ધારાસભ્યની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર
પોલીસ ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ
- Advertisement -
અગાઉ પણ ધારાસભ્યને ધમકી અને ખંડણીના ફોન આવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાનું ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઇડી પાકિસ્તાનનું આઇપી બન્યું હોવાનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. ધારાસભ્યની પ્રતિષ્ઠા અને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાના ઈરાદે અજાણ્યા શખ્સો દ્વારા આ સાયબર ગુનો આચરવામાં આવ્યો છે, જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બે શંકાસ્પદ મોબાઇલ નંબર પણ મળી આવ્યા છે. આ ઘટનાએ માત્ર જૂનાગઢના રાજકારણમાં જ નહીં, પરંતુ સુરક્ષા અને સાયબર ક્રાઇમના મામલે પણ ગંભીર ચકચાર જગાવી છે. ધારાસભ્ય સંજય કોરડીયાના સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠી દ્વારા આ મામલે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ અજાણ્યા ઇસમોએ ધારાસભ્યના ફોટો અને નામ સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવ્યા હતા. આ ફેક આઈડીનો દુરુપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસરૂપે ખોટા મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેનો મુખ્ય હેતુ ધારાસભ્યની સ્વચ્છ રાજકીય છબીને નુકસાન પહોંચાડવાનો હતો. આ ગુનાને ભારતીય કાયદા હેઠળ ગંભીર ગણવામાં આવે છે, જેમાં ઈંઝ એક્ટની કલમ 66ઈ (ઓળખની ચોરી) અને 66ઉ (કમ્પ્યુટર સંસાધનોનો ઉપયોગ કરીને છેતરપિંડી) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. એક જનપ્રતિનિધિની નકલી ઓળખ બનાવીને લોકોમાં ભ્રમ ફેલાવવો એ લોકશાહી પ્રક્રિયા પર પણ સીધો હુમલો માનવામાં આવે છે. ધારાસભ્યની ઇમેજને નુકસાન પહોંચાડતી આ હકીકત સામે આવતા તુરંત જ હર્ષભાઈ ગોઠીએ જૂનાગઢ એસઓજીમાં અરજી કરીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. એસઓજીની ટીમે તાત્કાલિક ટેકનિકલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસના ભાગરૂપે, ફેસબુક આઈડીની પ્રોફાઇલની વિગતો મેળવવા તપાસ શરુ કરી હતી. આ ફેસબુક આઈડી પાકિસ્તાનમાંથી બનેલ હોવાની માહિતી મળી હતી! આ સાથે જ, આ ફેક આઈડી સાથે જોડાયેલા બે શંકાસ્પદ મોબાઇલ નંબર પણ પોલીસને મળ્યા હતા. જ્યારે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધ પાકિસ્તાનમાંથી સાયબર ગુનો આચરવામાં આવે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. આ મામલો હવે માત્ર સાયબર ક્રાઇમ પૂરતો મર્યાદિત ન રહેતા, તેની પાછળના ઈરાદાઓ અને રાષ્ટ્રીય સુરક્ષાના પાસાઓ પર પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે આ બંને અજાણ્યા મોબાઇલ નંબરના ધારક સામે સત્તાવાર ફરિયાદ નોંધી છે અને તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
- Advertisement -
જૂનાગઢ ખકઅ પર આંતરરાષ્ટ્રીય હુમલાનું પુનરાવર્તન
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય સંજય કોરડીયાને આંતરરાષ્ટ્રીય સ્તરે નિશાન બનાવવાની આ બીજી મોટી ઘટના છે. આ અગાઉ, ગત ઓક્ટોબર 2025 માં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને લાખોની ખંડણી માંગવામાં આવી હતી, જેનાથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. તે સમયે, ધારાસભ્ય પાસે આંતરરાષ્ટ્રીય વોટ્સએપ કોલ દ્વારા રૂ. 30 થી 35 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી હતી અને જો રકમ નહીં આપે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ કોલ સાઉથ આફ્રિકાના કોંગોથી આવ્યો હોવાનું ખુલ્યું હતું. જૂનાગઢ પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સમીર ગાલીફ રીંગબ્લોચ મૂળ: ચિત્રાવડ, તાલાલાને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો હતો, સાથે અન્ય બે ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ધારાસભ્યની ફેક આઈડી મામલે મૂળ સુધી પહોંચવા તપાસ તેજ
એક જનપ્રતિનિધિ પર થોડા મહિનાના ગાળામાં આફ્રિકાથી ખંડણીની ધમકી અને હવે પાકિસ્તાનમાંથી ફેક આઈડી દ્વારા બદનામ કરવાનો પ્રયાસ આ બે ઘટનાઓ દર્શાવે છે કે ધારાસભ્ય સંજય કોરડીયા કોઈ આંતરરાષ્ટ્રીય નેટવર્કના નિશાન પર છે. જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. એસ.પી. સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ પાકિસ્તાની નંબર સાથે સંકળાયેલા શખ્સોને ઝડપી લેવા માટે તકનીકી અને હ્યુમન સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસના મૂળ સુધી પહોંચવા અને આરોપીઓના ઈરાદાઓને બહાર લાવવા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની મદદ લેવાય તેવી શક્યતા છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સાયબર હુમલાથી અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓની સુરક્ષા સામે પણ પ્રશ્ર્નાર્થ ઊભો થયો છે.



