આંબાવાડીમાં આવેલી વિનસ પ્રોટીન્સ કંપની સાથે છેતરપિંડી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગરના આંબાવાડીમાં આવેલી વિનસ પ્રોટીન્સ કંપનીના માલિક પાસેથી કડીના વેપારીએ તેલના 12,317 ડબ્બા ખરીદી રૃા.2,49,34,315 નહીં ચુકવી છેતરપિંડી આચરી છે. બનાવ અંગે વેપારીએ કડીની પેઢીના ત્રણ સંચાલકો સામે બી-ડિવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વઢવાણ જીઆઈડીસી આંબાવાડી વિસ્તારમાં વિનસ પ્રોટીન્સ નામની ખાદ્ય તેલની ફેકટરી (મીલ) ચલાવતા હોલસેલ વેપારી તેમજ ફરિયાદી ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા કડી માર્કેટીંગ યાર્ડમાં આવેલી રાંદલ કૃપા ટ્રડિંગ પેઢીને કુલ 27 બીલ મુજબ અલગ-અલગ ભાવના ખાદ્ય તેલના 8,875 ડબ્બા (કિં.રૃા.1,99,77,558)નો માલ મોકલ્યો હતો. તેમજ અન્ય ફર્મ છાયા સેલ્સને પણ ખાદ્ય તેલના 458 ડબ્બા (કિં.રૃા.4,43,175) મોકલ્યા હતા. આ ઉપરાંત ડુંગરભાઈની અમદાવાદ સ્થિત મારૃતી નંદન પ્રોટીન કંપનીમાંથી પણ રાંદલ કૃપા ટ્રેડિંગને ખાદ્ય તેલના 273 ડબ્બા (કિં.રૃા.5,71,194) અને ફરી ખાદ્ય તેલના 2711 ડબ્બા (કિં.રૃા.42,42,388)નો માલ મોકલ્યો હતો. આમ રાંદલ કૃપા ટ્રેડિંગને ફરિયાદી દ્વારા કુલ 12317 ખાદ્ય તેલના ડબ્બા કિંમત રૃા.2,49,34,315નો માલ મોકલ્યો હતો.
આ રકમ પેટે પેઢીના જવાબદાર વ્યક્તિ રજનીભાઈએ ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલાને પેઢીના નામથી અલગ-અલગ તારીખ અને રકમ સાથેના કુલ 81 ચેક આપી રકમ સમયસર મળી જશે તેવી બાંહેધરી પણ આપી હતી. તેમજ આ રકમ નહીં ચુકવી શકે તો ધ્રાંગધ્રાના મેથાણ ગામની સીમમાં આવેલી ખેતીલાયક જમીન વેચીને પણ રકમ આપી દેવાની ખાત્રી આપી હતી. આ અંગેનું નોટરી સમક્ષ સમાધાન કરાર પણ કરાવ્યો હતો. પરંતુ તેમ છતાંય ડુંગરભાઈ કૈલાની બાકીની લેણી રકમ ચુકવવામાં આનાકાની કરી હતી અને ફરિયાદીને આપેલા તમામ ચેક બેન્કમાં જમા કરાવતા સામેના ખાતામાં પુરતું બેલેન્સ નહિં હોવાથી ચેક રીર્ટન થયા હતા. જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ પેઢીના માલીક સહિત ત્રણ શખ્સો સામે છેતરપીંડની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સુરેન્દ્રનગરના વેપારી ડુંગરભાઈ કેલા સાથે કડી ખાતે રાંદલ કૃપા ટ્રેડિંગ પેઢીના (1) રાજેશકુમાર અમૃતલાલ પટેલ (પેઢીના માલીક) (2) જીગ્નેશભાઈ રજનીકાંતભાઈ પટેલ (ફર્મની ચુકવણી અને બેન્કીંગ કામગીરીનું સંચાલન કરનાર) (3) રજનીકાંતભાઈ ધનજીભાઈ પટેલ (પેઢીના મુખ્ય જવાબદાર વ્યક્તિ) ત્રણેય (રહે.કરશનપુરા તા.કડી) સામે રૃા.2,49,34,315 નહીં ચુકવી છેતરપિંડી આચરતા બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.