જૂનાગઢનાં સોની દંપતીએ ઇનામી યોજનાનાં નામે 200 થી વધુ લોકોનું ફૂલેકું ફેરવી નાખ્યું
ઇનામી યોજનાની સ્કીમ ચલાવી ચાર લોકોનાં 6.31 લાખ ઓળવી ગયા, પોલીસ ફરિયાદ થઇ
- Advertisement -
શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સોની વેપારી ઉઠી ગયાની ચર્ચા ચાલતી હતી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં લક્ષ્મી જવેલર્સ નામની પેઢી ઉઠી જતા અનેક લોકોનાં શ્ર્વાસ અધ્ધર થઇ ગયા છે. સોની વેપારી દ્વારા ઇનામી યોજનાની સ્કીમ ચલાવી લોકો પાસેથી લાખો રૂપિયા એકઠા કર્યાં હતાં. બાદ અચાનક દુકાને તાળા મારી ગાયબ થઇ ગયા છે. જૂનાગઢનાં ચાર લોકોનાં 6.31 લાખ ઓળવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે ચર્ચા જાગી છે. જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોનો સોની વેપારીની પેઢી ઉઠી ગયાની ચર્ચા ચાલતી હતી.અંતે પોલીસ ફરિયાદ નોંધાતા ચર્ચાનો અંત આવ્યો છે. આ ઇનામી યોજનામાં 200 લોકો હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળી વિગત મુજબ જૂનાગઢનાં નાગરવાડામાં આવેલ લક્ષ્મી જવેલર્સનાં બીપીનભાઇ ધોળકીયા અને ઉષાબેન બીપીનભાઇ ધોળકીયા સોના-ચાંદીના દાગીના લે-વેચનો વેપાર ધંધો કરી હતાં અને સાથે ઠાકોરજી ગૃપ નામની ઇનામી યોજના સ્કીમ ચલાવતા હતાં. આ ઇનામી યોજના નામે લોભાણી સ્કીમ બહાર પાડી ઇનામી ડ્રો બહાર પાડવાના બહાના હેઠળ કોઇ ગ્રાહકના પૈસા જશે નહી. તમામ ગ્રાહકોને પૈસા અથવા સોનાના દાગીના મળી જશે,તેવો વેપારી તરીકે વિશ્ર્વાસ આપ્યો હતો. બાદ જૂનાગઢનાં ગૌતમભાઇ હરસુખભાઇ કતકપરા પાસેથી રૂપિયા 10,500 તથા સોનાના દાગીના જેમાં રાઇણ ડીઝઇનની માળા, તથા સોનાનો હાંસડી હાર તથા સોનાના બુંટીયા જેનુ વજન આશરે પાંચ તોલા જેની કિંમત રૂપિયા 2,00,000, માયાબેન રાઠોડ પાસેથી રૂપિયા 1,50,800, હેમાંગભાઇ ચુડાસમાં પાસેથી રૂપિયા 1,20,000, તેજષભાઇ ચુડાસમાં પાસેથી રૂપિયા 1,50,000 સ્કીમના હપ્તા મેળવી કુલ રૂપીયા 6,31,300 છેતરપીંડી કરી આજદીન સુધી પૈસા કે સોનાના દાગીના લઇ નાશી ગયા છે. આ અંગે મિસ્ત્રીકામ કરતા ગૌતમભાઇ હરસુખભાઇ કતકપરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે,દશ વર્ષ પહેલા કુભારવાડામાં રહેતા ત્યારે લતામાં લક્ષ્મી જવેલર્સનાં બીપીનભાઇ ધોળકીયા તેના પરિવાર સાથે રહેવા આવ્યાં હતાં. બાજુમાં રહેતા હોવાનું બીપીનભાઇને સારી રીતે ઓળખું છું. બીપીનભાઇ નાગરવાડામાં લક્ષ્મી જવેલર્સ નામની પેઢી ચલાવી સોના-ચાંદીનાં દાગીનાની લે-વેચ કરે છે અને સાથે ઠાકોરજી ગૃપ નામની ઇનામી યોજના સ્કીમ ચલાવતા હતાં. ઇનામી સ્કીમમાં દર મહિને 1200 રૂપિયાનો હપ્તો ભરવાનો હતો અને આવા 24 હપ્તા ભરવાનાં હતાં. દર મહિને એક વાર તેની દુકાને ડ્રો થતો હતો. ઇનામી નંબરમાં ડ્રો લાગે તેને હપ્તો ભરવાનો નહી. જેટલા રૂપિયાનાં હપ્તા ભરાયા હોય એટલા રૂપિયાનાં સોનાનાં દાગીનાં બનાવી આપતા હતા. તેમજ 24 હપ્તા ભર્યા બાદ ઇનામી ડ્રોમાં નંબર ન આવે તો તેટલા રૂપિયાનાં સોનાનાં દાગીના બનાવી આપતા હતાં. મે છેલ્લા આઠ વર્ષમાં 4 વખત ઇનામી યોજનામાં લાભ લીધો હતો. અને સોનાનાં દાગીના બનાવળાવ્યાં હતાં. ફરી માર્ચ 2022ની ઇનામી યોજનામાં જોડાયો હતો અને દર મહિને 1500 રૂપિયાનો હપ્તો ભરતો હતો. આમ કુલ 7 હપ્તા ભર્યા હતાં.બાદ 21 સપ્ટેમ્બર 2022નાં અમારા પાડોશી માયાબેન રાઠોડે કહ્યું કે, બીપીનભાઇ પોતાની લક્ષ્મી જવેલર્સ દુકાનને તાળા મારી તેમના પરિવાર સાથે જૂનાગઢ મુકીને ભાગી ગયા છે. બાદ તપાસ કરતા હેમાંગભાઇ ચુડાસમા,તેજષભાઇ ચુડાસમાએ પણ ઇનામી યોજનામાં હપ્તા ભર્યાં હતાં. માયાબેનનાં 1,50,800 રૂપિયા, હેમાંગભાઇનાં ચુડાસમાનાં 1.20 લાખ, તેજષભાઇ ચુડાસમાનાં 1.50 લાખ મળી કુલ રૂપિયા 6,31,300 લઇ નાસી ગયા છે. અને લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તેમજ ગૌતમભાઇએ જણાવ્યું હતું કે,200થી વધુ લોકો ઇનામી યોજનામાં હતાં.
- Advertisement -
સેમ્પલ બતાવવાનાં નામે સોનાનાં દાગીના લઇ ગયા
ગૌતમભાઇને 25 દિવસ પહેલા બીપીનભાઇ ધોળકીયાએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, મારી પાસે બનાવેલા સોનાની રાઇણ માળા, સોનાનો હાસળી હાર, સોનાનાં બુટીયા આપી જાવ. એક ગ્રાહક આવ્યાં છે તેને ડીઝાઇન બતાવવી છે. બાદ ગૌતમભાઇ સોનાનાં દાગીના આપી આવ્યાં હતાં. આશરે પાંચ તોલાનાં દાગીના લઇને બીપીનભાઇ ધોકળીયા નાશી ગયા છે.
ઇનામી યોજનાનાં કાર્ડમાં કયારે તેના પત્ની સહિ કરતા
પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, બીપીનભાઇ હાજર ન હોય તો ઇનામી યોજનાનાં હપ્તાનાં કાર્ડમાં તેના પત્ની ઉષાબેન સહિ કરી આપતા હતાં અને રૂપિયા લઇ લેતા હતાં.
ચાર નામ સામે આવ્યા, વધુ નામ ઉમેરાય તેવી શક્યતા
હાલ તો ભોગ બનેલા ચાર લોકોએ પોલીસમાં નામ અને પોતાની રકમ નોંધાવી છે. હજુ અન્ય નામ પણ ઉમેરાવાની શકયતા છે. વેપારીઓનો અન્ય લોકો પણ ભોગ બન્યાની ચર્ચા ચાલી રહી છે. પોલીસ તપાસમાં અન્ય ભોગબનનારનાં નામે સામે આવે તેવી શકયતા છે.