રૂા. 18 લાખનાં ખર્ચે 68 કીલોવોટ સિસ્ટમ કાર્યરત થઇ
વાર્ષિક 87040 યુનિટ ગ્રીન ઉર્જાનું ઉત્પાદન થશે
- Advertisement -
ખાસ ખબરસંવાદદાતા
રાજ્યમાં સૈા પ્રથમ જિલ્લા પંચાયતો પૈકી જૂનાગઢ જિલ્લા પંચાયત સોલાર સિસ્ટમથી વિજળી મેળવતી જિલ્લા પંચાયતનું બહુમાન પ્રાપ્ત કર્યુ છે. ગ્રામ વીકાસ અને પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, જિલ્લા સહકારી બેન્કના ચેરમેન કીરીટભાઇ પટેલની ઉપસ્થીતીમાં આજે 68 કિલોવોટની સોલાર સિસ્ટમનું જિલ્લા પંચાયત કચેરી જૂનાગઢ ખાતે લોકાર્પણ કર્યુ હતુ.
15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂા. 18 લાખનાં ખર્ચે 68 કીલોવોટની સોલાર સિસ્ટમ જે.જે.પીવી. સોલાર સિસ્ટમ શાપર દ્વારા કાર્યાન્વીત કરવામાં આવી છે. 25 વર્ષની વોરંટી અને ટોટલ સિસ્ટમની પાંચ વર્ષની ગેરંટી છે. સોલાર સિસ્ટમથી દરરોજ 272 યુનિટ અને વર્ષે સુર્ય પ્રકાશનાં 320 દિવસો ગણતા 87040 યુનિટનું ગ્રીન વિજ ઉત્પાદન થશે. જેનાથી વર્ષે 2091 ટન કાર્બન ઉત્સર્જન થતુ અટકાવી શકાશે. જે 3346 નવા વૃક્ષ વાવવા બરોબર છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે જણાવ્યું હતું. આ સોલાર સિસ્ટમથી જિલ્લા પંચાયતને દર વર્ષે રૂા. છ લાખથી વધુ વિજ બીલની
બચત થશે.


