જસ્ટિસ બી.આર. ગવઈ 24 મે, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા, અને તેઓ અનેક બંધારણીય બેન્ચનો ભાગ રહ્યા છે જેમણે સીમાચિહ્નરૂપ ચુકાદા આપ્યા.
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ બુધવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદના શપથ લેવડાવ્યા.
- Advertisement -
CJI ગવઈ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાનું સ્થાન લેશે, જેમણે 13 મેના રોજ પદ છોડ્યું હતું અને તેઓ 23 નવેમ્બર, 2025 સુધી આ પદ પર રહેશે. તેઓ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ છે.
24 નવેમ્બર, 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં જન્મેલા જસ્ટિસ ગવઈને 14 નવેમ્બર, 2003ના રોજ બોમ્બે હાઈકોર્ટના વધારાના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. મુંબઈની મુખ્ય બેન્ચની સાથે સાથે નાગપુર, ઔરંગાબાદ, અને પણજીમાં પણ વિભિન્ન પ્રકારના કેસોનું નેતૃત્વ તેમણે કર્યું છે. 24 મે, 2019ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતાં. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈએ અનેક નોંધનીય ચુકાદા આપ્યા છે. જેમાં મોદી સરકારનો 2016માં ડિમોનેટાઈઝેશનનો નિર્ણય, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવવાનો ચુકાદો સામેલ છે.