આજુબાજુની અનેક ઈમારતો પર પણ જોખમ : ભારે વરસાદને પગલે 8 માળની ઈમારત પત્તાંના મહેલની જેમ ધ્વસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના ઘોડાચોકીમાં ભારે વરસાદને પગલે 8 માળની ઈમારત પત્તાંના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગઈ. આ ઈમારતની સાથે બે માળનું એક મકાન પણ પડી ગયું. આ ઉપરાંત એક મકાનની દીવાલ પણ તૂટી પડી. સારી વાત એ રહી કે 8 માળની આ ઈમારતને પ્રશાસને બપોરે જ ખાલી કરાવી દીધી હતી. આ ઈમારતમાં 8 પરિવારના લોકો રહેતા હતા, તમામે આ બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદ્યા હતા.
શિમલામાં સતત પડી રહેલા વરસાદને કારણે અનેક ભવનોને પ્રશાસને ડેન્જર ઝોનમાં રાખ્યા હતા. દર્શન કોટેજ ઈમારત પણ આ ઝોનમાં જ હતી. ઈમારત ગમે ત્યારે ધ્વસ્ત થઈ જશે તેવી હાલતમાં હતી, ત્યારે પ્રશાસને સમય સૂચકતા વાપરતા બપોરના સમયે જ તેને ખાલી કરાવી દીધી હતી. અચાનક જ સાંજ થતા પ્રશાસનની ટીમની સામે જ આખી ઈમારત થોડી જ મિનિટમાં કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. જે બાદ રાહત કાર્ય શરૂ થયું હતું.
- Advertisement -
જમીનદોસ્ત થયેલી આ ઈમારતની આજુબાજુ ભૂસ્ખલન થવાથી કેટલીક ઈમારતો પણ ખતરામાં આવી ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ જ જાનહાનિની માહિતી મળી નથી.
દર્શન કોટેજની પાસે વધુ એક 7 માળનું બિલ્ડિંગ આવેલું છે, જેને પ્રશાસને ખાલી કરાવી દીધું છે. અહીં પણ લગભગ 12 પરિવાર ભાડેથી રહે છે. ઈમારતને બચાવવા માટે પણ પ્રશાસન કામ કરી રહ્યું છે.