વિરોધી નેતા પસંદ ના કરવાની ચીનની ધમકીને જનતાનો જવાબ
ખાસ-ખબર સંવાદદાતા
તાઇવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી, આ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ચીનના કટ્ટર વિરોધી સત્તાધારી પક્ષ ડીપીપીની જીત થઇ છે. અને ચીનને આડેહાથ લેનારા લાઇ ચિંગ તે તાઇવાનના નવા રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. સતત ત્રીજી વખત તેમના પક્ષે તાઇવાનમાં સત્તા પ્રાપ્ત કરી છે. ચીન વારંવાર તાઇવાન પર હુમલાની ધમકી આપતુ રહ્યું છે. આ ચૂંટણી પૂર્વે જ ચીને તાઇવાનની જનતાને ચીન વિરોધી નેતાને પસંદ ના કરવાની ધમકી પણ આપી હતી. જોકે તાઇવાનની જનતા આ ધમકીને ઘોળીને પી ગઇ અને ડ્રેગનને પડકાર ફેકવા તેના વિરોધી નેતાને દેશની કમાન સોંપી છે.
તાઇવાનના રાષ્ટ્રપતિ બનવા જઇ રહેલા લાઇ ચિંગ તેને 50 લાખથી વધુ મત મળ્યા હતા. સાથે જ 40 ટકાથી વધુ વોટશેર પણ પ્રાપ્ત કર્યા હતા. ચીનમાં તાઇવાનના રાષ્ટ્રપતિની ચૂંટણીની પણ અસર જોવા મળી હતી. ચીને આ ચૂંટણીને શાંતિ અને યુદ્ધ બન્નેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવા તરીકે દર્શાવી હતી. હવે તાઇવાનની જનતાએ કટ્ટર ચીન વિરોધી નેતાને સત્તાની કમાન સોંપી છે. જેને પગલે ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઇ શકે છે. ચીને તાઇવાનની સરહદો આસપાસ અનેક વખત યુદ્ધાભ્યાસ કર્યા છે, ગયા વર્ષે તાઇવાનની સરહદમાં યુદ્ધ વિમાનો પણ ઘૂસાડયા હતા. લાઇ ચિંગ પોતાના પ્રચારમાં ચીનની દાદાગીરીનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે અગાઉ તેઓ અનેક વખત ચીનની જાહેરમાં ટીકા પણ કરી ચુક્યા છે.
તાઇવાનની જનતાએ ચીનની ધમકીઓને જડબાતોડ જવાબ આપીને એક મજબૂત ચીન વિરોધી નેતાને રાષ્ટ્રપતિ પદની કમાન સોપવાનું નક્કી કરીને જંગી બહુમતથી જીત અપાવી છે. જોકે તાઇવાનમાં ડ્રેગન વિરોધી પાર્ટીની જીતની અસર ચીનમાં શરૂ થઇ ગઇ છે.