કથામૃત: એક શાહુકારે ખૂબ સંપત્તિ એકઠી કરી હતી. એની સંપત્તિ કોઈ પડાવી જશે એવો ડર એને સતત લાગતો હતો. એણે નક્કી કર્યું કે આટલી મોટી સંપત્તિ સાચવવા કરતા એ બધી જ સંપત્તિ વેંચીને તેના બદલામાં કિંમતી હીરા ખરીદવામાં આવે, તો તેને સાચવવામાં ઘણી સરળતા રહે. એણે પોતાની બધી જ સંપત્તિ વેંચી નાંખી. અને જે રકમ મળી તેમાંથી અતિ કિંમતી હીરા લીધા. ઘરની તિજોરીમાં આ હીરા રાખી દીધા. દિવસમાં બે વખત સવારે અને સાંજે શાહુકાર તિજોરી ખોલીને હીરા જોઈ લે. શેઠનો નોકર આ ક્રિયા રોજ જુએ. એક દિવસ નોકરે ડુપ્લિકેટ ચાવીના ઉપયોગથી તિજોરી ખોલીને બધાં જ હીરા લઈ લીધા. સવારે નિત્યક્રમ પ્રમાણે શેઠ ભગવાનની પૂજા કરીને તિજોરીમાં રાખેલા હીરાના દર્શન કરવા માટે ગયા. તિજોરી ખોલતા જ ખાલી જોવા મળી. શેઠને તો જાણે હૃદયરોગનો હુમલો આવ્યો હોય એમ લાગ્યું. મોટા મોટા અવાજે રડવાનું ચાલુ કર્યું. લોકો ભેગા થવા લાગ્યા. શેઠના પડોશમાં રહેતા ભાઈ શેઠની વૃત્તિથી પરિચિત હતા. એણે કહ્યું, રડો નહીં. હું હમણાં તમારા ચોરાયેલા હીરા પાછા લાવી આપું છું. પડોશી બહાર ગયો અને થોડીવાર પછી એક નાની પોટલી લઈને આવ્યો. પોટલી શેઠના હાથમાં મૂકતા કહ્યું, લો શેઠ આ તમારા હીરા. હવે રડવાનું બંધ કરો. શેઠે પોટલી ખોલી તો તેમાં હીરાના બદલે માત્ર કાચના ટુકડાઓ જ હતાં. શેઠ તો એકદમ ગુસ્સે થયા અને પોટલી પાડોશી પર ફેંકી. પડોશીએ શેઠને કહ્યું, શેઠ, તમારી તિજોરીમાં હીરા હોય કે કાચ તમને શું ફેર પડે છે ? તમારે તો સવારે અને સાંજે માત્ર તિજોરી ખોલીને એને જેવાના જ છે ને ? તો પછી આ કાચના ટુકડા હીરા છે એમ માનીને જોઈ લેજો.
અર્થામૃત: જેમ ભરેલા તળાવમાંથી જળનો ઉપયોગ કરતાં રહીએ તો તેનું પાણી શુદ્ધ રહે છે, તેમ કમાયેલા ધનનો સુમાર્ગે ત્યાગ કરતા રહેવાથી જ તેનું રક્ષણ થાય છે.
- Advertisement -
બોધામૃત: બેંકના લોકરમાં રહેલી નોટોની થપ્પીઓ અને પસ્તીના કાગળો વચ્ચે બહુ મોટો તફાવત નથી. સંપત્તિ તો જ સંપત્તિ ગણાય, જો તેનો ઉપયોગ થાય. બાકી જે પડી જ રહેતી હોય તો એને સંપત્તિ થોડી કહેવાય ?
અનુભવામૃત: જે રીતે આકાશ ધરતી પરથી જળ લઈને વરસાદ દ્વારા ધરતીને પરત આપી દે છે તે જ રીતે સજ્જન પણ સમાજ પાસેથી જે કઈ ગ્રહણ કરે તેનું દાન કરે છે.
-મહાકવિ કાલીદાસ