સત્ય પ્રકાશ અને મહારાજા લાયબલ કેસે કરસનદાસ મૂળજીને ખરી કીર્તિ અપાવી હતી
– ભવ્ય રાવલ
જીવના જોખમે જીવવું પડ્યું હોય અને નાત બહાર મુકાવું પડ્યું હોય એવા પ્રથમ પત્રકાર એટલે કરસનદાસ મૂળજી. કરસનદાસ મૂળજીને સમાજ સુધારાના પત્રકારત્વના પથ પ્રદર્શક કહેવાયા છે. એક સમયે સત્ય પ્રકાશ અને મહારાજા લાયબલ કેસથી પ્રખ્યાત બનેલા કરસનદાસ મૂળજી ગુજરાતના માર્ટિન લ્યુથર પણ કહેવાયા છે. તેઓ પોતાની કારકિર્દીની શરૂઆતમાં શિક્ષક અને ત્યારબાદ પત્રકાર તેમજ સમાજ સુધારક બન્યા હતા. દાદાભાઈ નવરોજીના રાસ્ત ગોફ્તાર નામના સામયિકમાં લેખ લખવાની શરૂઆત કરી માત્ર વીસ વર્ષની ઉમરે જ કરસનદાસ મૂળજીએ પત્રકારત્વની શરૂઆત કરી દીધી હતી. મુંબઈના સાહિત્યિક મંડળોમાં ભાષણો પણ આપતા કરસનદાસ મૂળજી ઉત્તમ પત્રકાર, લેખક હોવાની સાથે ઉમદા વક્તા પણ હતા, તેઓ 1851માં સ્થપાયેલી બુદ્ધિવર્ધક હિંદુ સભાના આરંભથી સભ્ય હતા. સમય જતા તેમણે સત્ય પ્રકાશ નામનું સ્વતંત્ર પત્ર શરૂ કર્યું હતું.
અસત્ય સામે સત્યની જંગ લડનાર પત્રકાર કરસનદાસ મૂળજી અને અંધકારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર સામયિક સત્ય પ્રકાશનું નામ એક સમયે ખૂબ જાણીતું બન્યું હતું પરંતુ આજે ઘણાખરા માટે આ નામ અજાણ્યું છે! પત્રકાર કરસનદાસ મૂળજી અને પત્ર સત્ય પ્રકાશ પર ખૂબ જ ઓછા પ્રમાણમાં શોધ-સંશોધન થયું છે. સમય પસાર થતા પત્રકારત્વની નવી પેઢી આ નામથી અજાણ બની છે. ખરેખર તો દરેક વ્યક્તિએ કરસનદાસ મૂળજી અને સત્ય પ્રકાશ સહિત સમાજ સુધારાના પત્રકારત્વના ઈતિહાસની જાણકારી મેળવવી જરૂરી છે. પત્રકાર અને પ્રોફેસર ડો. શિરીષ કાશીકારે નર્મદ, કરસનદાસ મૂળજી અને મણિલાલ નભુભાઈનું સમજસુધારાના પત્રકારત્વમાં પ્રદાન વિશે શોધ-સંશોધન કરી મહાશોધ નિબંધ લખ્યો છે. સમાજ સુધારાના પત્રકારત્વ વિશે ઊંડાણપૂર્વક જાણવા માટે સૌ કોઈ માટે આ મહાશોધ નિબંધ ગાગરમાં સાગર સમાન છે. શિરીષ કાશીકારે પોતાના મહાશોધ નિબંધમાં લખ્યું છે કે, ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસ પર નજર ફેરવતી વખતે જે પૃષ્ઠો ઈતિહાસના પાનાં પરથી અદ્રશ્ય થઈ ગયા છે તેની ખોજ કરવી જરૂરી બની રહે છે. ઉત્તમ પત્રકાર, શ્રેષ્ઠ સમાજ સુધારક, સાહસિક મુસાફર, ઉમદા માનવી.. આવા કેટલાય વિશેષણો જેના નામ આગળ લગાવીએ તો પણ ઓછા પડે એવા પત્રકાર એટલે કરસનદાસ મૂળજી. ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસમાં અમર થઈ જનારા આ મહાન પત્રકારને ખરા અર્થમાં સમાજ સુધારક બનાવનાર સામયિક સત્ય પ્રકાશ હતું.
- Advertisement -
કરસનદાસ મૂળજીએ 1855માં પોતાનું સામયિક સત્ય પ્રકાશ શરૂ કર્યું. જેના તેઓ 1860 સુધી અધિપતિ રહેલા. સત્ય પ્રકાશ 1855માં શરૂ થયું હતું અને પાંચ વર્ષ બાદ 1860માં રાસ્ત ગોફ્તાર સાથે ભળી ગયું હતું. તેમણે રાસ્ત ગોફ્તારના તંત્રી તરીકેની જવાબદારી પણ સાંભળી હતી. 1857માં જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ સ્ત્રીઓનું સામયિક સ્ત્રી બોધ પ્રગટ થવાનું શરુ થયું હતું. સત્ય પ્રકાશમાં સ્ત્રી ઉત્કર્ષ વિશે લખનારા કરસનદાસ મૂળજીએ સ્ત્રીઓની સામાજિક સ્થિતિમાં સુધારો લાવવા માટે 1859થી 1861 બે વર્ષ સુધી સ્ત્રી બોધ માસિકના તંત્રીપદે આશરે 22 જેટલા અંકોમાં લખ્યું હતું. તેમણે થોડા સમય સુધી સ્ત્રી બોધનું તંત્રીપદ પણ સંભાળ્યું હતું. સ્ત્રી બોધ સામયિક લગભગ સોએક વર્ષ ચાલેલું! કરસનદાસ મૂળજીના નીતિ વચન પુસ્તક સાથે પ્રસિદ્ધ થયેલા કરસનદાસ મૂળજીના ટૂંકા જીવનચરિત્રમાં અપાયેલી નોંધ અનુસાર કરસનદાસ મૂળજી સત્ય પ્રકાશના અધિપતિ 1855-60, રાસ્ત ગોફ્તારના અધિપતિ 1860-62 અને સ્ત્રી બોધના અધિપતિ 1859-61 સુધી રહ્યાં હતા. કરસનદાસ મૂળજી અને સત્ય પ્રકાશ સહિત તે સમયના અન્ય પત્રો વિશેની માહિતી હાલ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કારણ કે, દરેક વર્ષના અંકોની ફાઈલ્સ હવે નામશેષ થઈ ગઈ છે, જે સંદર્ભો ઉપલબ્ધ છે તેમાં તારીખોનો થોડોઘણો તફાવત છે.
કરસનદાસ મૂળજી ચીનના વેપારી સાથે જોડાણ કરીને બોમ્બે બજાર નામના વ્યાપારી સામયિકનું સંપાદન પણ કરતા હતા. આ આર્થિક વિષયનું અખબાર જહાજ મારફતે ચીન પણ જતું હતું. કરસનદાસ મૂળજી 1857માં મુંબઈથી ડીસા ગયા ત્યારે નીતિ બોધક સભાની સ્થાપના કરી ત્યાંથી નીતિ બોધક નામનું સામયિક પણ શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે. તેમણે વિધવા અરજી નામનું સામયિક પણ ચલાવેલું. એક પત્રકાર તરીકે કરસનદાસ મૂળજીએ ઘણા સામયિકોમાં કામ કર્યું હતું. ખૂબ જ નાની ઉંમરે કરસનદાસ મૂળજીએ ગુજરાતી પત્રકારત્વમાં કાઠું કાઢી લીધું હતું. આમ છતાં કરસનદાસ મૂળજીને પત્રકાર તરીકેની ખરી કીર્તિ તો સત્ય પ્રકાશ અને મહારાજા લાયબલ કેસે જ અપાવી હતી. ગુજરાતી પત્રકારત્વની યાત્રામાં આજથી પોણા બસો વર્ષ અગાઉ જો કરસનદાસ મૂળજી અને સત્ય પ્રકાશ જન્મ્યા ન હોતા તો હજુ બીજા પોણા બસો વર્ષ સુધી ગુજરાતી સમાજ પછાતપણામાં જ જીવ્યો હોતો એવું કહી શકાય. કરસનદાસ મૂળજી અને સત્ય પ્રકાશે ગુજરાતી સમાજને સુધારાવાદી પંથ ચીંધ્યો. સત્ય પ્રકાશે ગુજરાતને મહાનત્તમ મહારાજા લાયબલ કેસ આપ્યો એ તેની અમૂલ્ય ભેટ છે.
- Advertisement -
મહારાજા લાયબલ કેસ એટલે વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો અભૂતપૂર્વ બદનક્ષીનો મુકદ્દમો.
આ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીઓનાં વહેમ તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર પણ કરતા. આ રીત સત્તરમા સૈકાથી ચાલી આવતી અને ઓગણીસમા સૈકામાં ચાલુ રહી હતી. કરસનદાસ મૂળજીએ સત્ય પ્રકાશ સામયિકમાં વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉઘાડા પાડવા શરૂ કર્યા. સત્ય પ્રકાશના લખાણો વૈષ્ણવ મહારાજો જીરવી ન શક્યા. તેથી તેમણે કરસનદાસની કપોળ જ્ઞાતિના પંચ સાથે ગુપ્ત મસલતો કરીને તેમને નાત બહાર કરાવ્યા. જદુનાથજીએ કરસનદાસ સામે રૂ. પચાસ હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. તે ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતો થયો. મહારાજ લાયબલ કેસ 25 જાન્યુઆરી 1862ના રોજ શરૂ થયો. આ કેસ દરમિયાન કરસનદાસ ઉપર તેમના દુશ્મનોએ હુમલા કર્યા હતા. કેસ ચાલે ત્યારે અદાલતમાં ખૂબ ભીડ જામતી. મુંબઈ ઈલાકાના લગભગ બધાં અખબારો તેના સમાચાર પ્રગટ કરતાં. મહારાજો કેવી રીતે વ્યભિચાર કરતા તેની વિગતો જાહેર થઈ. આ કેસનો ચુકાદો 22 એપ્રિલ 1862ના રોજ આપવામાં આવ્યો. કરસનદાસ નિર્દોષ સાબિત થયા. આ કેસ લડવામાં તેમને રૂ. 13000નો ખર્ચ થયો હતો. અદાલતે જદુનાથજી પાસેથી તેમને 11500 અપાવ્યા.
માત્ર 39 વર્ષની વયે અવસાન પામેલા કરસનદાસ મૂળજી અને તેમના સત્ય પ્રકાશ સામયિકનું ગુજરાતી પત્રકારત્વ ઉપરાંત ગુજરાતના સામાજિક અને સાંસ્કૃતિક ઈતિહાસમાં અનોખું સ્થાન રહ્યું છે. સત્ય પ્રકાશમાંથી જ જન્મેલો મહારાજ લાયબલ કેસ કરસનદાસ મૂળજીના પત્રકારત્વનો કીર્તિસ્થંભ પણ બની રહ્યો હતો. સ્વભાવે શિક્ષક અને વૃત્તિથી સુધારક સાથે અધૂરામાં પૂરું પત્રકાર કરસનદાસ મૂળજીએ ગુજરાતની પ્રજાને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના તેજ તરફ લઈ જવા જાત ઘસી નાખી હતી, નાત સાથે સંઘર્ષ કર્યો હતો, સામાજિક પરિવર્તન માટે તેમણે કરેલો પરિશ્રમ અવર્ણનીય છે. એક પત્રકાર તરીકે કરસનદાસ મૂળજીએ ભોગવેલી પીડાની કલ્પના ન થઈ શકે. તેમણે પત્રકારત્વને માધ્યમ બનાવી કરેલી સમાજ સુધારણાની પહેલ માટે ગુજરાતી સમાજ તેમનો ઋણી રહેશે. એક દિલચસ્પ વાત જાણીને આશ્ચર્ય થશે કે, રાજકોટમાં પુસ્તકાલય, શાકમાર્કેટ તથા અનાજ માર્કેટ બંધાવવામાં કરસનદાસ મૂળજીએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. સૌરાષ્ટ્ર સાથે તેમને અનેરો સંબંધ હતો અને તેઓ ખુદને સૌરાષ્ટ્રના જ કહેડાવવાનું પસંદ કરતા હતા. નર્મદ, કરસનદાસ મૂળજી અને મણિલાલ નભુભાઈના સમાજ સુધારાના પત્રકારત્વની આવી જ ઊંડાણપૂર્વકની દિલચસ્પ બાબતો જાણવા ડો. શિરીષ કાશીકરના મહાશોધ નિબંધનું પઠન કરવું રહ્યું.
ગુજરાતી પત્રકારત્વમાં કરસનદાસ મૂળજીનું સ્મરણ અને સન્માન આવશ્યક બની જાય છે. કારણ કે, 1857માં એક તરફ દેશમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયું હતું ત્યારે બીજી તરફ એ જ સમયગાળામાં કરસનદાસ મૂળજીએ સત્ય પ્રકાશના માધ્યમથી જનસામાન્યમાં એક ક્રાંતિકારી ચેતના જગાવી હતી. ગુજરાતી સમાજમાં પત્રકારત્વના માધ્યમથી કરસનદાસ મૂળજીએ તેમની શિક્ષકવૃત્તિ અને પત્રકારખૂબીનો પરિચય આપી કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમો, રૂઢિઓ, માન્યતાઓ, પાખંડો, ભ્રષ્ટાચાર, પાપાચાર સામે જંગ છેડી હતી અને એ જંગ જીતી પણ હતી. આ મહાન આત્માએ સત્ય પ્રકાશના માધ્યમથી ફક્ત ગુજરાતી પત્રકારત્વને જ નવી દિશા આપી એવું નથી, કરસનદાસ મૂળજીએ સત્ય પ્રકાશના માધ્યમથી ગુજરાતી સમાજને પણ નવી દિશા આપી. જ્યાં સુધી પત્રકારત્વનો પ્રશ્ન છે ત્યાં સુધી ચોક્કસપણે એવું કહી શકાય કે વિદ્રતા અને સંશોધનવૃત્તિમાં કરસનદાસ મૂળજી નર્મદની સમકક્ષ હતા. પરંતુ કાળપુરુષોએ આ મહાન પત્રકારને અન્યાય કર્યો હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
વધારો : કરસનદાસ મૂળજીએ આશરે 10000 શબ્દો ધરાવતો શાળાપયોગી લઘુકોશ ધ પોકેટ ગુજરાતી-ઈંગ્લીશ ડિક્ષનરી (1862), નીતિસંગ્રહ (1856), નીતિવચન (1859, અનુવાદ), સંસારસુખ (1860), મહારાજોનો ઈતિહાસ (1865), વેદધર્મ તથા વેદધર્મ પછીનાં ધર્મપુસ્તકો (1866), કુટુંબમિત્ર (1867), ભેટપોથી, નિબંધમાળા, પાખંડ ધર્મ ખંડન નાટક, લાયબલ કેસ રિપોર્ટ, પ્રવાસ પ્રવેશક, ઈંગ્લેન્ડનો પ્રવાસ વગેરે પુસ્તકો ગુજરાતી-અંગ્રેજીમાં લખ્યા છે. કરસનદાસ મૂળજીએ પોતે કરેલી એક પત્ર નોંધ મુજબ તેમણે 23 જેટલા પોતાના અને અન્યોના પુસ્તકો અને ચોપાન્યા વિવિધ વિષયો પર પ્રસિદ્ધ કર્યા હતા. ત્રીસ વર્ષની ઉંમરે કરસનદાસ મૂળજીએ ગુજરાતી શબ્દ અને તેની સામે અંગ્રેજી શબ્દ હોય એવા દસ હજાર શબ્દોનો ગુજરાતનો સૌપ્રથમ ખિસ્સાકોશ – પોકેટ ડિકશનરી તૈયાર કર્યો હતો.