કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના હાજર રહેશે
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય આયોજિત ’લાડકડીના લગ્ન’ આઠમા સમૂહલગ્ન સમારોહનું આયોજન તા.02/02/2024ને શુક્રવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને હંસરાજ સવજીભાઈ રાદડીયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન જામકંડોરણા ખાતે કરવામાં આવ્યુ છે. આ સમૂહ લગ્ન સમારોહમાં 351 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે અને સમૂહ લગ્નમાં વરઘોડીયાને ઘરની તમામ 121 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.
આ સમૂહલગ્ન પ્રસંગે તા.2 ફેબ્રુઆરીને શુક્રવારે જાન આગમન બપોરના 2.30 કલાકે થશે. ત્યાર બાદ ભવ્ય વરઘોડો બપોરના 3 વાગ્યે નીકળશે. દાતાઓનો સત્કાર સમારંભ અને આશીર્વચન સાંજના 4 વાગ્યે આપવામાં આવશે. જ્યારે હસ્ત મેળાપ સાંજના 5 વાગ્યે, ભોજન સમારંભ સાંજના 6 વાગ્યે તેમજ ક્ધયા વિદાય સાંજના 8 વાગ્યે થશે. આ પૂર્વે આવતીકાલે ભવ્ય રાસોત્સવ રાત્રે 8 વાગ્યે રાખવામાં આવ્યો છે.
આ સમૂહલગ્ન પ્રસંગે ખાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ નરેશ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ નાથદ્વારાના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અમદાવાદના આગેવાનો, સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, ઉદ્યોગપતિઓ, શ્રેષ્ઠીઓ, દાતાઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજરી આપશે.