મશાલ સાથે ’જય શ્રી રામ’, ’ફિટ ઈન્ડિયા’, ’ગિરનાર’ ’ગુજરાત પોલીસ’, ’વેલકમ’નું પર્ફોમન્સ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે 24મી જાન્યુઆરીના રોજ જૂનાગઢની વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં ગુજરાત પોલીસના જવાનો દ્વારા ’મશાલ પીટી’ કાર્યક્રમમાં બાઈક સ્ટંટ, મલખમ સહિત અવનવા કરતબ બતાવવામાં આવ્યાં હતાં. તેમજ ગુજરાત પોલીસના 256 જવાનો સાથે 512 મશાલ સાથે મશાલ પીટી કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં બંને હાથમાં મશાલ પકડીને ’જય શ્રી રામ’, ’ફિટ ઈન્ડિયા’, ’ગીરનાર’ ’ગુજરાત પોલીસ’, ’વેલકમ ’ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવ્યા હતાં.
આ તકે, પોલીસ બેન્ડ દ્વારા બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડની શૌર્યભરી ધૂનની પણ પ્રસ્તુતી કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ તેમજ સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જૂડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢના કલાપ્રેમી પ્રજાજનોએ અશ્વ શો, ડોગ શો સહિત અવનવા ભવ્ય કાર્યક્રમોની પ્રસ્તુતી માણી હતી.જૂનાગઢના પ્રજાજનોએ સોરઠી સિંહ જેવું શૌર્ય અને ચિત્તા જેવી ચપળતા ધરાવતા પોલીસ જવાનોના અદમ્ય સાહસ અને વીરતાભર્યા શૌર્યને ” માતા કી જય’ અને ’ચક દે ઈન્ડિયા’ના પ્રચંડ નાદ સાથે વધાવ્યું હતું. આમ ખમીરવંતી ખાખીના અવનવા કરતબ નિહાળી જૂનાગઢના પ્રજાજનો મંત્રમુગ્ધ થયાં હતાં.