બચ્ચાને સારવાર તેમજ પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના કેશોદના અજાબ ગામે પાણી ભરેલા કુવામાં દીપડાનું બચ્ચું ખાબક્યુ હતું.સમી સાંજે અજાબ ગામની સીમમાં વાકલી વિસ્તારમાં એક ખેતરમાં દીપડાનું બચ્ચું કુવામાં પડ્યાની જાણ વાડીના મજૂરોને થઈ હતી. જેથી વાડી માલિકને જાણ થતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ તેમજ એનિમલ કેર સેન્ટરમાં સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં બે કલાકની જહેમત બાદ દીપડાના બચ્ચાને હેમખેમ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને સારવાર તેમજ પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર મોકલવામાં આવ્યું હતું.
અજાબ ગામના વાડી માલિક રમેશભાઈ કણસાગરાએ જણાવ્યું હતું કે, અજાબ સીમમાં વાકલી વિસ્તારમાં દીપડાનું બચ્ચું કૂવામાં પડી ગયેલ હતું. વાડીમાં રહેતા મજૂરના છોકરાઓ કુવા પાસે ગયા ત્યારે કુવામાં દીપડાનું બચ્ચું પડી ગયાની જાણ થઈ હતી. ત્યારબાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે દીપડાના બચ્ચાને કૂવામાંથી રેસ્ક્યૂ કર્યું હતું.
સામાજિક વનીકરણ રેન્જ કેશોદના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.પી સુહાગિયાએ જણાવ્યું હતું કે, સાંજે 5:30 થી 6 ના સમયગાળા દરમિયાન સ્ટાફને જાણ થઈ કે અજાર ગામે પાણી ભરેલા કુવામાં દીપડાનું બચ્ચુ પડી ગયેલ છે. જે બાબતે તાત્કાલિક અમરાપુર એનિમલ કેર તેમને જાણ કરવામાં આવી હતી. અજબ ગામે કુવામાં પડેલ દીપડાના બચ્ચાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. જે બાદ આ દીપડાના બચ્ચાને સારવાર બાદ પ્રાથમિક તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યું છે.