રિસર્ચ ફૉર રિસર્જન્સ ફાઉન્ડેશન (RFRF) દ્વારા નદીઓના સંરક્ષણ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન
‘નદી કો જાનો’ સ્પર્ધાના વિજેતાઓને એક લાખ સુધીનું ઇનામ આપશે RFRF ફાઉન્ડેશન
ભારતીય શિક્ષણ મંડળ દ્વારા પ્રેરિત સંસ્થા રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશને અખિલ ભારતીય સ્તરે ‘નદી કો જાનો’ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં ભાગ લેનાર સંસ્થાઓને એક લાખ સુધીનું ઇનામ મળશે. સ્પર્ધામાં સામેલ થવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2021 છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે આ લિંક https://conferencebsm.com/nkj પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન તમામ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક, તકનીકી અને શૈક્ષણિક સંશોધન દ્વારા માનવતા અને પર્યાવરણના રક્ષણ માટે ઉકેલો પૂરા પાડવાનું કામ કરે છે. ભારતીય શિક્ષણ મંડળ ભારત કેન્દ્રિત ભારતીય શિક્ષણ પ્રણાલીનું મોડેલ તૈયાર કરવાના હેતુથી કામ કરે છે. આપણી બાજુમાં વહેતી નદીનો અંત કઈ રીતે થયો, નદીઓ નાળામાં કેવી રીતે પરિવર્તિત થઈ, કેટલીક જગ્યાએ તેમના પર વસાહતો પણ વસાવી દેવામાં આવી. આ વિષયોને ધ્યાનમાં રાખીને, નદીઓ પ્રત્યે જનજાગૃતિ લાવવા, તેના રક્ષણ, પર્યાવરણ સાથે યુવા શક્તિને સાંકળવાના ઉદ્દેશથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનનો શુભારંભ 25 જુલાઈ 2021 ના રોજ ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવ્યો. ત્યારથી લઈને આજ સુધી ‘નદી કો જાનો’ અભિયાનને ખૂબ જ ઉત્સાહવર્ધક પ્રતિસાદ મળી રહ્યો છે. દેશના 25 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશોની 2203 સંસ્થાઓના 25,000 કરતા વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અશિકારીઓ તથા કર્મચારીઓએ આ અભિયાનમાં ભાગ લીધો છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી), અખિલ ભારતીય ટેક્નિકલ અભ્યાસ પરિષદ (એઆઇસીટીઈ), નેશનલ બોર્ડ ઓફ એક્રેડીએશન (એનબીએ), નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ, દિલ્હી વિશ્વવિદ્યાલય સહિત દેશની અન્ય મુખ્ય સંસ્થાઓની સાથે-સાથે મહાવિદ્યાલયો તથા વિદ્યાલયો દ્વારા પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ અભિયાનની સફળતા માટે દિલ્હી વિશ્વવિદ્યાલય, નવી દિલ્હી, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા સહિત અન્ય વિશ્વવિદ્યાલયોએ પોતાની સંસ્થાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે.
આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગીરી મહારાજજી, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ન્યાસના કોષાધ્યક્ષ ગોવિંદગિરિજી મહારાજજી, સત્સંગ સંસ્થાન, બેંગાલુરુના શ્રી એમ સહિત અનેક વિશ્વ વિદ્યાલયોના કુલપતિઓ અને સમાજના અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આ અભિયાનના સમર્થન તથા પ્રોત્સાહન માટે વિડિયો સંદેશાઓ મોકલ્યા છે.
સ્પર્ધાને બે સ્તરોમાં વહેંચવામાં આવી છે. એક સંસ્થાકીય બીજી વ્યક્તિગત. શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષકો અને કાર્યકરો સંસ્થાકીયમાં ભાગ લઈ શકે છે. સંસ્થાકીય કેટેગરીમાં દરેક સંસ્થામાંથી ઓછામાં ઓછા 250 સ્પર્ધકોની સંખ્યા જરૂરી છે. જેના માટે માત્ર 25 રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે. સંસ્થાકીય સ્તરે, સ્પર્ધાના વિજેતાઓને જલ સંરક્ષક માટે રૂ. 1 લાખ, જલોપાસક માટે રૂ. 51 હજાર અને જલ સાથી માટે રૂ. 21 હજારના પુરસ્કારની રકમ આપવામાં આવશે. જ્યારે વ્યક્તિગત કેટેગરીમાં, દરેક રાજ્યમાંથી 18 વર્ષ સુધીની ઉંમર સુધીના જલ બાળ મિત્રને 5 હજાર રૂપિયા, દરેક રાજ્યમાંથી 18 થી 25 વર્ષ સુધીની ઉંમર સુધીના જલ યુવા મિત્રને 5 હજાર રૂપિયા, દરેક રાજ્યમાંથી 18 વર્ષથી વધુ ઉંમરના જલ મિત્રને રૂ. 5 હજાર, ઇનામી રકમ તરીકે આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે, https://conferencebsm.com/nkj ની વેબસાઈટ પર નોંધણી કરાવવાની રહેશે.
સ્પર્ધકોએ નદીની ભૌગોલિક, સાંસ્કૃતિક, પુરાતત્વીય રીતે તેના ઉદગમ સ્થાનથી લઈને વિલીનીકરણની જગ્યા સુધીની સંપૂર્ણ માહિતી જીપીએસ લોકેશન સાથે પ્રદાન કરવાની રહેશે.
જળ એ જીવન છે. માનવ શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓ નદીઓના કાંઠે વિકસી છે. તેથી જ નદીઓને જીવનવાહક તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં નદીઓની હાલત દયનીય છે. તેનું સૌથી મોટું કારણ નદીઓ પ્રત્યે સમાજની ઉદાસીનતા છે. આ સ્પર્ધા ‘નદી કો જાનો’ સમાજ અને યુવા પેઢીને નદીઓ વિશેના તેમના મર્યાદિત જ્ઞાનમાં વધારો કરીને નદીઓ સાથે તેમના સીધા જોડાણના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવી છે. પર્યાવરણની ઇકોસિસ્ટમમાં નદીઓ સૌથી મહત્વપૂર્ણ કડી છે. નદીઓની ઉપેક્ષા માનવે પોતાના અસ્તિત્વની લડાઈ દ્વારા ચૂકવવી પડશે. પાણી છે તો આપણી આવતીકાલ છે.
