પુતિને કિમ જોંગને આ કાર મોકલીને યુએનના પ્રસ્તાવોનુ ઉલ્લંઘન કર્યુ
ખાસ-ખબર ન્યૂઝ પ્યોંગયાંગ, તા.21
- Advertisement -
કિમ જોંગની બહેને આ બાબતની જાણકારી આપી હતી અને રશિયા સાથે નોર્થ કોરિયાના ઘનિષ્ઠ બની રહેલા સબંધોની પ્રશંસા કરી હતી. રશિયાના પ્રમુખ પુતિને ફેબ્રુઆરીમાં કિમ જોંગને ઓરસ સીનટ નામની મોંઘીદાટ લિમોઝિન કાર ભેટ તરીકે મોકલી આપી હતી.આ પહેલા ગત સપ્ટેમ્બરમાં કિમ જોંગે રશિયાની મુલાકાત લીધી હતી અને તે વખતે પુતિને કિમ જોંગને આ કાર બતાવી હતી. તટસ્થ નિરિક્ષકોનુ કહેવુ છે કે, પુતિને કિમ જોંગને આ કાર મોકલીને યુએનના પ્રસ્તાવોનુ ઉલ્લંઘન કર્યુ છે. નોર્થ કોરિયાને લકઝરી વસ્તુઓ સપ્લાય નહીં કરવાનો ઠરાવ યુએન દ્વારા કરવામાં આવેલો છે. જોકે પુતિનને યુએનની ઝાઝી પરવા નથી.
કિમ જોંગની બહેન કિમ યો જોંગે કહ્યુ હતુ કે, કિમ જોંગે પહેલી વખત આ લિમોઝિનમાં મુસાફરી કરી છે. પુતિને ભેટ તરીકે મોકલેલી કારમાં સફર કરીને કિમ જોંગે સંદેશો આપ્યો છે કે, રશિયા અને નોર્થ કોરિયા ગાઢ મિત્રો છે તેમજ બંને દેશ વચ્ચેના સબંધો નવા સ્તર પર વિકસી રહ્યા છે. પુતિને જે કાર મોકલી છે તે રશિયાની પહેલી લક્ઝરી કાર બ્રાન્ડ છે. પુતિને 2018માં પહેલી વખત તેનો ઉપયોગ કર્યો હતો અને એ પછી રશિયાના નેતાઓ તેમજ ટોચના અધિકારીઓના કાફલામાં આ કાર નજરે પડતી હોય છે. કિમ પાસે 40 જેટલી મોંઘી ઈમ્પોર્ટેડ ગાડીઓનુ કલેક્શન છે.