ક્વૉલિફાયર-2માં કોલકાતાએ દિલ્હી સામે ત્રણ વિકેટે વિજય મેળવ્યો, દિલ્હી 5/135, કોલકાતા 7/136
કોલકાતા ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી : શુક્રવારે ચેન્નઈ સાથે ટ્રોફી માટે ટકરાશે
છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલા ક્વોલિફાયર-2 મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવીને IPL લીગમાં ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. દિલ્હીની ટીમને તેના બંને પ્લે ઓફ મુકાબલામાં પરાજય મળ્યો છે. કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ પાંચ વિકેટે 135 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ એક બોલ બાકી રાખીને સાત વિકેટે 136 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. કોલકાતાને છેલ્લી ઓવરમાં વિજય માટે સાત રન બનાવવાના હતા પરંતુ અશ્વિને ત્રીજા બોલે શાકિબને તથા ચોથા બોલે સુનીલ નરૈનને આઉટ કરીને દિલ્હીના વિજયની સંભાવના ઊભી કરી હતી. બે બોલમાં કોલકાતાને વિજય માટે છ રન બનાવવાના હતા અને રાહુલ ત્રિપાઠીએ પાંચમા બોલે છગ્ગો ફટકારીને કોલકાતાને વિજય અપાવી દીધો હતો.