ દુ:ખ હવામાં ઉડી જાય છે! આમ પણ, રાગ દરબારી અને કલ્યાણ રાગ બીમારી પર કામ કરે છે એ સિદ્ધ થઈ ચુકેલી વાત છે.
સફળતાનાં સાથી : સૌ પ્રથમ તો મારા માતા પિતા… જો તેઓનો સાથ ન હોત તો હું આજે અહીં ન હોતે! પિતાએ વિષમ સંજોગોમાં મને સતત સાથ આપ્યો. શરૂઆતમાં, આજુબાજુના ગામડામાં મારા પ્રોગ્રામ હોય અથવા મારે બીજા કોઈને સાંભળવા જવું હોય તો તેઓ સાથે આવે. આખી આખી રાતના ઉજાગરા પછી હું તો ઘરે આવીને સુઈ જઉં પણ એમને તો તરત નોકરી પર જવાનું! વળી, રૂઢિવાદી અમારી જ્ઞાતિના નિયમો અને તથાકથીત મૂલ્યોની સામે પાર તરીને તેમણે મારી પ્રતિભાને બહાર આવવા દીધી.શરૂઆતમાં અમારી જ્ઞાતિમાં સખત વિરોધ થયો કે આપણી દીકરી જાહેરમાં ગાય? હું આ બધું સાંભળીને તદ્દન નિરાશ થઈને મેં પ્રોગ્રામ લેવાનું છોડી દીધું. કાકાને જાણ થતાં તેઓ મારા પિતાને કહ્યું કે તે કોઈ દબાણ કર્યું છે? ત્યારે પિતાએ મને સમજાવ્યું કે અત્યારે તો ફક્ત આપણી જ્ઞાતિ તારો વિરોધ કરે છે, જેમ જેમ આગળ વધીશ એમ એમ વિઘ્નો પણ વધતા જશે, તો શું તું એ બધાથી ડરીને તારું સપનું મૂકી દઈશ? એ નાજુક સમયે પિતાએ મને ખુબ સમજાવીને ફરી સ્ટેજ સુધી પહોંચતી કરી. માતાએ પણ નાનપણથી મને ગાયિકા બનવાના સપના જોયા જતા અને તે માટે સતત પ્રોત્સાહન સાથે જોઈતી બધી જ અનુકૂળતા તેઓ ઉભી કરી આપતાં
એ પછી મારી શાળાનો શિક્ષકગણ અને બહેનપણીઓ કે જેણે મારામાં વિશ્વાસ જાગૃત કર્યો. મારા સંગીત ગુરુજન, મારા અધ્યાત્મ ગુરુ કે જેમની પાસેથી મેં મંત્રદીક્ષા લીધી છે એ કાશ્મીરી બાપુ, મારા પ્રેરણાગુરુ કાનદાસ બાપુ, અને મારું ભાગ્ય કે જેણે સંઘર્ષ વચ્ચે પણ મને સફળતાની રાહ દેખાડી!
ધન્યતા : ગુરુ કાનદાસ બાપુ કે જેને નાનપણથી સેવ્યા હતાં, એમનું સાનિધ્ય અને સ્નેહ મળ્યા. એમની સમક્ષ પ્રત્યક્ષ ગાવાનો મોકો મળ્યો અને એમના જ આશીર્વાદ કે બેટા, તું ખૂબ આગળ વધીશ…’ એ દિવસથી મેં પાછું વળીને જોયુ નથી. આ સફળતા અને સ્થાન એમની જ કૃપાપ્રસાદી છે.(સાંભળતાં જ ભાવસમાધી લાગી જાય એવું મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવીયા…’ કદાચ બહેન કાનબાપુ માટે જ ગાતાં હશે!) પુરોગામી હેમુ ગઢવી, કાનજી ભુટા બારોટ, નારણ બાપુ(નારાયણ સ્વામી), દિવાળીબા.. એમણે અઢળક વાવ્યું છે અને મેં લણ્યું છે, એમના જેવો સંઘર્ષ મારે નથી કરવો પડ્યો, એમણે લોકસંગીત-,સંતવાણીનો ચાહકવર્ગ ઉભો કરી આપ્યો જેણે મને આવકારી છે, એ બદલ એ બધાની આભારી છું. મારા સિનિયર કલાકારોનો નિતાંત સ્નેહ મને મળ્યો.જેને સાંભળી સાંભળીને મારી ગાયકી ઘડાઈ છે એવા દમયંતી બેન, દિવાળીબા, વગેરેનો સ્નેહ, બધાએ મને સ્વીકારી છે. ક્યારેય પણ કંઈક અવઢવ હોય કશું ન સમજાતું હોય તો હું મીનાબેન પટેલ, ભારતીબેન વ્યાસ, ભારતી બેન કુંચાલા વગેરેને પૂછી શકું એવો એમનો સ્નેહ મળ્યો! ખાસ કરીને હેમંત ભાઈ ચૌહાણનું માર્ગદર્શન ક્યારેય ન ભૂલી શકું! કોઈ ગીતના રાગ કે ઢાળ ન સમજાતો હોય, શબ્દ ન સમજાતો હોય કે કોઈપણ પ્રકારની અવઢવ હોય તો અડધી રાત્રે પણ એમને ફોન કરી શકું! હમેશા મારી બાજુમાં સપોર્ટ બનીને ઉભા રહેલા આ બધા મહાનુભાવો થકી હું ધન્ય છું. સૌથી વધુ આભારી છું મારા સમૃદ્ધ સંત કવિઓ કે એમણે પોતાની અનુભૂતિને ભજનમાં એવી તો ઢાળી કે આજે ઘણીવાર હું ભજન ગાતી હોઉં ત્યારે ભૂલી જાઉં છું કે હું સ્ટેજ ગાઈ રહી છું..ભાવસમાધી માં ડૂબી જાઉ છું અને આંખમાંથી આંસુ વહેવા લાગે છે…આ એમની સિદ્ધ બાનીની અસર છે.તો બીજી તરફ મને સાંભળનાર શ્રોતા પણ એવા ભાવક કે તેઓ પણ મારી સાથે ભાવસમાધીમાં ડૂબી જઈને સૌની આંખોમાંથી આંસુ વહે ..આ માત્ર સંગીત જ કરી શકે.. હું મારા શ્રોતાગણની હૃદયપૂર્વક આભારી છું. લગ્નગીતના પાંચેક આલ્બમ અસલના તળપદી ગીતો સાથે મેં કર્યા છે,એમાં એક વખત એક લગ્નગીતનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું અને તેં આલ્બમના પ્રોડ્યુસર પણ ત્યાં હાજર હતાં.. મારુ ગીત સાંભળીને તે ચોધાર આંસુએ રડવા લાગ્યા.કહે કે, બહેન તમે તો ગજ્જબ કરી, મને તો એવું લાગ્યું કે જાણે હું મારી દીકરીને વિદાય કરી રહ્યો છું! કલાકાર માટે આનાથી વધુ ધન્ય પળ કે મોટો પુરસ્કાર બીજો શું હોય શકે!
મહત્વકાંક્ષા : ગુજરાત સંગીત નાટ્ય અકાદમીની સરકાર સાથેની સામાજિક જાગૃતિની સંયુક્ત પ્રવૃત્તિ જેવી કે વૃક્ષારોપણ, પાણી બચાવો, બેટી બચાવો દરેક અભિયાનમાં લલિતાબેનનો સંગીતમય સાથ રહ્યો છે,જે ગૌરવની વાત છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા,ઇંગ્લેન્ડ, શારજહાં, અરે..જ્યાં જ્યાં ગુજરાતી એ બધાં જ દેશોમાં અઢળક પ્રોગ્રામ, આકાશવાણી અ હાઈ ગ્રેડ આર્ટિસ્ટ, ગુજરાત ગૌરવ પુરસ્કાર, શ્રેષ્ઠ પાર્શ્વગાયન, ગુજરાતી ફિલ્મસમાં પ્લેબેક… હવે બસ એ જ અપેક્ષા કે સંગીત થકી સંસ્કૃતિનું જતન કરતી રહું, ભવ્ય ભજન પરંપરા અને લોકસંગીતની ધરોહર જીવિત રાખવામાં સતત કશુંક ઉમેરતી રહું. બધા જ ભૌતિક સુખો મળ્યા છે પણ સુખ દુ:ખ મેં સમતા..’એ મારી ભજનબાનીને જીવી જાણું .. હા, દરેક કલાકારનું સ્વપ્ન દેશના સર્વોચ્ચ સન્માન હોય એમ મારુ પણ સ્વાપ્ન પદ્મશ્રીનું છે, મારી કલાસાધના મને એ માટે યોગ્ય બનાવે એવા પ્રયત્ન અને મહેનત સતત કરતી રહું એ જ મારી અપેક્ષા…
ખૂબ જ સાલસ, મૃદુભાષી, અને સૌજન્યશીલ લલિતાબેનનું વ્યક્તિત્વ એમની ગાયકી જેવું જ મધુરું છે.
એમની ગાયકીમાં સૌરાષ્ટ્રની રસધાર વહે છે. કંઠમાં કામણ છે, ગજ્જબની મોહીની છે..સદગુરુ તમે મારા તારણહાર… હોય કે, કુંજલડી જજો રે…કે વીજળીને ચમકારે કે પછી મેં તો સિદ્ધ રે જાણીને .કે ઘમ્મર ઘમ્મર મારુ વલોણું… હોય એમની આગવી શૈલી, લહેકો દરેક ગીતને વિશિષ્ટ બનાવે છે. એમની સાથે મનભરીને વાતો કર્યા બાદ હું એમના ઘરેથી આભારવશ વિદાય લઉ છું