દિવાળીના તહેવારોનો સૌથી છેલ્લો તહેવાર લાભ પંચમી ગણાય છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એ ઉપરાંત આ દિવસે ઘર કે વ્યવસાયના સ્થળોએ જઈને ઉંબરા ઉપર ‘શુભ’, ‘લાભ’ જેવા શબ્દો લખવામાં આવે છે. સાથે જ ઘર કે ઓફિસના દરવાજા પર સ્વસ્તિક (સાથીયા)નું ચિહ્ન પણ અંકિત કરવામાં આવે છે. આ દિવસને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
જૈન સમાજમાં લોકો આ દિવસે સરસ્વતી માતાની ઉપાસના કરે છે. હિંદુ વૈદિક પરંપરા અને જૈન પરંપરા (તે પણ વૈદિક પરંપરાનો જ એક ભાગ છે) પ્રમાણે લાભ પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા મનાય છે. વૈદિક ધર્મની લાભ પંચમી સામાન્ય રીતે જૈન સમાજમાં જ્ઞાન પંચમી બની રહે છે. વૈદિક પરંપરા અનુસાર તે દિવસે માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.
- Advertisement -
લાભ પાંચમના દિવસે ‘શ્રીસૂક્ત’નો પાઠ કરવાનું ઘણું મહત્વ છે. આ વૈદિક સૂક્ત માતા લક્ષ્મીને સમર્પિત છે. લાભપાચમ કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે, તેથી દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલ વેપાર-ધંધાનો શુભારંભ લાભપંચમીથી થાય છે. કાળા ધનના તામસી માર્ગમાંથી ઉજળી સંપત્તિ અને જ્ઞાનના પ્રકાશમાં પ્રસ્થાન કરવાનું પુરુષાર્થ પર્વ એટલે લાભપંચમી કે જ્ઞાનપંચમી. લાભ પંચમીને સામાન્ય રીતે દિવાળીના તહેવારોનું અંતિમ પગથિયું ગણવામાં આવે છે. જૈન સમાજ અને ખાસ કરીને વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં તેનું વિશેષ મહત્વ જોવા મળે છે.