વિકસિત ભારત 2047ની થીમ પર ભવ્ય ડ્રોન શો, અદભૂત લાઈટ એન્ડ સાઉન્ડ શૉ જોઇ લોકો ઝૂમી ઉઠ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદમાં આજથી (25 ડિસેમ્બર) કાંકરિયા કાર્નિવલ 2024ની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ 31 ડિસેમ્બર સુધી ચાલશે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંજે 7 વાગ્યે વિધિવત રીતે કાર્નિવલ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરી કાર્નિવલ પરેડની શરૂઆત કરી હતી. તો બીજી તરફ ગુજરાતી સિંગર સાંત્વની ત્રિવેદીએ ’વાલમ’ અને ’રસિયો રૂપાળો રંગ રેલીયો’ સોન્ગ પર સૌને ડોલાવ્યા હતા. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થતાં જ એક લાલ દરવાજા ગીત સાથે દેવાંગ પટેલે અમદાવાદ શહેરની ઓળખ કરાવતો કાર્યક્રમ રજૂ કર્યો હતો.
’સ્વચ્છ શહેરને ઘડવા થઈ જા તૈયાર તું’ ગીત પર સૌને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. આ સાથે ડ્રામા કલાકારો દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું. તેમજ ’ગોતી લો તમે ગોતી લો’ અને ’કાઇપો છે’ના ગીત પર લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ ઉપરાંત કલાકારોએ ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો જેવા કે ઉતરાયણ, શિવરાત્રિ, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી વગેરે તહેવારો દર્શાવતા ગીત સાથે સૌને ડોલાવ્યા હતા.
જોકે, કાંકરિયા કાર્નિવલમાં સૌ પ્રથમ વખત ડ્રોન શો યોજવામાં આવ્યો હતો. જેમાં કેમ છો, સ્વાગત છે, ગુજરાતના નકશા અને વિકસિત ભારત 2047ની થીમ પર ભવ્ય ડ્રોન શો યોજ્યો હતો. લોકોએ ડ્રોન શો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. ત્યાર બાદ કાંકરિયા લેકમાં અદભૂત લાઈટ એન્ટ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. આ શો જોઇ લોકો ઝૂમી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 7 દિવસ ચાલનારા કાર્નિવલમાં 22 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે, ત્યારે મુલાકાતીઓ માટે 5 હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે. કાર્નિવલમાં આ વખતે અંડરવોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 27 ડિસેમ્બરે ઇશાની દવે, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી, 30 ડિસેમ્બરે સાઇરામ દવે અને 31 ડિસેમ્બરે કિંજલ દવે કાંકરિયા પુષ્પકુંજ ખાતે સ્ટેજ નંબર 1 પર પર્ફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે.
કાંકરિયા કાર્નિવલમાં CMનો વિરોધ
- Advertisement -
ભરૂચની દુષ્કર્મ પીડિતાના મોતને લઈ APPની યુવા પાંખે બેનરો દર્શાવી રોષ વ્યક્ત કર્યો
અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રાંરભના દિવસે કાંકરિયા ખાતે આમ આદમી પાર્ટીની છાત્ર વિંગ CYSS દ્વારા મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી અને ધારાસભ્યો જ્યારે કાર્નિવલમાંથી રવાના થઈ રહ્યા હતા, ત્યારે બહાર આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ દ્વારા બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તા ભાજપના ધારાસભ્યની ગાડી આગળ ઉભી રહી ગઈ હતી. અચાનક જ વિરોધ પ્રદર્શન થતાં મુખ્યમંત્રીની સિક્યુરિટી અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. CM સિક્યુરિટી અને પોલીસે બેનરો લઈને દર્શાવનારા કાર્યકર્તાઓને દૂર ખસેડ્યા હતા. તમામને ડિટેઇન કરી મણીનગર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કાંકરિયા કાર્નિવલ 2024નો રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્નિવલ 10:00 વાગ્યે પૂર્ણ થયા બાદ જ્યારે મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યો અને નેતાઓ રવાના થયા ત્યારે અચાનક જ આમ આદમી પાર્ટીના 10થી 15 જેટલા કાર્યકર્તાઓ હાથમાં બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર આવી ગયા હતા.