ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને હથિયારોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા આદરેલી કડક ઝુંબેશમાં જૂનાગઢ એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર તથા તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ અખેડ અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલને સંયુક્ત બાતમી મળી હતી કે શહેરના આંબાવાડી પાર્કિંગ વિસ્તારમાં એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આંટાફેરા કરી રહ્યો છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે આંબાવાડી પાર્કિંગમાં તપાસ હાથ ધરતા ત્યાંથી ફરદીન ઉર્ફે એ.કે. મયુદીન શેખ રહે. જમાલવાડી, તાજીયાના ઓટા પાસે, જૂનાગઢ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીની ઝડતી લેતા તેના પેન્ટના નેફામાંથી વિદેશી બનાવટની ’ખઅઉઊ ઈંગ ઊગૠકઅગઉ’ લખેલી 32 બોરની પિસ્તોલ કિંમત રૂ. 20,000 અને બે જીવતા કાર્ટીસ કિંમત રૂ. 200 મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 20,200 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



